26/11 મુંબઈ આતંકવાદી હુમલાને (Mumbai terror attack) લઈને NIAએ બુધવારે (24 જુલાઈ) સપ્લીમેન્ટરી ચાર્જશીટ (Supplementary Chargesheet) દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આતંકી ઘટનાને લઈને અનેક ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આરોપપત્રમાં પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાને (Tahawwur Rana) 26/11ના આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર ગણવામાં આવ્યો છે. આ હુમલામાં 170 લોકોનાં મોત થયાં હતાં. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ આતંકી ઘટનાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય દેશની સંપ્રભુતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાને અસ્થિર કરીને મોટાપાયે આતંકી ઘટનાઓને અંજામ આપી ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો હતો.
ચાર્જશીટ અનુસાર, તહવ્વુર રાણાએ લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા પાકિસ્તાની-અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવા માટે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. રાણાએ હેડલીને મુંબઈમાં રેકી કરવા માટે ખૂબ મદદ કરી હતી. આતંકી હુમલા પહેલાંની તમામ તૈયારીઓમાં પણ રાણાએ હેડલીની મદદ કરી હતી અને આતંકી હુમલાના સ્થળોની માહિતી પણ હેડલી સુધી પહોંચાડી હતી. વધુમાં ચાર્જશીટમાં એવું પણ કહેવાયું છે કે, રાણાએ મુંબઈમાં એક નકલી કોર્પોરેટ ફ્રન્ટ સ્થાપિત કરીને ઘાતક હુમલાનો પાયો નાખવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા પાકિસ્તાની સહયોગીઓ સાથે મળીને રચ્યું કાવતરું- NIA
NIAની ચાર્જશીટ અનુસાર, રાણાએ ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે પાકિસ્તાન સ્થિત તેના સહયોગીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચ્યું હતું, જેનો સ્પષ્ટ ઉદ્દેશ્ય દેશની એકતા અને અખંડિતતાને નષ્ટ કરીને નાગરિકોમાં ઇસ્લામી આતંક ફેલાવવાનો હતો. આ યોજનાને સરળ બનાવવા માટે રાણાએ મુંબઈની તારદેવ એસી માર્કેટમાં ‘ઇમિગ્રન્ટ લૉ સેન્ટર’ નામની એક નકલી કંપની શરૂ કરી હતી. આ કંપની જોવામાં વાસ્તવિક કાનૂની વેપાર કંપની જેવી લાગતી હતી, પરંતુ હકીકતે તેનો કોઈ વ્યવસાય જ નહોતો. તેનો ઉપયોગ માત્ર આતંકી પ્રવૃત્તિઓને છુપાવવા અને આગળ ધપાવવા માટે કરવામાં આવતો હતો.
આ કંપની બે વર્ષ સુધી ચાલતી રહી હતી. એજન્સીનું કહેવું છે કે, આ કંપનીનો ઉપયોગ ડેવિડ કોલમેન હેડલીએ આતંકી હુમલાના ઠેકાણાંની રેકી કરવા માટે કર્યો હતો. ચાર્જશીટમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે, “જે નિવેદનો આપવામાં આવ્યા છે, તે એ વાતને વધુ મજબૂત કરે છે કે, ‘ઇમિગ્રન્ટ લૉ સેન્ટર’ આરોપી રાણાની (A-2) કંપની અથવા તો માત્ર બનાવટી ઓફિસ હતી. તેનો ખરો ઉદ્દેશ્ય ડેવિડ હેડલીની (A-1) મદદ કરવાનો હતો, જે તેના સાથીઓ સાથે મળીને મુંબઈમાં રેકી કરી રહ્યો હતો.”
ચાર્જશીટમાં વધુમાં કહેવાયું છે કે, “આ ઓફિસ બે વર્ષથી વધુ સમય સુધી એટલા માટે ચાલુ રહી કારણ કે આરોપી રાણાએ જાણીજોઈને ડેવિડ હેડલીને આર્થિક અને લોજિસ્ટિક મદદ કરી હતી.” આ ઉપરાંત કસ્ટડીમાં પણ રાણાએ અનેક ઘટસ્ફોટ કર્યાં છે. તેણે આપેલી તમામ માહિતીની હાલ તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તે સિવાય NIAએ અમેરિકાને Mutual Legal Assistance Request (MLARs) પણ મોકલી છે, જેથી કસ્ટડીમાં રાણાએ આપેલા નિવેદનોની પુષ્ટિ થઈ શકે. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મુંબઈ આતંકી હુમલાની યોજનાની શરૂઆત 2005માં થઈ હતી.
નોંધનીય છે કે, લાંબી કાનૂની કાર્યવાહી બાદ 2025ની શરૂઆતમાં રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો. હાલ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. તેનું પ્રત્યાર્પણ અમેરિકી સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ થયું હતું. અમેરિકી સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે ભારત પ્રત્યાર્પણનો વિરોધ નોંધાવ્યો હતો. હાલ આ મામલે વિગતે તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.


