Thursday, April 2, 2026
More
    હોમપેજદેશહજારો ફ્લાઇટ રદ, દેશભરમાં અનેક એરપોર્ટ પર અવ્યવસ્થા: કેમ ઠપ થઈ ગઈ...

    હજારો ફ્લાઇટ રદ, દેશભરમાં અનેક એરપોર્ટ પર અવ્યવસ્થા: કેમ ઠપ થઈ ગઈ ઈન્ડિગો એરલાઈન્સ?

    સોશિયલ મીડિયા એરપોર્ટ પરનાં દ્રશ્યો અને વિડીયોથી છલકાઈ રહ્યું છે. પેસેન્જરો એરપોર્ટની સ્થિતિના વિડીયો શૅર કરી રહ્યા છે. કોઈનાં લગ્ન અટકી પડ્યાં તો કોઈ અગત્યની મીટિંગો અટેન્ડ ન કરી શક્યું. લોકો સમયસર ન પહોંચી શકતાં રઘવાયા થયા છે. બીજી તરફ DGCAએ પણ ઈન્ડિગોને શો કૉઝ નોટિસ ફટકારી છે, જેના જવાબની રાહ જોવાય રહી છે.

    - Advertisement -

    ભારતનાં મોટાભાગનાં એરપોર્ટ ઉપર હાલ અવ્યવસ્થા અને અરાજકતાનો માહોલ છે. તેના કેન્દ્રમાં છે ઈન્ડિગો એરલાઈન્સ, જે ભારતની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાંથી લગભગ 60 ટકાનું સંચાલન કરે છે. આ સપ્તાહમાં જ ઈન્ડિગોની લગભગ 1200થી વધુ ફ્લાઇટો રદ થઈ છે. શુક્રવારે (6 ડિસેમ્બર) પણ સેંકડો ફ્લાઇટો રદ થઈ, હજારો પેસેન્જરો અટવાયા અને અંધાધૂંધી સર્જાઈ ગઈ. કલાકો સુધી પેસેન્જરો ફસાયેલા રહ્યા, એરપોર્ટ ઉપર લાંબી લાઈનો લાગી, સેંકડો ફ્લાઈટો રદ થઈ, કેટલીય રિશિડ્યુલ કરવામાં આવી.  

    રવિવારે (7 ડિસેમ્બર) પણ સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. બપોર સુધીમાં લગભગ પાંચસો જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી કુલ 220 ફ્લાઈટો રદ કરવામાં આવી. 140 ફ્લાઇટ બેંગલુરુ એરપોર્ટ પરથી રદ થઈ. બીજાં પણ અનેક એરપોર્ટ પર સ્થિતિ આ જ છે.

    સોશિયલ મીડિયા એરપોર્ટ પરનાં દ્રશ્યો અને વિડીયોથી છલકાઈ રહ્યું છે. પેસેન્જરો એરપોર્ટની સ્થિતિના વિડીયો શૅર કરી રહ્યા છે. કોઈનાં લગ્ન અટકી પડ્યાં તો કોઈ અગત્યની મીટિંગો અટેન્ડ ન કરી શક્યું. લોકો સમયસર ન પહોંચી શકતાં રઘવાયા થયા છે. બીજી તરફ DGCAએ પણ ઈન્ડિગોને શો કૉઝ નોટિસ ફટકારી છે, જેના જવાબની રાહ જોવાય રહી છે.

    - Advertisement -

    આ બધું બન્યું કઈ રીતે?

    ઈન્ડિગોએ આના માટે ‘મલ્ટીટ્યૂડ ઑફ અફોરસીન ઑપરેશનલ ચેલેન્જીસ’ જેવા ભારેભરખમ શબ્દો વાપરીને ટેક ગ્લિચ, વિન્ટર શિડ્યુલમાં ફેરફારો અને હવામાનને કારણભૂત ગણાવ્યાં છે. વિન્ટર શિડ્યુલમાં લગભગ 6 ટકા જેટલો વધારો થયો છે. ઉપરાંત ઉત્તર ભારતમાં શિયાળામાં ધુમ્મસ વધારે રહે છે, જેનાથી ફ્લાઇટ ટેક ઑફ-લેન્ડિંગમાં વિલંબ થવાની શક્યતા રહે. 29-30 નવેમ્બરના રોજ એરબસનું સૉફ્ટવેર અપડેટ કરાયું હતું, જેથી ક્રૂ પ્લાનિંગમાં પણ અવ્યવસ્થા સર્જાઈ. ચેક ઇન અને રિઝર્વેશન સિસ્ટમમાં પણ થોડાં ગ્લિચ જોવા મળ્યાં એ વાત સાચી. પણ થોડેઘણે અંશે આ બધું પણ કારણભૂત હોય તોપણ તેનાથી આટલી હદે અવ્યવસ્થા ન સર્જાઈ શકે. મૂળ કારણ એ છે કે એરલાઈન્સ DGCAના નવા નિયમો ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ’નું અમલીકરણ કરી શકી નહીં.

    ક્રૂ અને પાયલટ્સની સવલતોને ધ્યાનમાં રાખીને DGCAએ બનાવેલા આ નવા નિયમો જાન્યુઆરી 2024માં લાવવામાં આવ્યા હતા, પણ અમલમાં મૂકવાનું શરૂ થયું છેક નવેમ્બર 2025થી.

    આ નિયમોમાં શું છે?

    પહેલાં પાયલટ્સને અઠવાડિયામાં 36 કલાક રેસ્ટ ટાઇમ મળતો, જે હવે વધારીને 48 કલાક કરી દેવામાં આવ્યો છે. અગાઉ દિવસના વધુમાં વધુ 13 કલાક કામ કરાવી શકતું, જે નવા નિયમો હેઠળ 10-11 કલાક કરી દેવામાં આવ્યા. પાયલટ્સને અગાઉ અઠવાડિયામાં 6 નાઇટ લેન્ડિંગની પરવાનગી હતી, પણ હવે એક અઠવાડિયામાં નાઈટ લેન્ડિંગ વધુમાં વધુ 2 જ થઈ શકે. ઉપરાંત, અગાઉ રોસ્ટર છેલ્લી ઘડીએ પણ અપડેટ કરી શકાતું હતું, પરંતુ નવા નિયમોમાં જણાવાયું છે કે ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં રોસ્ટર ફ્રોઝન કરી દેવામાં આવે, એટલે ત્યારબાદ તેમાં ફેરફાર થઈ શકે નહીં.

    નિયમો તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યા હતા, અંતિમ તબક્કો 1 નવેમ્બર 2025નો હતો. આ બધા નિયમોના અમલીકરણને પહોંચી વળવું હોય તો કાં મજબૂત પ્લાનિંગ જોઈએ, અથવા 10-20 ટકા વધારે ક્રૂની જરૂર પડે. ઈન્ડિગોનું બિઝનેસ મોડેલ એરક્રાફ્ટ અને ક્રૂના મહત્તમ ઉપયોગના જોરે જ હાલી રહ્યું છે, એટલે અચાનક ક્રૂના રેસ્ટના કલાકો અને નાઇટ ઑપરેશન પર લિમિટ આવી ગઈ એટલે એરલાઈન્સ ફસાઈ ગઈ.

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, એરલાઈન આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે માત્ર 4% ક્રૂ જ બફરમાં રાખે છે. માંગ વધતી હોવા છતાં આમાં કોઈ ફેર આવ્યો નથી. ગત વર્ષે નવા નિયમોના સંપૂર્ણ અમલીકરણ માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં આ પ્લાનિંગ ગેપમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો નહીં. હવે જ્યારે ડિસેમ્બરમાં લગ્નગાળા અને તહેવારો-રાજાઓના કારણે મુસાફરી થોડી વધી એટલે ફ્લાઇટ ઑપરેશનમાં અવ્યવસ્થા સર્જાઈ ગઈ. ફેડરેશન ઑફ પાયલટ્સ પણ આમાં ઈન્ડિગોની જ ભૂલ કાઢી રહ્યું છે, જેણે બે વર્ષથી આ નિયમોની જાણ હોવા છતાં ક્રૂમાં વધારો કર્યો ન હતો.

    DGCA, મંત્રાલયની એન્ટ્રી: ઈન્ડિગોને નોટિસ

    ઈન્ડિગોએ નિયમોના સંપૂર્ણ અમલીકરણ માટે ફેબ્રુઆરી 2026 સુધીનો સમય માગ્યો છે. DGCAએ બીજી તરફ થોડી નિયમોમાં ઢીલ મૂકી છે, જેથી શિડ્યુલિંગમાં હાલ પૂરતી સરળતા રહે. અનુમાન છે કે 8 ડિસેમ્બર સોમવારથી ઈન્ડિગોની ગાડી ફરી પાટે ચડવા માંડશે.

    DGCAએ 4 ડિસેમ્બરના રોજ ઈન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓને તેડું મોકલીને આ અવ્યવસ્થા પાછળ વિગતવાર કારણો જણાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ 6 ડિસેમ્બરના રોજ DGCA તરફથી ઈન્ડિગોના CEOને એક નોટિસ ફટકારવામાં આવી હતી અને 24 કલાકની અંદર જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

    પેસેન્જરોને ₹610 કરોડ રિફન્ડ

    જે ફ્લાઈટો રદ થઈ હતી તેના પેસેન્જરોને નિયમો અનુસાર રિફન્ડ આપવામાં આવી રહ્યું છે. ઈન્ડિગોએ ₹610 કરોડનું માત્ર રિફન્ડ આપવું પડશે. સરકારે જણાવ્યું છે કે કેન્સલેશનના કારણે જે ફ્લાઈટ રિશિડ્યુલ કરવામાં આવે તેની ઉપર વધારાની કોઈ ફી લેવામાં નહીં આવે. મુસાફરોને સમયસર રિફન્ડ મળે એ સુનિશ્ચિત કરવા માટેના પણ આદેશ આપવામાં આવ્યા છે.

    કેન્દ્રીય મંત્રાલયનું કહેવું છે કે તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને હિતધારકો, એરલાઈન્સ ઓપરેટરો સાથે બેઠકો ચાલી રહી છે. સ્થિતિને જોતાં ભાડાંમાં એરલાઈન્સ ફાવે તેમ વધારો ન કરી શકે તે માટે મંત્રાલયે મર્યાદા પણ નક્કી કરી દીધી છે. 8 ડિસેમ્બરથી સ્થિતિમાં સુધારો આવશે તેવું અનુમાન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં