Friday, March 6, 2026
More
    હોમપેજદુનિયાઅફઘાનિસ્તાનમાં કાટમાળ નીચે દટાઈ મહિલાઓ, તાલિબાને બચાવવાની જગ્યાએ મરવા છોડી: કારણ- શરિયા...

    અફઘાનિસ્તાનમાં કાટમાળ નીચે દટાઈ મહિલાઓ, તાલિબાને બચાવવાની જગ્યાએ મરવા છોડી: કારણ- શરિયા કાનૂનમાં સ્ત્રીઓને સ્પર્શ કરવાની મનાઈ

    નોંધનીય છે કે, 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું ત્યારથી શરિયા લાગુ કરી દીધો છે. જેમાં મહિલાઓની સ્વતંત્રતા અને અધિકારોને ગંભીર રીતે મર્યાદિત કરવામાં આવ્યા છે. આ નિયમોમાં એક મહત્વનો નિયમ છે કે, અસંબંધિત પુરુષો મહિલાઓને સ્પર્શ કરી શકે નહીં.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં 31 ઑગસ્ટના રોજ ભૂકંપ આવ્યો હતો અને ત્યારપછી અઠવાડિયામાં જ ત્રીજો ભૂકંપ પણ આવ્યો છે. આ ભૂકંપમાં લગભગ 2,200થી વધુ લોકોના જીવ ગયા અને કેટલાય લોકો ઘાયલ થયા. જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. આ ભૂકંપે તાલિબાનના શાસન હેઠળ મહિલાઓની દયનીય સ્થિતિને પણ ઉજાગર કરી છે. તાલિબાનના કડક લિંગ આધારિત નિયમોને કારણે ઘણી મહિલાઓ કાટમાળ નીચે દટાઈ ગઈ અને બચાવી શકાઈ નહીં, કારણ કે પુરુષ બચાવકર્મીઓને તેમને સ્પર્શ કરવાની મનાઈ હતી.

    સપ્ટેમ્બર 2025માં અફઘાનિસ્તાનના હેરાત અને કુનાર પ્રાંતોમાં આવેલા શક્તિશાળી ભૂકંપે હજારો ઘરો, શાળાઓ અને જાહેરસ્થળોને ધ્વસ્ત કરી દીધા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મકાનો કાચા હોવાને કારણે નુકસાનનું પ્રમાણ ઘણું વધારે હતું. આ દરમિયાન મહિલાઓની સ્થિતિ સૌથી વધુ દયનીય બની હતી.

    નોંધનીય છે કે, 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું ત્યારથી શરિયા લાગુ કરી દીધો છે. જેમાં મહિલાઓની સ્વતંત્રતા અને અધિકારોને ગંભીર રીતે મર્યાદિત કરવામાં આવ્યા છે. આ નિયમોમાં એક મહત્વનો નિયમ છે કે, અસંબંધિત પુરુષો મહિલાઓને સ્પર્શ કરી શકે નહીં. આ નિયમના કારણે ભૂકંપમાં દટાયેલી મહિલાઓને બચાવવામાં ગંભીર વિલંબ થયો.

    - Advertisement -

    બચાવ ટીમોમાં મહિલા કર્મચારીઓની સંખ્યા નગણ્ય હતી, કારણ કે તાલિબાને મહિલાઓને તબીબી શિક્ષણ અને જાહેર ભૂમિકાઓમાંથી બાકાત રાખી છે. પરિણામે, પુરુષ બચાવકર્મીઓએ મહિલાઓને બચાવવાનું ટાળ્યું અને ઘણી મહિલાઓને દટાયેલી હાલતમાં જ છોડી દેવામાં આવી. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓના મૃતદેહોને તેમના કપડાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા, જેથી શારીરિક સંપર્ક ટાળી શકાય.

    કુનાર પ્રાંતની એક બચી ગયેલી મહિલા બિબી આયશાએ જણાવ્યું, “અમને એક ખૂણામાં એકઠા કરવામાં આવ્યા અને ભૂલી ગયા. બચાવ ટીમો 36 કલાકથી વધુ સમય બાદ આવી, પરંતુ ઘાયલ મહિલાઓને કોઈ સીધી મદદ મળી નહીં.” એક પુરુષ સ્વયંસેવક, તાહઝીબુલ્લાહ મુહાઝેબે, જણાવ્યું કે બચાવ કામગીરી દરમિયાન મહિલાઓ ‘અદૃશ્ય’ લાગતી હતી. તેમણે કહ્યું, “પુરુષ બચાવકર્મીઓ મજહબી બેકલેશના ડરથી મહિલાઓને બચાવવામાં ખચકાતા હતા.”

    મહિલા તબીબી સ્ટાફની અછત

    ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં હોસ્પિટલોમાં મહિલા ડોક્ટરો અને નર્સોની ગંભીર અછત જોવા મળી. તાલિબાને મહિલાઓના શિક્ષણ અને રોજગાર પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઘણી હોસ્પિટલોમાં મહિલા તબીબી સ્ટાફ ઉપલબ્ધ ન હતો. પરિણામે, પુરુષો અને બાળકોને તાત્કાલિક તબીબી સહાય મળી, જ્યારે મહિલાઓ સારવાર વિના રહી. સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ આપત્તિની સૌથી ખરાબ અસર મહિલાઓ અને બાળકીઓ પર પડશે.

    યુએન વિમેનના પ્રતિનિધિ સુઝન ફર્ગ્યુસનએ જણાવ્યું કે, “મહિલાઓની જરૂરિયાતો બચાવ અને પુનર્વસનના કેન્દ્રમાં હોવી જોઈએ.” જોકે, વાસ્તવિકતામાં, મહિલાઓ બચાવ અને સહાય પ્રયાસોમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

    તાલિબાનના શરિયા કાયદાની કઠોરતા

    તાલિબાનના શરિયા કાયદાની કડક અમલવારીએ મહિલાઓને સમાજમાંથી લગભગ ‘અદૃશ્ય’ બનાવી દીધી છે. 2021થી તાલિબાનોએ મહિલાઓને શિક્ષણ, રોજગાર અને જાહેર જીવનમાંથી બાકાત રાખી છે. છઠ્ઠા ધોરણથી આગળનું શિક્ષણ બાળકીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, યુનિવર્સિટીઓમાં મહિલાઓનો પ્રવેશ રોકવામાં આવ્યો છે અને મોટાભાગની નોકરીઓ, ખાસ કરીને એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં, મહિલાઓ માટે બંધ કરવામાં આવી છે.

    આ સિવાય મહિલાઓ ઘરની બહાર લાંબી મુસાફરી માટે પુરુષ વાલી (મહરમ) વિના જઈ શકે નહીં. જાહેરસ્થળો જેવા કે પાર્ક, જિમ અને બ્યુટી પાર્લર પણ મહિલાઓ માટે બંધ કરવામાં આવ્યા છે. કંદહાર પ્રાંતમાં, દુકાનદારોને મહરમ વિનાની મહિલાઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક હોસ્પિટલમાં સ્ટાફને એકલી મહિલા દર્દીઓને સારવાર ન આપવાનું કહેવામાં આવ્યું હતું.

    આર્થિક અને સામાજિક પરિણામો

    અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા મહિલાઓની ભાગીદારી વિના પુનર્વસનની કોઈ શક્યતા નથી. લગભગ અડધો દેશ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે અને ઘણા પરિવારો દિવસમાં એક જ વખત ખોરાક લઈ શકે છે. મહિલાઓને શિક્ષણ અને રોજગારથી વંચિત રાખવામાં આવી હોવાથી અર્થવ્યવસ્થા નબળી પડી છે અને સહાય પહોંચાડવાનું કામ પણ મુશ્કેલ બન્યું છ. કારણ કે મહિલા કામદારોને હવે કામ કરવાની મંજૂરી નથી.

    આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા

    આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે. માનવાધિકાર સંગઠનોએ તાલિબાનની નીતિઓની ટીકા કરી છે, જણાવ્યું છે કે આવા નિયમો માનવીય સંકટની પરિસ્થિતિમાં જીવન બચાવવાના પ્રયાસોને અવરોધે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ તાલિબાનને આ નિયમોમાં ફેરફાર કરવા અને બચાવ કામગીરીમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે.

    નોંધનીય બાબત છે કે, 2021થી 2025 લગભગ 4 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે, આ દરમિયાન અફઘાની મહિલાઓના જીવન મૂલ્યો છીનવાઈ ચૂક્યા છે. પરંતુ માનવાધિકારોના રક્ષકો, ‘ફેમિનીઝમ’ના ઝંડા લઈને ફરતા કથિત NGO અને એક્ટિવિસ્ટોને અફઘાની મહિલાઓના મૂળભૂત અધિકારો પર તાલિબાનીઓએ મારેલી તરાપ દેખાતી નથી.

    ‘સેક્યુલર’ જમાતને પણ મજહબના નામે મહિલાઓ પર થતાં અત્યાચાર દેખાઈ રહ્યા નથી, એનું એક જ કારણ છે કે તેમની ધર્મનિરપેક્ષતા માત્ર હિંદુ ધર્મ પૂરતી માર્યાદિત છે. 4 વર્ષ પછી પણ આંતરરાષ્ટ્રીય સ્તર પરથી તાલિબાનો પર જોઈએ એવું દબાણ કરવામાં આવ્યું નથી. જ્યારે જ્યારે તાલિબાનોએ મહિલાઓ પર પ્રતિબંધો લગાવ્યા, ત્યારે આ સમુદાય માત્ર ટીકા કરીને પાછળ હટી ગયો છે. જો આ હોનારત ન બની હોત તો કદાચ વિશ્વને ક્યારેય જાણ જ ન થાત કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન અને શરિયા કાયદા હેઠળ મહિલાઓની પરિસ્થિતિ કેટલી હદે કફોડી છે.

    અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપ એ ચોક્કસ એક કુદરતી આફત હતી, પરંતુ કાટમાળ નીચે દટાયેલી મહિલાઓના મૃત્યુ એ માનવસર્જિત આપત્તિ હતી. તાલિબાનના શરિયા કાયદાની કડક અમલવારીએ મહિલાઓને અદૃશ્ય બનાવી દીધી છે અને તેમના અધિકારો અને જીવનનું મૂલ્ય છીનવી લીધું છે. જ્યાં સુધી તાલિબાન આ નીતિઓમાં ફેરફાર નહીં કરે, અથવા આંતરરાષ્ટ્રીય સમુદાય તેમના પર દબાણ નહીં લાવે, ત્યાં સુધી અફઘાન મહિલાઓ આવી દુર્ઘટનાઓ, ભૂખમરો અને દમનકારી કાયદાઓનો ભોગ બનતી રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં