સંભલ જિલ્લામાં તાજેતરમાં ‘કિષ્કિંધા રથયાત્રા’નું (Kishkindha Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પોલીસ અધિકારીને લઈને એક વિવાદ ઉભો થયો છે. આ રથયાત્રા દરમિયાન, CO અનુજ ચૌધરી (CO Anuj Chaudhry) હાથમાં ગદા (Gada) લઈને યાત્રાની આગળ ચાલતા જોવા મળ્યા હતા. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે પોલીસ વિભાગમાં તપાસ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ભૂતપૂર્વ IPS અધિકારી અને ‘આઝાદ અધિકારી સેના’ના પ્રમુખ અમિતાભ ઠાકુરે CO અનુજ ચૌધરી પર યુનિફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ડીજીપીને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે CO અનુજ ચૌધરી ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભજન ગાવા અને હાથમાં ગદા લઈને ચાલતા હતા, જે પોલીસ સેવાના આચાર નિયમોની વિરુદ્ધ છે.
Uttar Pradesh | An inquiry has been initiated against Anuj Chaudhary, CO of Sambhal, who was seen carrying a mace during the Kishkindha Rath Yatra. He is accused of violating service conduct rules and uniform regulations.#Sambhal #UttarPradesh pic.twitter.com/9OaVBKfNAK
— Organiser Weekly (@eOrganiser) January 13, 2025
અમિતાભ ઠાકુરે પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ગદા લઈને ચાલવું અને ભજન ગાવું એ ઉત્તર પ્રદેશ સરકારી સેવકોના આચાર નિયમો, 1956ના નિયમ 3 અને 4નું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે આવા કૃત્યો પોલીસ સેવાની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ત્યારે આ મામલે સીઓ અનુજ ચૌધરીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે રથયાત્રા દરમિયાન ગુરુજીએ તેમને ગદા સોંપી હતી અને તેમનો એકમાત્ર હેતુ યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે કહ્યું, “યુનિફોર્મમાં ગદા હાથમાં લેવામાં કંઈ ખોટું નથી. અમે સનાતન ધર્મ અને અન્ય તમામ ધર્મોના અનુયાયીઓનું રક્ષણ કરવા માટે ત્યાં તૈનાત હતા.”
એએસપી શચંદ્ર કરશે તપાસ
નોંધનીય છે કે પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરની ફરિયાદ બાદ ડીઆઈજી મુનિરાજે સંભલ પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે એએસપી શ્રીશચંદ્રને સીઓ અનુજ ચૌધરીનું નિવેદન લઈને પોતાનો રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે. એએસપી શ્રીશચંદ્ર હવે આ મામલે જરૂરી તપાસ કરશે અને ડીઆઈજીને રિપોર્ટ સુપરત કરશે.
આ મામલે સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે ઉચ્ચ અધિકારીઓને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને હવે તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કેસની સંપૂર્ણ તપાસ બાદ જ નક્કી કરવામાં આવશે કે સીઓ અનુજ ચૌધરી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. નોંધનીય છે કે સંભલમાં આ યાત્રા 1 જાન્યુઆરી 2025ના રોજ યોજાઈ હતી.