Saturday, July 12, 2025
More
    હોમપેજદેશકૅશ કાંડથી વિવાદમાં આવેલા જસ્ટિસ વર્મા વિરુદ્ધ સંસદમાં પ્રસ્તાવ નક્કી, વિપક્ષી પાર્ટીઓનું...

    કૅશ કાંડથી વિવાદમાં આવેલા જસ્ટિસ વર્મા વિરુદ્ધ સંસદમાં પ્રસ્તાવ નક્કી, વિપક્ષી પાર્ટીઓનું પણ સમર્થન: વાંચો શું હોય છે એક ન્યાયાધીશ સામે મહાભિયોગની પ્રક્રિયા 

    સરકાર પ્રસ્તાવ લોકસભામાં લાવશે કે રાજ્યસભામાં, તે હજુ સુધી નક્કી થયું નથી. એક વખત હસ્તાક્ષર મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે.

    - Advertisement -

    ઘરેથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા બાદ વિવાદમાં આવેલા દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા (Yashvant Varma) વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ કરવા માંડી છે. આગામી ચોમાસું સત્રમાં બેમાંથી કોઈ પણ એક ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ માટે સરકારે વિપક્ષી પાર્ટીઓનો સહયોગ મેળવવા માટે કવાયત હાથ ધરી છે અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે મુખ્ય વિપક્ષી દળોએ સહમતિ પણ દર્શાવી છે. 

    હવે આગલા તબક્કામાં કેન્દ્ર સરકાર પ્રસ્તાવ પર સાંસદોના હસ્તાક્ષર મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે નિયમાનુસાર લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવા માટે 100 સાંસદોની અને રાજ્યસભામાં 50 સાંસદોની સહી અનિવાર્ય છે. સરકાર પ્રસ્તાવ લોકસભામાં લાવશે કે રાજ્યસભામાં, તે હજુ સુધી નક્કી થયું નથી. એક વખત હસ્તાક્ષર મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે. ચોમાસું સત્ર 21 જુલાઈના રોજ શરૂ થાય છે, ત્યાં સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે. 

    ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ સંસદના કોઈ પણ એક ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે ત્યારબાદ આરોપોની તપાસ માટે એક ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવે છે. જેમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (અથવા સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશ), હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક નિષ્ણાત ધારાશાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવે છે. આ સમિતિ પોતાનો રિપોર્ટ સોંપે ત્યારબાદ ગૃહ આગળ કાર્યવાહી ચલાવે છે. 

    - Advertisement -

    આમ તો આ સમિતિને ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકારનાં સૂત્રોને ટાંકીને અહેવાલો જણાવી રહ્યા છે કે જજ વિરુદ્ધ કાર્યવાહીમાં વધુ વિલંબ ન થાય તે માટે સરકાર આ સમયગાળો ઘટાડવા અંગે પણ વિચારી રહી છે અને આ માટે કોઈ વિશેષ જોગવાઈનો લાભ લઈ શકાય કે કેમ તે વિશે પણ વિચારણા ચાલી રહી છે. 

    શું હશે આગળની પ્રક્રિયા?

    એક વખત પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારબાદ અધ્યક્ષ કે સભાપતિ તેને સ્વીકારી કે નકારી શકે છે. આ કિસ્સામાં કેન્દ્ર સરકાર સ્વયં વિપક્ષી પાર્ટીઓનો સંપર્ક કરીને પ્રસ્તાવ લાવી રહી છે, જેથી પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવશે એ નક્કી છે. ત્યારબાદ સમિતિ બનાવવામાં આવશે અને સમયસીમા નક્કી કરીને રિપોર્ટ મંગાવવામાં આવશે. સમિતિની તપાસમાં આરોપો સાચા પુરવાર થાય તો રિપોર્ટ ગૃહમાં રજૂ કરીને ચર્ચા કરવામાં આવે છે. 

    જજને હટાવવા માટે લોકસભા અને રાજ્યસભામાં હાજર સભ્યોના 2/3 સભ્યોની બહુમતી જરૂરી છે. ઉપરાંત પક્ષમાં મત હોય તેની સંખ્યા ગૃહની કુલ સંખ્યાના 50%થી વધુ હોવી જોઈએ. જો સંસદ પ્રસ્તાવ પસાર કરી દે તો રાષ્ટ્રપતિ જજને પદ પરથી હટાવવા માટેના આદેશ પર હસ્તાક્ષર કરી દે છે. 

    શું છે સમગ્ર મામલો?

    જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી ગત માર્ચમાં રોકડા રૂપિયા મળી આવ્યા હતા. તેઓ બહાર હતા ત્યારે ઘરે આગ લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે જ્યારે ફાયર વિભાગ અને પોલીસની ટીમો પહોંચી તો તેમને મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી. ત્યારબાદ પોલીસ અને હાઇકોર્ટને જાણ કરવામાં આવી. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. બીજી તરફ મામલો મીડિયામાં આવી ગયો, જેના કારણે ન્યાયતંત્ર પર પણ દબાણ આવવાનું શરૂ થયું. 

    ત્યારબાદ તત્કાલીન CJI સંજીવ ખન્નાએ ત્રણ જજોની એક સમિતિ બનાવીને તપાસ સોંપી હતી. આ સમિતિએ પોતાના રિપોર્ટમાં આરોપો સાચા ઠેરવ્યા હતા. બીજી તરફ જસ્ટિસ વર્મા સતત આરોપો નકારીને તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની સમિતિના રિપોર્ટમાં જજને હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. જેથી CJIએ રિપોર્ટ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલી આપ્યો હતો. હવે બોલ સરકારની કોર્ટમાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં