Saturday, November 2, 2024
More
    હોમપેજદેશ2022માં પશ્ચિમી દેશો વિરુદ્ધ મક્કમતાથી લીધેલું સ્ટેન્ડ ભારતને ફળ્યું, રશિયા પાસેથી ખરીદેલા...

    2022માં પશ્ચિમી દેશો વિરુદ્ધ મક્કમતાથી લીધેલું સ્ટેન્ડ ભારતને ફળ્યું, રશિયા પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઇલથી ₹800 અબજનો ફાયદો

    ભારત સરકારની કોમર્સ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ભારતીય રિફાઈન કંપનીઓએ વર્ષ 2022થી 2024 વચ્ચે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રૂડ ઓઈલ ખરીદીને 10.5 બિલિયન ડૉલરની બચત કરી છે.

    - Advertisement -

    રશિયા-યુક્રેન યુદ્ધ વખતે પશ્ચિમી દેશોના દબાણ અને અન્ય નિયંત્રણો વચ્ચે પણ ભારતે મક્કમ વલણ રાખીને લીધેલાં કેટલાંક પગલાંનો ફાયદો આજે મળી રહ્યો છે. એક તરફ આ યુદ્ધના કારણે યુરોપિયન દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કર્યું, તો બીજી તરફ વર્ષ 2022થી મે, 2024 વચ્ચે ભારતે રશિયા પાસેથી ઓછા ભાવે ખરીદેલા ક્રૂડ ઓઈલથી 10.5 બિલિયન ડૉલરની બચત કરી છે. યુદ્ધની પરિસ્થિતિમાં પોતાની અર્થવ્યવસ્થા ટકાવી રાખવા રશિયાએ ભારતને ઓછી કિંમતે તેલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, યુરોપિયન દેશોના અણગમાથી ઉપરવટ જઈ ભારતે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને રશિયાથી સૌથી વધુ માત્રામાં ક્રૂડ ઓઈલ ઇમ્પોર્ટ કરતો દેશ બની ગયો.

    નોંધનીય છે કે હાલ ભારતે પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડઓઈલ આયાત કરવું પડે છે. ભારતના ટ્રેડ-વેપારની સૂચિમાં ક્રૂડ ઓઈલ સૌથી ઉપર છે. ભારત સરકારની કોમર્સ મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ભારતીય રિફાઈન કંપનીઓએ વર્ષ 2022થી 2024 વચ્ચે રશિયા પાસેથી ઓછી કિંમતમાં ક્રૂડ ઓઈલ ખરીદીને 10.5 બિલિયન ડૉલરની બચત કરી છે. જો તેને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવે તો તેની કિંમત લગભગ 892 અબજ રૂપિયા થાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં આંકડાઓ પરથી આ જાણકારી આપવામાં આવી છે.

    DGCISના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારતે કુલ 139.86 અબજ ડૉલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું. જો ભારતની રિફાઇનર કંપનીઓએ અન્ય કોઈ દેશથી તેલ આયાત કર્યું હોત તો 145.29 અરબ ડૉલર ચૂકવવા પડ્યા હોત. એવી જ રીતે વર્ષ 2022-23માં 162.21 અબજ ડૉલરનું તેલ આયાત કર્યું. આટલી જ માત્રામાં જો અન્ય કોઈ દેશ પાસેથી આયાત કર્યું હોત તો ભારતે 4.87 અબજ ડૉલર વધુ ગુમાવવા પડ્યા હોત. માત્ર 2024માં જ રશિયાએ ભાવમાં આપેલી છૂટના કારણે ભારતને 235 મિલિયન ડૉલરનો ફાયદો થયો છે. બની શકે કે ભારતના કુલ વિદેશી વેપારની તુલનામાં આ આંકડા નાના લાગી શકે છે, પરંતુ અહીં નોંધવું જોઈએ કે આ માત્ર પાંચ રિફાઇનરી કંપનીઓ સાથેના વ્યવહાર છે.

    - Advertisement -

    રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયથી યુરોપીયન દેશોના પેટમાં તેલ રેડાયું હતું

    ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી જ યુરોપિયન યુનિયન (EU) ભારત પર રશિયા પાસેથી ઈંધણ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યું હતું. 5 ડિસેમ્બર, 2022ના રોજ આ મામલે ભારતે યુરોપને પોતાનો અસલ મિજાજ દેખાડી દીધો હતો. નજીકના વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય લેવલે ભારતે અનેક વાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. તે સમયે પણ યુરોપિયન દેશોની ખોટી દાનતને લઈને ભારતે તેની ઝાટકણી કાઢી હતી.

    ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, “ભારતની ઉર્જાની જરૂરિયાતો યુરોપ કે અન્ય કોઈ વિદેશી દેશ નક્કી ન કરી શકે. તેમને એ પણ કહેવાનો અધિકાર નથી કે ભારત ક્યાંથી શું ખરીદશે. આ વાત યુરોપિયન યુનિયનને સમજવાની જરૂર છે.” નોંધનીય છે કે તે સમયે વિદેશ મંત્રીએ યુરોપિયન દેશોને ઉઘાડા પાડીને જણાવ્યું હતું કે, કેવી રીતે એક તરફ તેઓ રશિયાનો બહિષ્કાર કરી પડદા પાછળથી સહુથી વધુ ઇંધણ ખરીદે છે.

    વિશ્વ ફલક પર ભારત ઉભરતી તાકાત, બે દશકાઓથી વધ્યો છે દબદબો

    ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા જગજાહેર છે અને વિશ્વ આખાને આ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધ થોડા-ઘણા અંશે ખૂંચે છે. તેમાં પણ વર્ષ 2014 બાદથી આ સંબંધો વધુ ઊંડા બન્યા છે. પહેલાંની સરકારો, કે જે પાડોશી દેશોના આતંકવાદી હુમલાથી યુરોપ પાસે મદદ માટે દોડી જતી. પાકિસ્તાન અને ચીન જેવા મુદ્દાઓ પર છડેચોક સ્ટેન્ડ લેવાને બદલે જે પશ્ચિમી દેશો પર નિર્ભર રહેતા. શું તે સરકારો આટલી મક્કમતાથી પોતાનો નિર્ણય મૂકી શકી હોત કે કહી શકી હોત કે ભારતે શું કરવું છે એ ભારત નક્કી કરશે?

    નોંધવું જોઈએ કે ભારત માત્ર આયાત પર જ નહીં, નિર્યાત ક્ષેત્રોમાં પણ હરણફાળ દોટ મૂકી રહ્યું છે. એક સમયે બાળકોનાં રમકડાં માટે પણ ચીન પર નિર્ભર રહેતું ભારત આજે વિશ્વને અત્યાધુનિક સ્નાઈપર રાઈફલો એક્સપોર્ટ કરતું થઈ ગયું છે. ડિફેન્સ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક જેવા અઢળક ક્ષેત્રો છે જેમાં ગત દશ વર્ષોમાં ભારતે પોતાનો ડંકો વગાડ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ રશિયાની મુલાકાત લીધી અને આખા વિશ્વએ આ મુલાકાતથી શું અનુભવ્યું તે કોઈનાથી છૂપું નથી. આ તમામ બાબતો શક્ય બની છે ભારતની વર્તમાન સરકારના વિઝન અને બદલાયેલી નીતિઓના કારણે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં