Friday, October 11, 2024
More
    હોમપેજગુજરાતખેરાલુમાં હિંદુ કેબલ ઑપરેટરની હત્યાનો મામલો, ફરાર આરોપી ફિરોઝખાન અમદાવાદથી પકડાયો: મહેસાણા...

    ખેરાલુમાં હિંદુ કેબલ ઑપરેટરની હત્યાનો મામલો, ફરાર આરોપી ફિરોઝખાન અમદાવાદથી પકડાયો: મહેસાણા પોલીસની કાર્યવાહી

    ખેરાલુ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી ફિરોઝખાનના પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં અહેવાલો અનુસાર, તેના પુત્રએ કબૂલ્યું હતું કે તેનો બાપ હત્યા કરીને ફરાર થઈ ગયો છે.

    - Advertisement -

    મહેસાણાના ખેરાલુમાં તાજેતરમાં એક હિંદુ કેબલ ઓપરેટરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી ફિરોઝખાન રહીમખાન ચૌહાણની ધરપકડ કરી લીધી છે. હત્યા બાદથી તે ફરાર હતો. પોલીસે તેને અમદાવાદથી પકડી પાડ્યો. તેને કોર્ટમાં રજૂ કરીને હવે રિમાન્ડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    મૃતક ગૌતમ બારોટ (50) ગત બુધવારે (31 જુલાઈ) બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફિરોઝખાને આવીને પહેલાં માથાકૂટ કરી હતી અને ત્યારબાદ ગૌતમને બાઈક પરથી નીચે પાડી દઈને ઉપરાછાપરી છરીના ઘા મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધા હતા. પછીથી તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા ન હતા. 

    આ મામલે ખેરાલુ પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપી ફિરોઝખાનના પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં અહેવાલો અનુસાર, તેના પુત્રએ કબૂલ્યું હતું કે તેનો બાપ હત્યા કરીને ફરાર થઈ ગયો છે. ફરાર આરોપીને શોધવા માટે સ્થાનિક LCB, SOG અને ખેરાલુ પોલીસની ટીમો કામે લાગી હતી. 

    - Advertisement -
    સાભાર- મહેસાણા પોલીસ

    પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આરોપી હાલ અમદાવાદમાં સંતાયેલો હોવાની બાતમી મળતાં ટીમો બનાવીને શોધખોળ આદરી હતી. તપાસને અંતે તેને પકડી લેવામાં આવ્યો. જ્યાંથી ખેરાલુ લાવવામાં આવ્યો છે. જ્યાં તેની પ્રાથમિક પૂછપરછ બાદ 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. 

    ફિરોઝખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 351(3) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. FIR નોંધાયા બાદ મહેસાણા LCB, ખેરાલુ પોલીસ અને મહેસાણા SOGની ટીમ તેને શોધી રહી હતી. આખરે સંયુક્ત ઑપરેશનમાં તે પકડાઈ ગયો હતો. 

    પોલીસે હત્યા નાણાની લેવડદેવડ મામલે થઈ હોવાનું જણાવ્યું હતું. વિસનગર DySP દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું કે, “ગૌતમ બારોટની લાંબા સમયથી ફિરોઝખાન રહીમખાન ચૌહાણ નામના ઇસમ સાથે પૈસાની લેવડદેવડ બાબતે માથાકૂટ ચાલતી હતી. આ જ બાબતે ગઈકાલે (31 જુલાઈ) રસ્તા પર તેમનો ઝઘડો થયો હતો. જેને લઈને ફિરોઝખાને ગૌતમભાઈને બાઈક પરથી નીચે પાડી દઈને જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે વડનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત ઘોષિત કર્યા હતા.” 

    આ હત્યાના વિરોધમાં ગુરુવારે (1 ઑગસ્ટ) ખેરાલુ સજ્જડ બંધ રહ્યું હતું અને વેપારીઓએ દુકાનો બંધ રાખીને આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા માટે માંગ કરી હતી.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં