સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કર્ણાટક સરકારે ગુરુવારે (04 સપ્ટેમ્બર 2025) કેબિનેટ બેઠકમાં રાજકીય કાર્યકરો, એક્ટિવિસ્ટો અને સામાન્ય લોકો સામે નોંધાયેલા 60 ફોજદારી કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. આમાં 11 કેસ ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે સંબંધિત છે. આ સિવાય કોંગ્રેસના કાર્યકરો સામે થયેલા કેસો પણ સામેલ છે.
2019માં ચિત્તાપુરમાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ ડી.કે. શિવકુમાર અને તેમના સમર્થકો સામે આ કેસો નોંધાયા હતા, જેમાં હિંદુ કાર્યકરોની માહિતીના આધારે પશુઓ જપ્ત કર્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત, 2019નો એક હાઈ-પ્રોફાઈલ કેસ પણ છે, જેમાં ડી.કે. શિવકુમારના સમર્થકો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સમર્થકો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) ધરપકડ બાદ કનકપુરામાં બસો અને સરકારી કચેરીઓ પર પથ્થરમારો કરવાનો આરોપ હતો.
અહેવાલો અનુસાર આ કેસો કર્ણાટકના ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વર અને વિધાનસભામાં સરકારના મુખ્ય દંડક અશોક પટ્ટન દ્વારા રજૂ કરાયેલી અરજીઓના આધારે પાછા ખેંચવામાં આવ્યા હતા.
આમાં શિવકુમારના ભાઈ અને બેંગલુરુ ગ્રામીણના પૂર્વ સાંસદ ડી.કે. સુરેશના સમર્થકો સામેના કેસો પણ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સમર્થકોએ 2012માં ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માલ્યાર્પણ સમારોહમાંથી સુરેશને બાકાત રાખવાના વિરોધમાં તત્કાલીન મુખ્યમંત્રીનો ઘેરાવ કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર પથ્થરમારાના 4 કેસ પાછા ખેંચાયા
પાછા ખેંચાયેલા ચાર કેસ 2023માં શિવમોગ્ગા જિલ્લાના શિકારીપુરામાં ભારતીય જનતા પાર્ટીની (BJP) તત્કાલીન સરકાર દ્વારા અનુસૂચિત જાતિના સભ્યો માટે જાહેર કરાયેલા આંતરિક આરક્ષણના વિરોધમાં થયેલાં વિરોધ પ્રદર્શનો સાથે સંબંધિત હતા. પ્રદર્શનકારીઓ પર પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતી વખતે પથ્થરમારો અને અધિકારીઓ પર હુમલો કરવાનો આરોપ હતો.
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે 60 કેસો પાછા ખેંચવાનો નિર્ણય રાજકીય દબાણને કારણે લીધો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ નિર્ણય રાજ્યના ગૃહ મંત્રાલય, ડીજીપી અને આઈજીપી, અભિયોજન અને સરકારી પ્રોસિક્યુશન ડાયરેક્ટર (Director of Prosecutions and Government Litigation) તેમજ કાયદા વિભાગ સહિતના મુખ્ય વિભાગોની સલાહની વિરુદ્ધ લેવામાં આવ્યો છે તેમ પણ કહેવાય રહ્યું છે.
ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ ત્રણેય સત્તાધિકારીઓના મંતવ્ય અનુસાર, આ 60 કેસો પાછા ખેંચવા માટે યોગ્ય ન હતા અને તેમાં કોઈ જાહેર હિત સામેલ ન હતું. આ નિર્ણય કાયદાકીય અને વહીવટી રીતે અસ્વીકાર્ય છે.


