Monday, April 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'હિંદુઓ માટે કરો યા મરો જેવી સ્થિતિ, રાઈફલોના પરવાના આપે સરકાર': હરિયાણામાં...

  ‘હિંદુઓ માટે કરો યા મરો જેવી સ્થિતિ, રાઈફલોના પરવાના આપે સરકાર’: હરિયાણામાં યોજાયેલી હિંદુ મહાપંચાયતમાં ઉમટી જનમેદની, દિલ્હીમાં શક્તિ-પ્રદર્શન કરવાની ઘોષણા

  હરિયાણાના ગૌરક્ષા દળના નેતા આઝાદ શાસ્ત્રીએ રાજ્ય સરકાર પાસે 100 હથિયારોના પરવાના આપવાની માંગ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેવાતમાં 100 જેટલા લોકોને હથિયારોના લાયસન્સ આપવામાં આવે.

  - Advertisement -

  નૂંહ હિંસા બાદ હરિયાણામાં મહાપંચાયત યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હિંદુ સમાજે હાજરી આપી હતી. આ આયોજન પલવલના પોંડરી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જળાભિષેક યાત્રા ફરી શરૂ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ પંચાયતમાં આવેલા દેવ સેનાના પ્રમુખે અગામી 20 ઓગસ્ટ 2023ના રોજ દિલ્હી સ્થિત જંતરમંતર ખાતે મહા પંચાયત યોજવાની ઘોષણા કરી હતી.

  આ દરમિયાન હરિયાણાના ગૌરક્ષા દળના નેતા આઝાદ શાસ્ત્રીએ રાજ્ય સરકાર પાસે 100 હથિયારોના પરવાના આપવાની માગ પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મેવાતમાં 100 જેટલા લોકોને હથિયારોના પરવાના આપવામાં આવે. તેમાં પણ તેમણે ખાસ બંદૂકો નહીં પણ રાઈફલોના લાઈસન્સ આપવામાં આવે, કારણકે રાઈફલની ફાયરિંગ રેન્જ વધારે હોય છે.”

  નૂંહ હિંસા બાદ હરિયાણામાં પ્રથમ મહાપંચાયત દરમિયાન આઝાદ શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, “આ કરો યા મરો જેવી સ્થિતિ છે, હું યુવાઓને કહી રહ્યો છું- લોહીને ગરમ રાખવું પડશે. આપણે FIRનો ડર ન રાખવો જોઈએ. મારા વિરુદ્ધ પણ FIR છે, પણ આપણે ડરવું ન જોઈએ. આ દેશનું વિભાજન હિંદુ અને મુસ્લિમ ધર્મના આધારે થયું છે. મેવાતમાં મુસ્લિમો ગાંધીજીના કારણે જ રોકાયા હતા.”

  - Advertisement -

  આ સાથે જ પોતાની વાત મૂકવા દરમિયાન શાસ્ત્રીએ ફિરોઝપુર ઝીરકા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય મામન ખાન વિરુદ્ધ FIR દાખલ કરી તેમની ધરપકડ કરવાની માંગ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે આ હિંસા થવા પાછળ મામન ખાન જવાબદાર છે. સાથે જ તેમણે રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને પણ બદલવાની વાત કરી હતી.

  મહાપંચાયતને લઈને સ્થાનિક પ્રશાસને પણ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. પલવલ તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસે નાકાબંદી કરી હતી. અર્ધસૈનિક દળ અને પોલીસે સંયુક્ત રીતે નૂંહ તેમજ અન્ય વસ્તીઓમાં સવારે સાત વાગ્યે ફલેગમાર્ચ પણ કાઢી હતી. સાથે જ હિંસા બાદ ચર્ચામાં આવેલા નલ્હડ મહાદેવના મંદિર તરફ જતા રસ્તાઓ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

  આ મહાપંચાયતમાં સોનીપત, પલવલ, ફરીદાબાદ, ગુરુગ્રામ અને નૂંહ જિલ્લાના અનેક લોકો પહોંચ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો ઉપરાંત આ મહાપંચાયતમાં બજરંગ દળના પ્રદેશ સંયોજક ભારત ભૂષણ, સોહનાના ધારાસભ્ય સંજય સિંહ, પલવલના પૂર્વ ધારાસભ્ય સુભાષ ચૌધરી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પોલીસ આ બેઠકનું વિડીયો રેકોર્ડિંગ પણ કરી રહી છે.

  ઉલ્લેખનીય છે કે હિંદુ સંગઠનોએ પહેલાં આ મહાપંચાયત હથીનની નજીક નૂંહના કિરા ગામમાં કરવાનું આયોજન કર્યું હતું, જોકે તંત્ર દ્વારા પરવાનગી ન મળતાં હથીન ખંડના પોંડરી ગામે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

  જોકે અહીં પણ જિલ્લા પ્રશાસને કેટલીક શરતોને આધીન સભાનું આયોજન કરવાની પરવાનગી આપી હતી. આ શરતોમાં કહેવામાં આવ્યું હતું કે મહાપંચાયતમાં 500થી વધુ લોકો નહીં આવી શકે, ઉપરાંત સભા માત્ર 2 વાગ્યા સુધી જ ચાલશે. સાથે જ સભા દરમિયાન કોઈ પણ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ કરવાની અનુમતિ નહોતી આપવામાં આવી. આ બાબતે પલવલના એએસપી લોકેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે શરતોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે ગત શુક્રવાર (11 ઓગસ્ટ 2023)ના રોજ વિશ્વ હિંદુ પરિષદના વિભાગ મંત્રી દેવેન્દર સિંહે જણાવ્યું હતું કે હિંદુ સંગઠનોએ 28 ઓગસ્ટ 2023ના રોજ અધૂરી યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે આશા છે કે યાત્રા શાંતિ અને ઉત્સાહ સાથે પૂર્ણ થશે. નોંધનીય છે કે 31 જુલાઈના રોજ નૂંહ હિંસાના કારણે જળાભિષેક યાત્રા અધૂરી રહી ગઈ હતી.

  તો બીજી તરફ મહાપંચાયતમાં આવેલા દેવ સેના ફરીદાબાદના અધ્યક્ષ બ્રજભૂષણ સૈનીએ કહ્યું હતું કે 20 ઓગસ્ટ 2023ના રોજ દિલ્હી જંતરમંતર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. પલવલમાં યોજાયેલી આ મહાપંચાયતનો કેટલાક સંગઠને બહિષ્કાર પણ કર્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં