હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇસ્લામિક વિષયો પર થતા રિસર્ચના કારણે તાજેતરના ભૂતકાળમાં જ વિવાદમાં સપડાયેલી શૈક્ષણિક સંસ્થા IIT ગાંધીનગર (IIT Gandhinagar) હવે તેના અધ્યાપકોના કારણે ફરી ચર્ચામાં છે. પહેલાં અમુક અધ્યાપકોનાં NGO સાથે જોડાણ તેમજ વામપંથી વિચારધારાને સમર્થન કરતાં ટ્વિટ સામે આવ્યા બાદ હવે અન્ય વિભાગના પ્રોફેસરની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પણ ચર્ચામાં છે.
IIT ગાંધીનગરના મટીરીયલ સાયન્સ વિભાગના અધ્યાપક અમિત અરોડાની અમુક સોશિયલ મીડિયા પોસ્ટ ફરતી થઈ છે, જેમાં તેમણે ક્યાંક હમાસનું સમર્થન કરતા અમેરિકી વિદ્યાર્થીઓનો પક્ષ લીધો છે તો ક્યાંક ઉમર ખાલિદ જેવા વિવાદાસ્પદ માણસોને પણ ટેકો આપ્યો છે. ઉપરાંત રાજકારણ પર પણ ટિપ્પણીઓ સામેલ છે અને ભારત સરકારની અમુક નીતિઓની પણ ખિલ્લી ઉડાડવામાં આવી છે.
જોકે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યા બાદ અને પોતાની પોસ્ટના સ્ક્રીનશૉટ ફરતા થઈ ગયા બાદ પ્રોફેસરે પોતાનું અકાઉન્ટ જ ડિલીટ કરી દીધું હતું, જેથી હવે તે દેખાય રહ્યું નથી.
27 મે, 2020ના રોજ સોશિયલ મીડિયા માધ્યમ એક્સ (જે પહેલાં ટ્વિટર હતું) પર એક પોસ્ટ કરીને અરોડાએ રામ મંદિર પર ટિપ્પણી કરી હતી. આ એ સમય હતો જ્યારે મંદિર મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો થોડા મહિનાઓ પહેલાં જ આવ્યો હતો અને ટ્રસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

અમિત અરોડા લખે છે, “રામલલ્લા એ બાળકમાં છે જે પ્લેટફોર્મ પર પડેલી પોતાની માનો મૃતદેહ જગાડવાના પ્રયાસ કરી રહ્યો છે. જ્યાં સુધી આવું એક પણ બાળક રહે, રામલલ્લા તમારા મંદિરમાં ક્યારેય નહીં આવે. જાઓ બનાવી લો મંદિર.”
જોવા જઈએ તો આ એક ટિપિકલ લેફ્ટિસ્ટ માનસિકતા છે, જેમાં કાયમ આવી કોઈ સામાજિક કે આર્થિક સમસ્યાઓને મંદિર કે ભગવાન સાથે સાંકળી લઈને મંદિર બનાવવાની માંગ કરતા કે ધર્મની વાત કરતા હિંદુઓને નીચા દેખાડી દેવામાં આવે છે. જ્યારે જોવા જઈએ તો આવી બાબતો કોઈ પણ મજહબ કે પંથ સાથે પણ સાંકળીને જોઈ શકાય, પરંતુ સામાન્ય રીતે તેવું કરવામાં આવતું નથી અને માત્ર હિંદુઓને જ ઝૂડવામાં આવે છે.
1 એપ્રિલ, 2025ની એક પોસ્ટમાં એક લેફ્ટિસ્ટ અકાઉન્ટે ‘સંઘીઓ’ પર પ્રશ્ન ઉઠાવીને લખ્યું હતું કે અચાનક તેઓ ‘ઈન્ડિયા’ના સ્થાને ‘ભારત’ શબ્દનો ઉપયોગ કેમ વધારી રહ્યા છે? તેઓ શું કરવા માંગે છે? સાથે ટિપ્પણી કરી કે શું તેઓ ‘ભારત એ ઇન્ડિયાનું વિકસિત સંસ્કરણ છે’ તેવું સાબિત કરીને લોકોને મૂર્ખ બનાવવા માંગે છે?

આ પોસ્ટના જવાબમાં પ્રોફેસર અમિત અરોડા લખે છે કે, ‘’ભારત’ એ વાસ્તવિક સંયુક્ત પંથનિરપેક્ષ ઇન્ડિયાનું સંઘીઓનું બ્રાહ્મણવાદી, દમનકારી અને ધર્માંધ વર્ઝન છે.”
IIT ગાંધીનગરના આ અધ્યાપકે પીએમ નરેન્દ્ર મોદી પર પણ અનેક ટિપ્પણીઓ કરી છે, જેનાથી વડાપ્રધાન વિશે તેમનો પૂર્વગ્રહ સ્પષ્ટ નજરે પડે છે.
જૂન 2024ની એક પોસ્ટમાં એક ફોટો પોસ્ટ કરીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.
Meet Mr Amit Arora.
— Harshil (હર્ષિલ) (@MehHarshil) June 8, 2025
Full-time work: Material Science faculty at IIT Gandhinagar
Part-time work: Twitter troll during and after work hours.
We are paying him salary from our taxes. Can government officers use such language online? pic.twitter.com/iDJ2RSo0cY
2020માં એક પોસ્ટ કરીને 2014નો ભારતીય જનતા પાર્ટીના એક પોસ્ટરનો ફોટો મૂક્યો અને ટિપ્પણી કરતાં લખ્યું કે, અહીં હવે કંઈ લખવાનું રહેતું નથી. પોસ્ટરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોદી સરકાર આવ્યા બાદ રાહત મળશે તેવું લખાણ હતું.
એક પોસ્ટ તાજેતરની જ છે, જે 25 એપ્રિલ, 2025ના રોજ લખવામાં આવી હતી. મોદીદ્વેષી ગુજરાતી પત્રકારોમાં મોખરે સ્થાન પામેલા ઉર્વીશ કોઠારીની એક પોસ્ટને ક્વોટ કરીને અમિત અરોડા લખે છે, “અમેરિકા જઈને હિંદી બોલે છે અને બિહાર જઈને અંગ્રેજી. આમના (મોદીના) જલવા જ અલગ છે, નાટકો ખતમ થતાં નથી.”
તેમની ટ્વિટર પ્રોફાઇલ જોતાં તેઓ રવીશ કુમારની પોસ્ટ પણ રીપોસ્ટ કરતા જોવા મળે છે. ટ્વિટર ટ્રોલ અર્પિત શર્માએ ઉમર ખાલિદના સમર્થનમાં એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, જો તેનું નામ ઉમેશ કે ઉમંગ હોત તો તે અત્યારે જેલની બહાર હોત. પરંતુ આ પોસ્ટ કરનાર અર્પિત અને તેને રીપોસ્ટ કરનાર IIT ગાંધીનગરના પ્રોફેસર બંને ભૂલી જાય છે કે ઉમર ખાલિદ સામે હિંદુવિરોધી રમખાણોનાં ષડ્યંત્ર રચવાનો આરોપ છે. છતાં અહીં જાણીજોઈને તેને મુસ્લિમ હોવાના કારણે પ્રતાડિત કરવામાં આવી રહ્યો હોવાનો પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો.
Meet prof Amit Arora of IIT Gandhinagar. Instead of teaching material science to Engineering students, he is more interested in supporting terrorist Umar Khalid, making fun of Indian war time diplomacy, crying about Islamophobia and glorifying Hamas support by American students.… pic.twitter.com/3zQJt3HlJz
— Eminent Intellectual (@total_woke_) June 8, 2025
પ્રોફેસરની આ બધી પોસ્ટ સામે આવ્યા બાદ પ્રશ્નો ઘણા સર્જાયા છે. ચર્ચા એ ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થામાં કામ કરતા, વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકો શું જાહેર માધ્યમો ઉપર આ પ્રકારની ટિપ્પણીઓ કરી શકે કે શું એક જ વિચારધારાને પ્રોત્સાહન આપીને પ્રોપગેન્ડાબાજોની ટોળકીમાં સામેલ થઈ શકે?
એ વિષય વારંવાર ઊઠતો રહ્યો છે કે આ શિક્ષણ સંસ્થાઓ કરદાતાઓના પૈસે ચાલે છે. અહીં આ પ્રકારનો સ્પષ્ટ વૈચારિક ઝુકાવ ધરાવતા અધ્યાપકો કામ કરતા હોય, આ રીતે પોતાની વિચારધારા ફેલાવી રહ્યા હોય તો ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારનું વૈચારિક વાતાવરણ સર્જાય એ પણ એક પ્રશ્ન છે. ખાસ કરીને IIT ગાંધીનગર જેવી શિક્ષણ સંસ્થા માટે, જે પહેલેથી જ આ વિષયોને લઈને વિવાદમાં આવી ચૂકી છે.
IIT ગાંધીનગર પહેલેથી જ વિવાદમાં, HSS વિભાગના અધ્યાપકો પર પણ ઉઠી ચૂક્યા છે પ્રશ્નો
ભૂતકાળમાં ઑપઇન્ડિયાએ અહેવાલોમાં જણાવ્યું હતું કે કઈ રીતે IIT ગાંધીનગરના હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વાર્ષિક થીસીસ પ્રોજેક્ટના નામે ઇસ્લામિક વિષયો પસંદ કરીને રિસર્ચ કરવા માંડ્યું હતું. વિષયો જોઈને કોઈ શિક્ષણ સંસ્થા છે કે ઇસ્લામિક રિસર્ચ સેન્ટર એ પણ નક્કી કરવું કઠિન પડે એ પ્રકારના વિષયો પસંદ કરવામાં આવતા હતા. જ્યારે મામલો સાર્વજનિક થયો તો HSS વિભાગના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને મેઇલમાં ધમકી પણ આપી હતી.
પછીથી અન્ય એક રિપોર્ટમાં ઑપઇન્ડિયાએ એ વિષય પર પ્રકાશ પાડ્યો હતો કે કઈ રીતે અમુક અધ્યાપકો જનજાતીય વિસ્તારોમાં કામ કરતાં વિવાદાસ્પદ NGO સાથે સંકળાયેલા છે તો અમુક કઈ રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહીને વામપંથી વિચારધારાનો ફેલાવો કરી રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ હોવાનું ધ્યાને આવ્યું નથી ત્યાં હવે એક પછી એક વધુ અધ્યાપકોને લગતા વિવાદો સપાટી પર આવી રહ્યા છે.