Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બધાને મારી નાખો, જે થશે એ હું જોઈ લઈશ’: નૂંહ હિંસા દરમિયાન...

    ‘બધાને મારી નાખો, જે થશે એ હું જોઈ લઈશ’: નૂંહ હિંસા દરમિયાન AAP નેતા જાવેદ અહમદના કહેવાથી મુસ્લિમ ભીડે કરી હતી બજરંગ દળ કાર્યકર્તા પ્રદીપ કુમારની હત્યા- FIRમાં ઘટસ્ફોટ

    ઑપઇન્ડિયા પાસે પ્રદીપ કુમારની હત્યા મામલે નોંધાયેલી FIRની નકલ ઉપલબ્ધ છે. આ FIR 2 ઓગસ્ટ, 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી. 200 લોકોના ઉન્માદી ટોળાએ પ્રદીપ કુમારની હત્યા કરી નાખી તેના બીજા દિવસે.

    - Advertisement -

    31 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના નૂંહમાં થયેલી ઇસ્લામી હિંસામાં ચાર હિંદુઓનાં મોત થયાં હતાં, જેમાંથી એક હતા પ્રદીપ કુમાર. તોફાનીઓથી બચવા માટે હિંદુઓએ નલ્હડ મંદિરે આશરો લીધો હતો, ત્યારબાદ તેમને બચાવી લેવામાં આવ્યા હતા. પ્રદીપ કુમાર તેમાંના એક હતા. જોકે તેઓ પોલીસ મથકેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મુસ્લિમ ટોળાએ તેમની બર્બર હત્યા કરી નાખી હતી. 

    ઑપઇન્ડિયા પાસે પ્રદીપ કુમારની હત્યા મામલે નોંધાયેલી FIRની નકલ ઉપલબ્ધ છે. આ FIR 2 ઓગસ્ટ, 2023ના રોજ દાખલ કરવામાં આવી હતી. 200 લોકોના ઉન્માદી ટોળાએ પ્રદીપ કુમારની હત્યા કરી નાખી તેના બીજા દિવસે. આ FIR પવન કુમાર નામના બજરંગ દળ કાર્યકર્તાની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે, જેઓ હુમલા સમયે પ્રદીપ કુમારની સાથે હતા. 

    પવન કુમારે ફરિયાદમાં એક જાવેદ અહમદ નામના વ્યક્તિને મુખ્ય આરોપી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જાવેદના આદેશથી જ ટોળાએ તેમની અને પ્રદીપ કુમાર પર હુમલો કરી દીધો હતો. અહીં નોંધવા જેવી બાબત એ છે કે જાવેદ અહમદ આમ આદમી પાર્ટીનો નેતા છે. 

    - Advertisement -

    FIRમાં પવન કુમારે જણાવ્યું કે, 31 જુલાઈની રાત્રે લગભગ સાડા દસ વાગ્યે તેઓ પ્રદીપ કુમાર અને અન્ય બજરંગ દળ કાર્યકર્તાઓ તેમની સ્વિફ્ટ કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ઇસ્લામી ટોળાએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. તેમની કાર પાછળ અન્ય બે ગાડીઓ હતી, જેમાં બજરંગ દળના અન્ય કાર્યકર્તાઓ હતા. જેની પાછળ એક પોલીસ વાન પણ એસ્કોર્ટ કરતી આવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમની કાર સોહના રોડ પર પહોંચી તો પોલીસે બજરંગ દળ કાર્યકર્તાઓને પોતાની રીતે નીકળી જવા કહ્યું. તેમણે આશ્વાસન આપ્યું કે સોહના પોલીસે તમામ સુરક્ષા સુનિશ્ચિત કરી છે અને રૂટ ક્લિયર છે. 

    પોલીસથી છૂટા પડીને થોડા જ આગળ ગયા ત્યાં એક સ્કોર્પિયો કારે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. એક-બે કિલોમીટર આગળ વધ્યા બાદ કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વૅ પર અચાનક સ્કોર્પિયોએ તેમને ઓવરટેક કરી અને થોડી જ સેકન્ડોમાં 150 જેટલા લોકોના ટોળાએ ધસી આવીને કાર પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેથી ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. 

    પવન કુમાર અનુસાર, જેવી કાર ઉભી રહી કે તેમને બહાર કાઢવામાં આવ્યા. ટોળાને ઉશ્કેરતા જાવેદ અહમદે બૂમો પાડીને કહ્યું હતું કે, “તેમને બધાને મારી નાખો, જે થાય એ હું જોઈ લઈશ.” જાવેદ અહમદના આદેશથી 20-25 ઇસ્લામીઓએ લોખંડના સળિયા, પથ્થરો, બંદૂકો અને અન્ય હથિયારો વડે હિંદુઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કારનો દરવાજો ખોલીને પ્રદીપ કુમારને પણ બહાર કાઢ્યા અને માર મારવા માંડ્યો હતો. 

    ફરિયાદમાં આગળ જણાવવામાં આવ્યું કે, જ્યારે પોલીસે તેમને બચાવ્યા અને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું હતું કે ઇસ્લામીઓ પ્રદીપ કુમારને લોખંડના સળિયા અને લાકડીઓ વડે માર મારી રહ્યા હતા. પોલીસે પછીથી પ્રદીપ કુમારને પણ બચાવી લીધા અને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ બચી ન શક્યા. 

    મુખ્ય આરોપી જાવેદ અહમદ કોણ છે?

    FIRમાં જાવેદ અહમદનું નામ મુખ્ય આરોપી તરીકે લખાયું છે. જોકે, તેમાં માત્ર નામનો જ ઉલ્લેખ છે જેથી ઑપઇન્ડિયાએ આ વિશે વધુ માહિતી મેળવવા માટે પવન કુમાર સાથે વાતચીત કરી હતી. પવન કુમારે પુષ્ટિ કરી કે જાવેદ અહમદ બીજું કોઈ નહીં પણ આમ આદમી પાર્ટીનો નેતા છે. તેમણે કહ્યું કે, જાવેદ જ હતો જેમણે ટોળાને ઉશ્કેરીને પ્રદીપ અને અન્ય બજરંગ દળ કાર્યકર્તાઓ પર હુમલો કરાવ્યો હતો. આગળ કહ્યું કે, ઇસ્લામી ટોળાએ તેનો આદેશ માનીને ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથે હુમલો કરી દીધો હતો. 

    જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ ચોક્કસ છે કે AAP નેતાએ ટોળાને ઉશ્કેર્યું હતું, તો તેમણે ફરી પુષ્ટિ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેને સારી રીતે ઓળખે છે કારણ કે અગાઉ પણ ઘણી વખત સોહના વિસ્તારમાં તેને જોવાનું બન્યું છે. 

    પવન કુમાર સાથેની વાતચીત બાદ અમે જાવેદ અહમદ વિશે વધુ જાણકારી મેળવી હતી. જેમાં 2 ઓગસ્ટ, 2022ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલ એક પ્રેસ રિલીઝ ધ્યાને આવી. જેમાં પાર્ટીના હરિયાણા યુનિટે જાવેદ અહમદને AAPના લઘુમતી સેલનો સ્ટેટ કૉ-ઓર્ડિનેટર નીમ્યો હતો. 

    નોંધનીય છ કે આમ આદમી પાર્ટીએ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હરિયાણાના ઘણા પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને તેમના સમર્થકો પાર્ટીમાં સામેલ થયા હતા. જાવેદ અહમદ અગાઉ સોહના વિધાનસભા બેઠક પરથી BSPનો ઉમેદવાર હતો, જે 14 માર્ચ, 2022ના રોજ દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીમાં સામેલ થયો હતો. 

    પ્રદીપ કુમારની વાત કરવામાં આવે તો તેઓ ઉત્તર પ્રદેશના બાગપતના વતની હતા અને ગુરૂગ્રામમાં બજરંગ દળ યુનિટમાં સેવા આપતા હતા. નાનું-મોટું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. પરંતુ હવે પરિવારનો એકમાત્ર કામનારો વ્યક્તિ ચાલ્યો ગયો છે. પોલીસ અનુસાર, ઓટોપ્સી અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેઓ મૃતદેહ સીધો બાગપત રવાના કરશે. 

    આમ આદમી પાર્ટીના આ નેતાનું નિકિતા તોમર હત્યા કેસમાં પણ કનેક્શન સામે આવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી તૌસીફ તેનો ભત્રીજો થાય છે. નોંધવું જોઈએ કે ઓક્ટોબર, 2020માં ફરીદાબાદમાં એક કોલેજની બહાર સરાજાહેર નિકિતા તોમર નામની એક 21 વર્ષીય યુવતીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. નિકિતાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તૌસીફ તેને ઇસ્લામ અપનાવવા અને નિકાહ કરવા દબાણ કરતો હતો. આ હત્યાકાંડમાં પોલીસે જાવેદ અહમદની પણ પૂછપરછ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં