
ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદે વધુ વેગ પકડ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ અને શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓએ સોમવારે (15 જૂન) આશરે 35,000 હસ્તાક્ષરો સાથે આવેદન જિલ્લા વહીવટીતંત્રને સોંપ્યું હતું. સાથે જ હિંદુ અને જૈન અવશેષોના સંરક્ષણની માંગ સાથે શહેરમાં વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી.
કલેક્ટર કચેરી ખાતે રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં જામા મસ્જિદના ઐતિહાસિક મૂળ અંગે વિગતવાર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. હિંદુ અને જૈન સંગઠનોનો દાવો છે કે વર્તમાન જામા મસ્જિદ મૂળ જૈન સમરી વિહાર હતું અને તે શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ પણ છે. જોકે, મસ્જિદના ટ્રસ્ટીઓ આ દાવાઓને સતત નકારી રહ્યા છે.
સોમવારે સવારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સંતો, મહંતો, ભક્તો અને વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર માત્ર ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ લોકો રેલીમાં જોડાયા હતા.
રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં જિલ્લા તંત્રને આવેદન સોંપવામાં આવ્યું હતું. રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્મારકમાં રહેલા હિંદુ અને જૈન અવશેષોને સુરક્ષિત રાખવા તેમજ સમગ્ર મામલે પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે.
તાજેતરના મહિનાઓમાં આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને 4 માર્ચે બનાવવામાં આવેલો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલાએ નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. અભિયાન ચલાવી રહેલા હિંદુ-જૈન સંગઠનોનો દાવો છે કે વિડીયોમાં વર્ષોથી બંધ રહેલા બેઝમેન્ટમાં જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ તથા અન્ય હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓ જોવા મળે છે.
વિવાદને પગલે અગાઉ પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના (ASI) અધિકારીઓએ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેઝમેન્ટનું નિરીક્ષણ કર્યું હતું. હિંદુ અને જૈન સંગઠનોનો દાવો છે કે નિરીક્ષણ દરમિયાન સંવત 1213નો ઉલ્લેખ ધરાવતી ભગવાન મલ્લિનાથની પ્રાચીન પ્રતિમા મળી આવી હતી. તેમનું એવું પણ કહેવું છે કે સ્મારકના અનેક થાંભલા અને સ્થાપત્યના અન્ય ભાગોમાં જૈન તથા હિંદુ પરંપરા સાથે સંકળાયેલી કોતરણી જોવા મળે છે.
આ સંગઠનોના જણાવ્યા અનુસાર ASI દ્વારા સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી અને સંબંધિત અહેવાલ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. જોકે, આ દાવાઓ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી સંતો, મહંતો તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા આ મુદ્દે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. હવે 35,000 હસ્તાક્ષરો સાથેની રજૂઆત અને વિશાળ રેલી બાદ આ વિવાદે વધુ રાજકીય અને સામાજિક મહત્વ પ્રાપ્ત કર્યું છે.

