વર્ષ 1978ના સંભલ રમખાણોમાં (Sambhal Riot) ગામમાંથી ભગાવી દેવાયેલા તુલસીરામના પરિવારને (Hindu Families) 46 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. પ્રશાસને મંગળવારે (14 જાન્યુઆરી, 2025) હિંદુ પરિવારને સંભલમાં 10,000 ચોરસ ફૂટ જમીનનો (Land) કબજો અપાવ્યો છે. માલી સમુદાયના તુલસીરામની 1978ના રમખાણોમાં હત્યા કરવામાં આવી હતી અને તેમના ત્રણ પુત્રો અને પરિવારને ભાગી જવાની ફરજ પડી હતી. હાલમાં આ જમીન પર જન્નત નિશા નામની શાળા ચલાવવામાં આવી રહી હતી. જોકે, હવે આ જમીન તુલસીરામના વંશજોને આપી દેવામાં આવી છે. આ કાર્યવાહી મહેસૂલ વિભાગ અને પોલીસ પ્રશાસનની દેખરેખ હેઠળ થઈ હતી, જેમાં ભારે સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં હતાં.
માહિતી અનુસાર, સંભલના SDM વંદના મિશ્રા અને ASP શ્રીશ ચંદ્રએ મંગળવારે રેવન્યુ રેકોર્ડનો સરવે કર્યો હતો અને જમીનની વાસ્તવિક સ્થિતિ નક્કી કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, 15,000 ચોરસ ફૂટ જમીનમાંથી 10,000 ચોરસ ફૂટ જમીન તુલસીરામના પરિવારની છે. જે બાદ પ્રશાસને ઓન ધ સ્પોટ કાર્યવાહી હાથ ધરીને તુલસીરામના પૌત્ર અમરીશ કુમાર અને તેમના ત્રણ પરિવારોને જમીન સોંપી દીધી હતી.
દસ્તાવેજોમાં છેડછાડ કરનારાઓ પર થશે કાર્યવાહી
સમગ્ર કાર્યવાહી દરમિયાન જન્નત નિશા સ્કૂલના ડાયરેક્ટર ડૉ. મોહમ્મદ શાહવેઝે દાવો કર્યો હતો કે, તેમના અબ્બુ ડૉ. ઝુબૈરે આ જમીન 1976માં એટલે કે રમખાણો પહેલાં ખરીદી હતી. જોકે, વહીવટીતંત્રે તેમની પાસે દસ્તાવેજો માંગ્યા, ત્યારે તેઓ સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. અધિકારીઓએ તપાસ કર્યા બાદ સામે આવ્યું હતું કે, જમીનના રેકોર્ડ સાથે ઘણી છેડછાડ કરવામાં આવી છે, જેમાં એક ભાગ ફાયર સ્ટેશન તરીકે દર્શાવવામાં આવ્યો હતો. SDM વંદના મિશ્રાએ કહ્યું કે, દસ્તાવેજોમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
‘પ્રશાસને અપાવ્યો ન્યાય’- પીડિત પરિવાર
તુલસીરામના પૌત્ર અમરીશ કુમારે આ ન્યાયને તેમના વર્ષોના સંઘર્ષનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “મારા દાદાને રમખાણોમાં મારી નાખવામાં આવ્યા અને અમારી જમીન પણ છીનવી લેવામાં આવી. જ્યારે અમે પરત ફરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને કહેવામાં આવ્યું કે, આ જમીન હવે અમારી નથી અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. આજે પ્રશાસને અમને ન્યાય અપાવ્યો છે.”
આ પરિવારના આશા દેવીએ કહ્યું કે, “અમે અમારી જમીનની સાથે-સાથે અમારું મંદિર પણ ગુમાવ્યું હતું. રમખાણો પછી અમે ન માત્ર પોતાના પરિવારની હત્યાનું દુઃખ સહન કર્યું, પરંતુ અમારી ઓળખ પણ ગુમાવી હતી. આ પહેલીવાર થયું છે કે, જ્યારે કોઈએ અમારી વાત સાંભળી હોય.” નોંધનીય છે કે, સંભલમાં રમખાણો બાદ કરોડોની કિંમતની જમીનો કબજે કરવામાં આવી હતી, જે સંભલના મુખ્ય વિસ્તારોમાં આવેલી છે. હવે વહીવટીતંત્રના આ પગલાંને વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામેની મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી આવ્યું છે.
પીડિત પરિવારોએ યોગી સરકારને પત્ર લખીને માંગ્યો હતો ન્યાય
સાથે એ પણ નોંધવા જેવું છે કે, જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં સંભલ હિંસાનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે પીડિત પરિવારોએ પ્રશાસનને પત્ર લખીને ન્યાય અપાવવાની વિનંતી કરી હતી. આ પછી વહીવટીતંત્ર સક્રિય થયું હતું અને 46 વર્ષ બાદ પરિવારોને 10 હજાર ચોરસ ફૂટ જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રમખાણો બાદ હિંદુ પરિવારોને તેમની મિલકતો છોડવાની ફરજ પડી હતી. વહીવટીતંત્રે એ પણ સુનિશ્ચિત કર્યું કે, કબજો મેળવ્યા પછી તુલસીરામના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે, ગેરકાયદેસર અતિક્રમણ સામે ઝુંબેશ ચાલુ રહેશે અને દરેક ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે.