ભાષા અને સાહિત્યની સેવા કરવા માટે બનાવવામાં આવેલી પણ આ બધાં કરતાં જુદાં જ કારણોસર ચર્ચામાં રહેતી સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો નવા-નવા વિવાદોમાં સપડાવાનો સિલસિલો હજુ થંભ્યો નથી. સરસ્વતી પૂજન સામે સેક્યુલરોના હોબાળા અને અકાદમી સાથેની ખેંચતાણમાં ત્રણ સભ્યોના સસ્પેન્શન પછી હવે કવિ પ્રતાપસિંહ ડાભીના એક ગીતને પરિષદના મેગેઝિન ‘પરબ’માં ન છાપવાના નિર્ણય અને ત્યારબાદ કવિના રાજીનામાથી ફરી એક વખત પરિષદ સવાલોના કઠેડામાં ઊભી રહી ગઈ છે. બીજી તરફ મેગેઝિનના સંપાદક અને પરિષદના અન્ય સમર્થકો ગીતને ‘નબળું’ કહીને નિર્ણયનો બચાવ કરી રહ્યા છે. આ તરફ એક પછી એક રાજીનામાં પડવાનો દોર યથાવત છે.
વાત એમ છે કે કવિ પ્રતાપસિંહ ડાભીએ (હાકલ) તાજેતરમાં પરિષદની મધ્યસ્થ સમિતિમાંથી રાજીનામું ધરી દીધું. રાજીનામાના લાંબા પત્રમાં કવિએ શ્રીમદ્ ભગવદ્ ગીતા પર રચેલા એક ગીતને સાહિત્ય પરિષદના મેગેઝિન ‘પરબ’માં છાપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હોવાનું કારણ આપ્યું.
માહિતી અનુસાર, આ ઘટનાની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થઈ હતી. કવિ પ્રતાપસિંહ ડાભીએ 18 જાન્યુઆરીથી 18 દિવસ સુધી ગીતાના પ્રત્યેક અધ્યાય પર એક એમ 18 ગીતોની રચના કરી હતી અને છેલ્લે 19મા દિવસે પ્રત્યેક અંતરો એક અધ્યાયનું પ્રતિનિધિત્વ કરતો હોય એવું 18 અંતરાનું એક ગીત પણ બનાવ્યું હતું. તેમણે જણાવ્યા અનુસાર આ સમયગાળામાં ‘પરબ’ના સંપાદકે તેમને આ ગીત પરબમાં મોકલી આપવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ તેમણે ગીતને પરબ મેગેઝિનમાં પ્રકાશિત કરવા માટે મોકલી પણ આપ્યું હતું. કવિનો આરોપ છે કે ગીત મોકલ્યા બાદ સંપાદકે તેને ‘ધાર્મિક ગીત’ અને ગીતાને અંતકાળે પાઠ કરવાનો ગ્રંથ ગણાવ્યો હતો અને ગીતનો અસ્વીકાર કર્યો હતો. વધુમાં કવિ પ્રતાપસિંહે એવું પણ કહ્યું છે કે પરબના અન્ય લોકોએ અને પરામર્શકોએ પણ આ બાબતે કૃતિ પસંદગી માટે સંપાદક સ્વતંત્ર છે એવું કારણ આપ્યું હતું અને અને સંપાદકનું સમર્થન કર્યું હતું.
આ ઘટના બાદ પ્રતાપસિંહ ડાભીએ ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતા તેમણે જણાવ્યું હતું કે, તેમના માટે આ મુદ્દો ગીતાના સન્માનનો મુદ્દો છે. તે સિવાય તેમણે ગીતાના મહત્વ વિશે વાત કરતા એવું પણ જણાવ્યું હતું કે, ગીતા માત્ર અંતકાળે વાંચવાનો ગ્રંથ નથી, પરંતુ અસ્તિત્વના ઊંડાણની સાચી ઓળખ કરાવતો ગ્રંથ છે. તેમણે પરબના સંપાદકોના નિર્ણયથી વ્યથિત થઈને પોતે રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું.
એક તરફ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાવાનો શરૂ થયો ત્યાં પછીથી સાહિત્ય પરિષદ અને ‘પરબ’ના સંપાદકો તરફથી પણ સ્પષ્ટતા આવી.
કિરીટ દૂધાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ડાભીના ગીતનો અસ્વીકાર કરવા પાછળનું કારણ ‘ધાર્મિક ગીત’ નહીં પણ ‘ગીતની નબળાઈઓ’ છે. વધુમાં તેમણે એવી પણ દલીલ કરી છે કે ગીત 18 અંતરાનું ન હોય અને અપવાદ તરીકે જો પ્રતાપસિંહ ડાભીએ લખ્યું હોય અને અપવાદ તરીકે એને પરબમાં છાપવાનું હોય તો એમાં કાવ્યત્વ હોવું જરૂરી છે. નિર્ણય સંભળાવતાં સંપાદક દૂધાતે કહ્યું કે, કવિનું ગીત કાવ્ય તરીકે ખૂબ નબળું હતું અને તેમાં ‘ક્યાંય કવિત્વના ચમકારા’ દેખાયા નહોતા.
વિશેષમાં કિરીટ દૂધાતે આધ્યાત્મ અને ધાર્મિક ગીતો વિશેનાં લખાણને લઈને ગુજરાતી સાહિત્યના ઘણા કવિઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે જો એક ધર્મગ્રંથ વિશેનું નબળું કાવ્ય સ્વીકારાય તો કાલે ઊઠીને કોઈ કુરાન અને બાઇબલ વિશે પણ પોતાનું નબળું કાવ્ય છપાય એવો આગ્રહ રાખે. વધુમાં તેમણે ભગવદ ગીતા વિશે ઘણું સારું-સારું લખીને વારંવાર એક જ દલીલ કરી કે, પ્રતાપસિંહ ડાભીનું ગીત કાવ્ય તરીકે ખૂબ નબળું હતું.
જોકે, દૂધાતની આ સ્પષ્ટતા બાદ પ્રતાપસિંહ ડાભીએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું છે કે, સંપાદકે (કિરીટ દૂધાતે) તેમને એવું કહ્યું હતું કે, તેમની રચના ધાર્મિક છે, તેથી તેઓ લઈ શકતા નથી. સાથે એવી પણ દલીલ આપી હતી કે, ગીતા અંતકાળે પઠન કરવાનો વિષય છે. જેના પર અસહમતી દર્શાવતા પ્રતાપસિંહે ગીતાને આત્મજ્ઞાનનો ગ્રંથ ગણાવ્યો હતો. તેમના અનુસાર, તેમણે પરિષદની પરામર્શકની સુવિધાનો લાભ લઈને પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી સાથે પરામર્શ કર્યો હતો. તે સમયે પરામર્શીઓએ આ માટે સંપાદક સ્વતંત્ર છે એવી દલીલ કરી હતી. કવિએ દાવો કર્યો છે કે, પરામર્શ માટેના સભ્યોએ પણ તેમની જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન હતી. જે બાદ થોડા સમયના વિચારવિમર્શ પછી તેમણે પરિષદની મધ્યસ્થ સમિતિના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને ઑપઇન્ડિયાએ કવિ પ્રતાપસિંહ ડાભી અને ‘પરબ’ના સંપાદક કિરીટ દૂધાતનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યા નહોતા. સંપર્ક થયા બાદ આ લેખને અપડેટ કરી દેવામાં આવશે.
એક પછી એક ત્યાગપત્રો
સાહિત્ય પરિષદમાંથી ત્રણ સસ્પેન્શન થયા બાદ તેમના સમર્થનમાં અને પરિષદના આ નિર્ણયના વિરોધમાં ઘણાં રાજીનામાં પડ્યાં હતાં. આ દોર એક મહિના પછી પણ ચાલી જ રહ્યો છે. કવિ પ્રતાપસિંહ ડાભીના ત્યાગપત્ર પછી રમેશ ઓઝાએ પણ રાજીનામું આપ્યું. તાજા અહેવાલો અનુસાર સાહિત્યકાર રાઘવજી માધડે પણ પરિષદની નીતિરીતિથી અસંમત થઈને મધ્યસ્થ સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. આવનાર સમયમાં બીજાં પણ રાજીનામાં પડશે તેવું બિનસત્તાવાર રીતે સૂત્રો જણાવી રહ્યાં છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં ગત મહિને ચાર સભ્યો ઈશ્વર પટેલ, અમિત વ્યાસ, વિજય રાજ્યગુરુ અને ડૉ. એસ. એસ રાહીએ પણ ત્યાગપત્રો સોંપી દીધા હતા. ટૂંક સમયમાં રાજીનામાંનો આંકડો દસ પર પહોંચવા પર છે.
અગાઉ પણ પરિષદ આવી છે વિવાદમાં
જોકે ગુજરાતી સાહિત્ય પરિષદનો આ કોઈ પહેલો વિવાદ નથી. આ પહેલાં પણ સંસ્થા અનેક વિવાદનું કારણ બની હતી. તાજેતરમાં જ બે કવિઓને માત્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર સ્વીકારવાના કે સરકારની એક બેઠકમાં ભાગ લેવાના ‘ગુના’ બદલ પરિષદ મધ્યસ્થ સમિતિમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જેમાં એક ઉપપ્રમુખ દર્શક આચાર્ય હતા અને બીજા પરિષદ મંત્રી (ગ્રંથાલય) પરીક્ષિત જોશી.
દર્શક આચાર્યના એક ગઝલ સંગ્રહને અકાદમી તરફથી અગાઉ ઇનામ મળ્યું હતું, જે તેઓ માતૃભાષા દિવસે સ્વીકારવા ગયા તેમાં તેમને નોટિસનું ફરફરિયું પકડાવી દેવામાં આવ્યું. પછીથી બરતરફ પણ કરી દેવામાં આવ્યા. પરીક્ષિત જોશીના સસ્પેન્શન પાછળ કારણ એ આપવામાં આવ્યું કે તેઓ મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક પુસ્તક સ્વીકારવા માટે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની ગ્રાન્ટમાંથી તેમણે અમુક પુસ્તકાલયોને પુસ્તકો ભેટ આપ્યાં હતાં. જેમાંથી પરિષદ વતી ગ્રંથાલય મંત્રી તરીકે પરીક્ષિત જોશી મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક પુસ્તક સ્વીકારવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને નોટિસ પાઠવવામાં આવી અને નિષ્કાસન કરી દેવામાં આવ્યું. જોકે ત્યારપછી બંનેના સમર્થનમાં ઘણાએ રાજીનામાં આપ્યાં અને આ સિલસિલો પ્રતાપસિંહ ડાભી પછી પણ ચાલુ જ છે.
વાચકોને સુપેરે જાણ હશે કે નવેમ્બર 2023માં સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજન કરવામાં આવ્યું ત્યારે કોઈ મોટો ગુનો આચરવામાં આવ્યો હોય તેટલો મોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો અને તત્કાલીન પ્રમુખ પ્રકાશ ન. શાહે ‘સ્પષ્ટતા’ પણ જાહેર કરવી પડી હતી. સેક્યુલર-લિબરલોની દલીલ હતી કે સાહિત્ય માટેની સંસ્થામાં આવાં ‘ધાર્મિક કાર્યો’ કરવાં ન જોઈએ. પ્રકાશ ન. શાહ પછી એમ કહેવા સુધી પહોંચ્યા હતા કે, તેઓ કાર્યક્રમમાં ‘ચુમાઈને’ સામેલ થયા અને જ્યારે આરતી ઉતારવા માટે પૂછવામાં આવ્યું ત્યારે ‘વિનય જાળવી રાખીને’ પોતે ન જોડાયા.