વડોદરામાં (Vadodara) એક ડિવોર્સી મહિલા લવ જેહાદ (Love Jihad)નો શિકાર બની હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ છે કે એક મુસ્લિમ પુરુષે પોતે હિંદુ હોવાની ઓળખ આપીને આદિવાસી હિંદુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન પણ કરી લીધાં હતાં. પરંતુ જ્યારે પીડિતાને હકીકતની જાણ થઈ તો મારી નાખવાની ધમકી આપવામાં આવી અને ધર્મપરિવર્તન કરી લેવાનું દબાણ પણ કરવામાં આવ્યું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીની ઓળખ મોહસીન પઠાણ તરીકે થઈ છે.
સમગ્ર મામલો વર્ષ 2020નો છે. મહિલાના અગાઉ લગ્ન થયાં હતાં, પણ પછી પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. પતિ સાથે તેનાં બે સંતાનો હતાં. તેનું કહેવું છે કે, છૂટાછેડા બાદ તે આરોપીના સંપર્કમાં આવી હતી. જેણે પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી હતી. તેણે મહિલા સાથે સંપર્ક વધારી તેને પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ લગ્નની લાલચ પણ આપી. વર્ષ 2022માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. ફરિયાદ છે કે મોહસીને હિંદુ વિધિ પ્રમાણે જ લગ્ન પણ કર્યાં હતાં, જેથી તેની ઓળખ છતી ન થઈ જાય. ત્યારથી બંને સાથે રહેતાં હતાં. દરમ્યાન શારીરિક સંબંધો પણ બંધાયા.
ફરિયાદ અનુસાર, ગત 14 જાન્યુઆરીએ મહિલાને વાસ્તવિકતાની જાણ થઈ અને તેને ખબર પડી કે તેણે જેની સાથે લગ્ન કર્યાં છે તે ખરેખર મનોજ સોની નહીં પરંતુ મોહસીન અયુબખાન પઠાણ છે. જેના કારણે તેણે ઓળખ છુપાવવા બદલ વાંધો ઉઠાવ્યો. મહિલાનું કહેવું છે કે આમ કરવા પર મોહસીને મારઝૂડ કરીને તેને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેને અને તેનાં સંતાનોને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ શરૂ કરી દીધું હતું. મહિલા અનુસાર, મોહસીને ધમકી આપી હતી કે તે જો આ વાતની જાણ બીજા કોઈને કરશે તો તે તેને અને સંતાનોને મારી નાખશે.
આ સિવાય મહિલાનો આરોપ છે કે મોહસીને એક ખાનગી ફાઇનાન્સ કંપની મારફતે તેની પાસે ₹90 હજાર રૂપિયાની લૉન લેવડાવી હતી. ઉપરાંત, મિત્રના નામે એક મોપેડ લીધું હતું, જેના હપ્તા પણ યુવતી જ ભરે છે. આ બાબતનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ તેના આધારે ગુનો દાખલ કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલે વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.
#Vadodara:
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 14, 2025
લવ જેહાદનો વધુ એક કિસ્સો.
વિધર્મી યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી.
મોહસીન પઠાણે મનોજ સોની બની મહિલાને ફસાવી.#Crime | #Police | #religious
Report: @prashantgajjar_ pic.twitter.com/JTqfH1a79f
આ કેસ અંગે મીડિયા સાથે વાત કરતાં ઝોન 2નાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, “બંનેનાં લગ્ન 2022માં થયાં હતાં અને તેઓ બાપોદ વિસ્તારમાં રહેતાં હતાં. 14 જાન્યુઆરીના રોજ મહિલાને ખબર પડી કે તે પુરુષ હિંદુ નહીં પણ મુસ્લિમ છે. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેની સાથે મારપીટ કરી તથા તેને અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી. તેણે તેને અને તેના બાળકોને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપોની ધરપકડ કરી લેવામાં આવી છે. તે રેલવેમાં સરકારી નોકરી કરી રહ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.”