બાંગ્લાદેશમાં (Bangladesh) 5 ઑગસ્ટના રોજ શેખ હસીનાએ (Sheikh Hasina) રાજીનામું આપ્યા પછી અને મહોમ્મદ યુનુસના (Muhammad Yunus) નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર બન્યા બાદ લઘુમતી અને ખાસ કરીને હિંદુ વિરુદ્ધ હિંસાના ઘણા મામલા સામે આવ્યા હતા. જોકે, બાંગ્લાદેશની સરકાર અત્યાર સુધી આ મામલે મગનું નામ મરી પાડતી નહોતી. ત્યારે હવે ભારતીય સચિવની બાંગ્લાદેશના વિદેશ સચિવ સાથેની મુલાકાત બાદ યુનુસ સરકારે લઘુમતી પર થયેલ હિંસાની (Violence Against Hindus) ઘટનાઓના આંકડા બહાર પાડ્યા છે, જે અનુસાર ઑક્ટોબર સુધી હિંદુઓ વિરુદ્ધ હિંસાના 88 મામલા સામે આવ્યા હતા.
મંગળવારે (10 ડિસેમ્બર) બાંગ્લાદેશની યુનુસ સરકારે હિંદુવિરોધી હિંસાની પુષ્ટિ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, શેખ હસીનાને પદ પરથી હટાવ્યા બાદ લઘુમતીઓ પર હુમલાની ઘટના વધુ બની હતી. મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે જણાવ્યું છે કે, 5 ઑગસ્ટથી 22 ઑક્ટોબર વચ્ચે લઘુમતીઓ સાથે સંકળાયેલી ઘટનાઓમાં કુલ 88 કેસ નોંધાયા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓના સંબંધમાં 70 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર, આલમે એમ પણ જણાવ્યું હતું કે, આ ધરપકડની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, કારણ કે ગાઝીપુર અને અન્ય વિસ્તારોમાં હિંસાની નવી ઘટનાઓ પણ નોંધવામાં આવી છે. આ ઉપરાંત તેમણે ઘટનાઓને અલગ એંગલ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, અમુક ઘટનાઓ સિવાય હિંદુઓને તેમની આસ્થાના કારણે નિશાનો બનાવવામાં આવ્યા નથી. જોકે, હિંદુઓના દુર્ગા પૂજા સહિતના મુખ્ય તહેવારો દરમિયાન થયેલ હિંસાના ઘણા અહેવાલો પણ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત આલમે એમ જણાવ્યું હતું કે “કેટલાક હુમલામાં એવા વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા, જેઓ ભૂતપૂર્વ શાસક પક્ષના સભ્યો હતા અથવા તેઓ વ્યક્તિગત વિવાદો સાથે જોડાયેલા હતા. તેમ છતાં, હિંસા થઈ ત્યારથી પોલીસ યોગ્ય પગલાં લઈ રહી છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, 22 ઑક્ટોબર પછી બનેલી ઘટનાઓની વિગતો ટૂંક સમયમાં આપવામાં આવશે.
ભારતીય વિદેશ સચિવે કરી હતી બાંગ્લાદેશની મુલાકાત…
નોંધનીય છે કે, બાંગ્લાદેશે આ ખુલાસા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ બાંગ્લાદેશના નેતૃત્વ સાથે મુલાકાત કરી એ પછી આપ્યા છે. મિસ્રીએ તેમની બેઠક દરમિયાન લઘુમતીઓ પર હુમલાની ખેદજનક ઘટનાઓની નિંદા કરી હતી ઉપરાંત લઘુમતીઓ અને હિંદુઓની તથા તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું.
મુલાકાત બાદ મિસ્ત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, “અમે તાજેતરના વિકાસની પણ ચર્ચા કરી અને મેં લઘુમતીઓની સલામતી અને કલ્યાણ સહિતની મારી તમામ ચિંતાઓ જણાવી. અમે સાંસ્કૃતિક અને ધાર્મિક સંપત્તિઓ પર હુમલાની ખેદજનક ઘટનાઓની પણ ચર્ચા કરી હતી.”