માર્ચ, 2026 પહેલાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવાના અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સશસ્ત્રદળો અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હવે ધીરે-ધીરે વામપંથી આતંકવાદ ઘટી રહ્યો છે. ગુપ્તચર અધિકારીઓએ આ વિશે મીડિયાને માહિતી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, તાજેતરમાં જ ઘણી નિષ્ફળતાઓનો સામનો કર્યાં બાદ CPI(M) પોતાના સૌથી નબળા સમયમાંથી પસાર થઈ રહી છે. 2000ના દાયકાના અંતમાં નક્સલવાદના ચરમ પર પહોંચ્યા બાદ હવે માઓવાદીઓ નબળા પડી ગયા છે.
અધિકારીઓએ વધુમાં એવું પણ કહ્યું છે કે, માઓવાદીઓની ટોપની બોડી પણ નષ્ટ થઈ ગઈ છે. આ જુથની પોલિટ બ્યૂરો, જે તેની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે, તેમાં હવે ફક્ત ત્રણ સભ્યો જ વધ્યા છે. જેના નામ મલ્લોજુલા વેણુગોપાલ રાવ, થિપ્પીરી તિરૂપતિ ઉર્ફે દેવુજી અને મિસિર બેસરા ઉર્ફ સાગર છે. નક્સલવાદના ચરમ પર પોલિટ બ્યૂરોમાં ઓછામાં ઓછા 11-12 સભ્યો હતો. કેન્દ્રીય સમિતિના સભ્યોની સંખ્યા પણ 2007-08માં 42 હતી, જે હવે ઘટીને 17 રહી ગઈ છે.
તાજેતરમાં જ નક્સલવાદને ખતમ કરવાનું શરૂ થયું હતું મહાઅભિયાન
તાજેતરના મહિનાઓમાં જ સશસ્ત્રદળોએ નક્સલવાદ વિરુદ્ધ મહાઅભિયાન શરૂ કર્યું હતું. આ ઑપરેશન હેઠળ માઓવાદીઓના મોટા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. 21 મેના રોજ CPI(M)ના મહાસચિવ નંબાલા કેસવ રાવ ઉર્ફે બસવ રાજુને ઘણા વામપંથી આતંકીઓની સાથે ઠાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 5 જુનના રોજ કેન્દ્રીય સમિતિના પ્રમુખ સભ્ય ટેંટૂ લક્ષ્મી નરસિંહા ચાલમ ઉર્ફે સુધારકની હત્યા કરવામાં આવી હતી. તે સિવાય 6 જૂનના રોજ વધુ એક મોટા માઓવાદી નેતા મેલારાપુ અડેલૂ ઉર્ફે ભાસ્કરને ઠાર કરી નાખવામાં આવ્યો હતો.
તેલંગાણાના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે, શીર્ષ માઓવાદી નેતા બસવ રાજુના મોત બાદ સુધાકર ગ્રુપમાં સૌથી પ્રભાવશાળી માણસ હતો. તે 2004માં હૈદરાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણાનો ભાગ હતો, પરંતુ ત્યારબાદ ફરી ફરાર થઈ ગયો હતો. અધિકારીએ એ પણ જણાવ્યું છે કે, હવે દેશભરમાં માઓવાદીનો કુલ સશસ્ત્ર તાકાત બે વર્ષ પહેલાંના 1700થી ઘટીને 1300 થઈ ગઈ છે. તેનો અર્થ એ થયો કે, માત્ર બે વર્ષમાં જ લગભગ 400થી વધુ વામપંથી આતંકીઓ માર્યા ગયા છે અથવા તો પકડી પડાયા છે.
કાર્યવાહી વિશે વાત કરતા અધિકારીએ જણાવ્યું કે, નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહીના પગલે તેમનો આંતરિક સંચાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. નેતૃત્વ પાર્ટીના બાકીના ભાગોથી અલગ થઈ ગયું છે. વધુમાં પાર્ટીના સૌથી નાના એકમો પણ એકબીજાથી અલગ થઈ ગયા છે. આ બધા કારણોસર મોટી સંખ્યામાં વામપંથીઓ હવે આત્મસમર્પણ કરી રહ્યા છે અને શરણાગતિ સ્વીકારી રહ્યા છે. અધિકારીએ કહ્યું છે કે, દરરોજ આત્મસમર્પણની ઘટનાઓ બની રહી છે