તાજેતરમાં બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર એક પોસ્ટ કરીને ઑપઇન્ડિયા પર આરોપ લગાવી દીધા હતા. કારણ માત્ર એટલું કે ઑપઇન્ડિયાએ યુનુસના નાક નીચે થતા હિંદુવિરોધી અત્યાચારોને ઉઘાડા પાડ્યા હતા. પછી જોકે પોલ ખુલી જતાં યુનુસે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
27 મે (મંગળવારે) કરેલી એક પોસ્ટમાં મુહમ્મદ યુનુસે ઑપઇન્ડિયાના લેખને ‘ભ્રામક’ ગણાવી દીધો હતો અને હિંદુ સમુદાય પર મુસ્લિમ ટોળાંએ આચરેલા અત્યાચાર પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કર્યા હતા. યુનુસનું કહેવું હતું કે ઘટના તો માત્ર ‘આક્રોશ અને પ્રતિક્રિયા’ સ્વરૂપ હતી અને કોઈ સમુદાયને ટાર્ગેટ કરવાની વાત ન હતી.

ઑપઇન્ડિયાએ પછીથી જણાવ્યું કે કઈ રીતે યુનુસે આડકતરી રીતે ન માત્ર અમારા રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું તેનું જ સમર્થન કરી દીધું અને સાથે જશોરમાં જે સુનિયોજિત સાંપ્રદાયિક હિંસા આચરવામાં આવી તેને પણ છુપાવવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા.
ઑપઇન્ડિયાનાં પ્રધાન સંપાદક નૂપુર જે શર્માએ વિડીયોમાં મુહમ્મદ યુનુસના હિંદુવિરોધી હિંસાની ઘટનાને મામૂલી ઘટનામાં ખપાવી દેવાના પ્રયાસોને ઉઘાડા પાડ્યા અને એ બાબત ઉપર પણ પ્રકાશ પાડ્યો કે કઈ રીતે યુનુસના શાસનમાં ઇસ્લામીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને હિંસક ટોળાંને ધાર્મિક લઘુમતીઓ પર દમન ગુજારવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.
Mohammad Yunus, the caretaker chief of #Bangladesh, specifically targeted #OpIndia and our reportage about atrocities against Hindus. He also justified the violence against Hindus.
— OpIndia.com (@OpIndia_com) May 29, 2025
Here is @unsubtledesi’s message to him pic.twitter.com/v3TFMfaF1F
યુનુસને જ્યારે ખબર પડી ગઈ કે ઑપઇન્ડિયાને ટાર્ગેટ કરતી તેમની પોસ્ટના કારણે તેમની જ પોલ ખુલી રહી છે, તેમણે ચૂપચાપ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે ઑગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલનની આડમાં બાંગ્લાદેશમાં સત્તાપલટો કરવામાં આવ્યો હતો અને શેખ હસીનાની સરકાર ભંગ કરી દેવામાં આવી હતી. ઉન્માદી ટોળું છેક ઢાકા સુધી ધસી જતાં સેનાએ શેખ હસીનાને અલ્ટીમેટમ આપ્યું અને આખરે તેમણે દેશ છોડવો પડ્યો હતો. હસીનાએ હાલ ભારતમાં શરણ લીધું છે.
શેખ હસીનાની સરકાર પડ્યા બાદ બાંગ્લાદેશમાં એક વચગાળાની સરકાર રચવામાં આવી અને તેના મુખ્ય સલાહકાર તરીકે મુહમ્મદ યુનુસની વરણી કરવામાં આવી. એક રીતે યુનુસ હાલ ત્યાં વડાપ્રધાન સમકક્ષ છે.
નવી સરકાર બની ત્યારબાદ બાંગ્લાદેશમાં રીતસર હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમનાં ઘરો, મંદિરો, દુકાનોને નિશાન બનાવાયાં અને સુનિયોજિત રીતે હિંસા આચરવામાં આવી. જેની ઉપર નિયંત્રણ મૂકવામાં યુનુસ સરકાર સદંતર નિષ્ફળ ગઈ. ઉપરથી ભારતમાંથી જ્યારે-જ્યારે પોલ ખોલવામાં આવી ત્યારે ઉપર કહ્યું એવાં ગતકડાં કરીને ઢાંકપિછોડો કરવાના પ્રયાસો કરવામાં આવતા રહ્યા.