રાજસ્થાનના જેસલમેરમાં (Jaisalmer) ખાતે ટ્યુબવેલના ખોદકામ દરમિયાન પાણીનું (Water Flow) વહેણ છૂટી પડ્યું હતું. જેણે આસપાસના વિસ્તારને બેટમાં ફેરવી દીધો હતો. ગત અઠવાડિયે જે પાણીનો પ્રવાહ વહેતો થયો હતો એ અંગે એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ પાણી લુપ્ત થયેલ સરસ્વતી નદીનું (Saraswati River) હોઈ શકે છે. પરંતુ હવે આ મામલે એવું સામે આવ્યું છે જેસલમેર ખાતે નીકળેલું આ પાણી લગભગ 60 લાખ વર્ષ જૂનું (60 Lakh Years Old) છે. વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે આ પાણી ટેથિસ સાગર (Tethys Ocean) સમુદ્ર તટનું હોઈ શકે છે.
નોંધનીય છે કે જ્યારે આ પાણીનું વહેણ ધસમસતા પ્રવાહ સાથે છૂટ્યું ત્યારે એવા દાવા કરવામાં આવ્યા હતા, કે આ પાણી લુપ્ત થયેલી સરસ્વતી નદીનું છે. પાણીની સાથે ઘણી માત્રામાં કાદવ, રેતી અને ગેસ પણ નીકળ્યો હતો જેની તપાસ ONGC અને ભૂગર્ભજળ વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા. ત્યારે હવે વૈજ્ઞાનિકોએ આ પાણી સરસ્વતી નદીનું હોવાના દાવાને નકારી દીધો છે. તથા કહ્યું છે કે આ પાણી લગભગ 60 લાખ વર્ષ જૂનું છે.
સમુદ્ર હોવાના દાવાને સમર્થન
એવું કહેવાઈ રહ્યું છે કે જેસલમેરનો આ વિસ્તાર લગભગ 25 કરોડ વર્ષ પહેલાં ટેથિસ સાગર સમુદ્ર તટ હતો. અહીંથી નીકળેલું પાણી ખારૂ છે તથા તેની સાથે સફેદ ચીકણી માટી પણ નીકળી હતી. આ બાબતો આ પાણી સમુદ્રનું હોઈ શકે એવા દાવાને મજબૂત કરી રહી છે. ભૂગર્ભ જળ નિષ્ણાતોના મતે જમીનમાંથી ટર્સરી કાળની રેતી નીકળી રહી છે, તેને જોતાં આ પાણી 60 લાખ વર્ષ જૂનું હોવાની શક્યતા છે.
નોંધનીય છે કે સરસ્વતી નદીનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો માનવામાં આવે છે ત્યારે જેસલમેરમાં નીકળેલ આ પાણી 60 લાખ વર્ષ જૂનું એટલે કે વૈદિક કાળથી પણ જૂનું હોવાનું કહેવાઈ રહ્યું છે. નિષ્ણાતો અનુસાર આ પાણીના સ્ટડીની આવશ્યકતા છે. તેના માટે 8-10 કુવા ખોદવાની આવશ્યકતા છે. ડૉ. નારાયણ દાસ ઇનખિયા અનુસાર અહીં વર્ષો પહેલાં સમુદ્ર હોવાનું આ સૌથી મોટું પ્રમાણ છે. આ પાણીમાંથી જે માટી નીકળી છે તે સમુદ્રની માટી છે.
શું હતી સમગ્ર ઘટના
રાજસ્થાનમાં જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં તીન જોરા માઇનોર પાસે શનિવાર 28 ડિસેમ્બરે ટ્યુબવેલ માટે બોરિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક જમીન ધસી પડી અને થોડી જ વારમાં ખોદકામ માટે આવેલી ટ્રક ખાડામાં ફસાઈ ગઈ. તથા જમીનની અંદરથી પાણીનું વહેણ સરી પડ્યું. પાણીનો બહોળો પ્રવાહ જમીનથી ત્રણથી ચાર ફૂટ ઉપર ઉછળીને જ્વાળામુખીના લાવાની જેમ ઉછાળા મારી રહ્યો હતો.
#jaislmer:ट्यूबेल की 850 फीट खुदाई के बाद फटी जमीन:तेज गति से बाहर निकला पानी, बड़ा गड्ढा बनने पर मशीन समेत धंसा 22 टन मशीन लगा ट्रक pic.twitter.com/w0IVXM5kxn
— Indianews64 (@INews64) December 28, 2024
અહીં લગભગ 850 ફૂટની ઉંડાઈએ બોરિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ સહિતના લોકોએ આ પાણી માતા સરસ્વતીનું હોવાના દાવા કર્યા હતા. 31 ડિસેમ્બરે આ પાણીનો પ્રવાહ બંધ થઇ ગયો હતો. આ મામલે ONGCનું કહેવું છે કે ખાડામાં ફસાયેલ ટ્રક કાઢવા જતા ઘણો ખર્ચ છે અને કદાચ ટ્રક અટકી રહેવાના કારણે જ પાણીનો પ્રવાહ બંધ થયું છે. તેથી હાલ ટ્રક કાઢવી જોઈએ નહીં.