Wednesday, March 26, 2025
More
    હોમપેજદેશજસ્ટિસ વર્માના ઘરે આગ લાગ્યાના 8 કલાક બાદ પોલીસ હેડક્વાર્ટરને થઈ હતી...

    જસ્ટિસ વર્માના ઘરે આગ લાગ્યાના 8 કલાક બાદ પોલીસ હેડક્વાર્ટરને થઈ હતી જાણ, અધિકારીઓને 2 વખત દરવાજેથી પરત મોકલાયા: રિપોર્ટ

    કેસના તપાસ અધિકારીઓ બીજા દિવસે સવારે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે પણ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા અને પછીથી આવવાનું કહેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટના (Delhi High Court) જજ (Judge) યશવંત વર્માના (Yashwant Varma) દિલ્હી સ્થિત સત્તાવાર નિવાસસ્થાને લાગેલી આગની ઘટનાના લગભગ આઠ કલાક સુધી પણ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરને તે વિશે જાણ નહોતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ જસ્ટિસ વર્માના અંગત સચિવે સ્થળ પર પહોંચેલા પાંચ પોલીસકર્મીઓને સ્થળ છોડીને સવારે આવવા કહ્યું હતું. જે સમયે આ ઘટના બની હતી, તે સમયે જસ્ટિસ વર્મા તેમની પત્ની સાથે ઘરની બહાર હતા.

    ઇન્ડિયન એક્સપ્રેસે દિલ્હી પોલીસના ઉચ્ચ કક્ષાના સૂત્રોને ટાંકીને પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે કેસના તપાસ અધિકારીઓ બીજા દિવસે સવારે જસ્ટિસ વર્માના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે પણ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા અને પછીથી આવવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગ્રેજી અખબારે જસ્ટિસ વર્માના અંગત સચિવનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ ટિપ્પણી કરી ન હોવાનું જાણવા મળ્યું છે.

    વાસ્તવમાં, નવી દિલ્હી જિલ્લાના એડિશનલ DCPએ 15 માર્ચ, 2025ના રોજ સવારે 8 વાગ્યે તેમના વરિષ્ઠ અધિકારીઓને સવારની ડાયરી સુપરત કરી હતી. તે ડાયરીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વિસ્તારમાં બનેલી ઘટનાઓનો સારાંશ હતો. તેમાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાનમાં લાગેલી આગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી દિલ્હી પોલીસ કમિશનરને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમને સળગતી નોટોનો વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને કરાઈ હતી જાણ

    અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ કેન્દ્રમાં તેમના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ તે જ દિવસે સાંજે લગભગ 4.50 વાગ્યે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ન્યાયાધીશ ઉપાધ્યાયના રજિસ્ટ્રાર કમ સચિવે સપ્ટેમ્બર 2024થી ઘટના બની ત્યાં સુધી જસ્ટિસ વર્માની સુરક્ષા વિગતો માંગી હતી.

    દિલ્હી પોલીસે જસ્ટિસ વર્માની સુરક્ષા વિગતો દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપાધ્યાયને મોકલી આપી હતી. પોલીસે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન CRPF કર્મચારીઓ અને દિલ્હી પોલીસના ત્રણ અધિકારીઓ જસ્ટિસ વર્માના નિવાસસ્થાને રોટેશનના આધારે તહેનાત હતા. જ્યારે સૂત્રોનું કહેવું છે કે, દિલ્હી પોલીસને પૂછવામાં આવ્યું છે કે ઘટનાની રાત્રે જ પંચનામું કેમ ન બનાવવામાં આવ્યું.

    પંચનામું તૈયાર કરવા માટે પાંચ સ્વતંત્ર વ્યક્તિઓની જરૂર પડે છે, જેઓ ઘટનાના સાક્ષી હોય અને ટ્રાયલ દરમિયાન પોતાનું નિવેદન આપી શકે. એવું પણ સામે આવ્યું છે કે, આ મામલાની તપાસ કરી રહેલી આંતરિક પેનલ તેના પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત આગ દરમિયાન સૌથી પહેલા પહોંચેલા 5 પોલીસકર્મીઓને તેમના ફોન દિલ્હી પોલીસ મુખ્યાલયને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. પેનલ તેની પણ તપાસ કરશે.

    જસ્ટિસ વર્માના કોલ ડેટાની પણ થશે તપાસ

    તે સિવાય પેનલ છેલ્લા છ મહિનાના જસ્ટિસ વર્માના કોલ ડેટા રેકોર્ડની પણ તપાસ કરશે. તેમને તેમના ફોનમાંથી કોઈપણ માહિતી ડિલીટ ન કરવા કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને દિલ્હીથી અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે, બાદમાં CJI સંજીવ ખન્નાએ આ મામલાની તપાસ માટે વિવિધ હાઇકોર્ટના ત્રણ ન્યાયાધીશોની સમિતિની રચના કરી હતી.

    પેનલે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મંગળવારે (25 માર્ચ) પેનલ જસ્ટિસ વર્માના નિવાસસ્થાને પહોંચી હતી અને લગભગ 45 મિનિટ સુધી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં નોટો સળગી રહી હતી. પેનલ જજ વર્માના પીએ અને દિલ્હી ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે બોલાવશે. મીડિયામાં અતુલ ગર્ગને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘ઘટના દરમિયાન ન્યાયાધીશના નિવાસસ્થાનેથી કોઈ રોકડ મળી ન હતી’.

    જસ્ટિસ વર્માએ પણ દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયને આપેલા સ્પષ્ટીકરણમાં અતુલ ગર્ગના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, બાદમાં અતુલ ગર્ગે એવું કોઈ નિવેદન આપ્યું હોવાનો ઇનકાર કર્યો હતો. હવે તપાસ પેનલ આ મામલે જસ્ટિસ વર્માની પણ પૂછપરછ કરશે. આ સાથે જ આગની ઘટના અંગે ફોન મેળવનારા ફાયર કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવશે.

    TOIના અહેવાલ મુજબ, જસ્ટિસ વર્માના ઘરમાં લાગેલી આગ અંગે 21 માર્ચના રોજ આવેલી ફાયર રિપોર્ટની વિગતો જણાવે છે કે, સફદરજંગ ફાયર સ્ટેશનને 14 માર્ચના રોજ રાત્રે 11:35 વાગ્યે ફોન આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, જજના ઘરમાં આગ લાગી છે. ત્યારબાદ ફાયર ફાઇટર રાત્રે 11:43 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ બે કલાક પછી, એટલે કે બપોરે 1:56 વાગ્યે સ્થળ પરથી પાછા ફર્યા હતા.

    હોળીની રાત્રે લાગી હતી આગ

    નોંધનીય છે કે, હોળીની રાત્રે એટલે કે 14 માર્ચે રાત્રે લગભગ 11:30 વાગ્યે જસ્ટિસ વર્માના નિવાસસ્થાનની બાજુમાં આવેલા સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આ આગ એક બોરીમાં બંધ કરીને રાખેલા ચલણી નોટોના બંડલમાં લાગી હતી. આ પછી જસ્ટિસ વર્માના પીએએ દિલ્હી ફાયર સર્વિસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. આગ બુઝાવવાની કામગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં 500 રૂપિયાની નોટોના બંડલ બળી ગયેલા જોવા મળે છે.

    આ ઘટના બની ત્યારે જસ્ટિસ વર્મા દિલ્હીમાં નહોતા. એવું કહેવાય છે કે, તે સમયે તેઓ તેમના પત્ની સાથે મધ્ય પ્રદેશ ગયા હતા. ઘરમાં ફક્ત તેમના વૃદ્ધ માતા અને એક પુત્રી હતી. જ્યારે આ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે જસ્ટિસ વર્માએ તેમની સામેના ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારી કાઢ્યા અને તેને કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જે જગ્યાએ આગ લાગી તે તેમના નિવાસસ્થાનનો મુખ્ય ભાગ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં