Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુનિવર્સીટી શિક્ષણ બાદ હવે NGOમાં પણ મહિલાઓને કામ કરવા પર પ્રતિબંધ: અફઘાનિસ્તાન...

    યુનિવર્સીટી શિક્ષણ બાદ હવે NGOમાં પણ મહિલાઓને કામ કરવા પર પ્રતિબંધ: અફઘાનિસ્તાન સરકારનું તાલિબાની ફરમાન; વિરોધમાં થતા આંદોલનને કચડવાનો પ્રયાસ

    અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના આર્થિક મંત્રાલયે દેશમાં ચાલતાં તમામ સ્થાનિક અને વિદેશી NGOને એક પત્ર લખીને આદેશ આપ્યો છે કે તેઓ તેમને ત્યાં કામ કરતી તમામ મહિલા કર્મચારીઓને તાત્કાલિક છૂટી કરે.

    - Advertisement -

    મહિલાઓના શિક્ષણ અને અન્ય અધિકારો પર તરાપ મારવા માટે કુખ્યાત અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હવે NGOમાં પણ મહિલાઓના કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાની તાલિબાન સરકારે તમામ NGOને મહિલા કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં તાલિબાને મહિલાઓ માટેના યુનિવર્સીટી શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો.

    અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના આર્થિક મંત્રાલયે દેશમાં ચાલતાં તમામ સ્થાનિક અને વિદેશી NGOને એક પત્ર લખીને આદેશ આપ્યો છે કે તેઓ તેમને ત્યાં કામ કરતી તમામ મહિલા કર્મચારીઓને તાત્કાલિક છૂટી કરે. મહિલાઓ માટે યુનિવર્સીટી શિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ તાલિબાનનું બીજું મહિલા-વિરોધી ફરમાન છે. 

    તાલિબાન સરકારે તાજેતરમાં જ એક ફરમાન જારી કરીને મહિલાઓ માટેના ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારના મંત્રાલયે દેશની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સીટીઓને પત્ર જારી કરીને આગામી સૂચના મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકવા માટે આદેશ આપ્યો હતો. 

    - Advertisement -

    આ ફરમાન બાદ એક તરફ જ્યાં તાલિબાનનો વિરોધ થઇ રહ્યો છે ત્યાં બીજી તરફ ત્યાંના શિક્ષણ મંત્રીએ નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, છાત્રાલયોમાં મહિલાઓની હાજરી, પુરુષ સાથીઓ વગર પ્રાંતોમાં અવરજવર કરવી, હિજાબનું પાલન ન કરવું વગેરેને જોતાં તેમના માટે યુનિવર્સીટી શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, યુનિવર્સીટીઓમાં થોડો અભ્યાસ એવો કરાવવામાં આવે છે જે ઇસ્લામ વિરુદ્ધ છે. 

    અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો દુનિયામાં તો વિરોધ થઇ જ રહ્યો છે પરંતુ દેશમાં પણ મહિલાઓ તેનો વિરોધ કરી રહી છે. અફઘાનિસ્તાનનાં ઘણાં શહેરોમાં શિક્ષણને પોતાનો અધિકાર ગણાવીને મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેને રોકવા માટે તાલિબાન સરકારે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. 

    બીજી તરફ, કાબુલમાં વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓમાંથી પાંચેકની ધરપકડ કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની સેના હટાવી લીધા બાદ તાલિબાને પગપેસારો કરવા માંડ્યો હતો અને આખરે 15 ઓગસ્ટ 2021ના દિવસે તાલિબાનીઓ કાબુલ પહોંચી ગયા હતા અને સત્તા હસ્તાંતરણ કરી લીધું હતું અને પોતાની સરકાર બનાવી દીધી હતી. 

    તાલિબાનની સરકાર આવ્યા બાદ મહિલાઓના અધિકારો પર તરાપ મારવાની શરૂ કરી દેવામાં આવી હતી. હવે આ નવું ફરમાન બહાર આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં