Monday, July 14, 2025
More
    હોમપેજગુજરાતઅમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એક તરફ શરૂ થયું સેવાકાર્ય, બીજી તરફ વામપંથી...

    અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એક તરફ શરૂ થયું સેવાકાર્ય, બીજી તરફ વામપંથી પત્રકારો શોધી લાવ્યા હિંદુ-મુસ્લિમ: કોઈને RSSના યુનિફોર્મથી પડ્યો વાંધો, કોઈએ ‘સ્પેશિયલ એક્સેસ’ના નામે મચાવી રડારોળ

    સ્વયંસેવકો જો ગણવેશ પહેરીને ન ગયા હોત કે આ રીતે જાહેરાત ન કરી હોત તો કાલે ઉઠીને આ જ જમાતે પ્રશ્નો ઊભા કર્યા હોત કે અમદાવાદમાં આ ઘટના બની ત્યારે RSSના માણસો ક્યાં હતા? કોઈક પત્રકારે આ મુસ્લિમોની તસવીરો પોસ્ટ કરીને કહ્યું હોત કે આ લોકો તો ગ્રાઉન્ડ પર હતા, પણ રાષ્ટ્રવાદની વાતો કરતા RSSના માણસો ન દેખાયા.

    - Advertisement -

    અમદાવાદથી (Ahmedabad) લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં તૂટી પડ્યું (Plane Crash) એ ભયાનક અને આઘાતજનક ઘટના પછી એક તરફ કર્ણાવતીવાસીઓ, સંગઠનો, NGO, સેવાભાવી સંસ્થાઓ રાહત-બચાવકાર્ય માટે પોતાના સ્તરે જેટલું થઈ શકે એ કરીને ખિસકોલી કર્મ કરવા માટે આગળ આવી રહ્યાં છે, બીજી તરફ લિબરલો-સેક્યુલરોની ટોળકીમાંથી અમુકે આમાં પરાણે ‘હિંદુ-મુસ્લિમ’ એન્ગલ ઘૂસાડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને (RSS) આડકતરી રીતે ટાર્ગેટ કરવા માટે બહાનાં શોધી કાઢ્યાં છે. 

    મજાની વાત એક એ પણ છે કે સામાન્ય રીતે આવી કોઈક ભયાનક ઘટના બને ત્યારે જો સોશિયલ મીડિયા પર છૂટીછવાઈ પણ ધાર્મિક એન્ગલ ધરાવતી પોસ્ટ દેખાય તો આ ગેંગ તમામ જમણેરીઓને કે હિંદુવાદીઓને કે ક્યારેક સરકાર અને મોદીને પણ જ્ઞાન આપી દે છે અને આવી ઘટનાઓમાં ‘હિંદુ-મુસ્લિમ’ ન કરવાની સલાહ આપવાનું ચાલુ કરી દેવામાં આવે છે. પરંતુ હવે તેમણે પોતે જ આ કામ શરૂ કર્યું છે તો ‘સબ ચંગા હૈ.’ 

    તુષાર દવે GSTVમાં કામ કરે છે. GSTV ગુજરાત સમાચારની ટીવી ચેનલ છે. દવેએ ફેસબુક પર એક પોસ્ટ કરી, જેમાં સિવિલ હૉસ્પિટલમાં RSS સ્વયંસેવકો સેવા આપતા જોવા મળી રહ્યા છે. તેમણે કૅપ્શનમાં લખ્યું– ‘સિવિલમાં આરએસએસના કાર્યકરોની મોટી ટીમ વ્યવસ્થાપન સહિતના તમામ પ્રકારના સેવાકાર્યો કરતી દેખાય છે.’ (અહીં અમુક વ્યાકરણની ભૂલો છે, પણ કૅપ્શન યથાતથ રાખવામાં આવ્યું છે.’) 

    - Advertisement -

    ત્યારબાદ થોડા કલાકો પછી તેમણે અન્ય એક પોસ્ટ કરી અને લખ્યું, ‘હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. અમદાવાદ સિવિલમાં અહીં એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવા આપી રહ્યા છે (જે મેં આગળની એક પોસ્ટમાં તસવીરો સાથે લખ્યું છે.) તો બીજી તરફ મુસ્લિમ બિરાદરો પણ યથાશક્તિ સેવા આપતા જોવા મળી રહ્યા છે. આફતની આ ઘડીમાં હિન્દુ-મુસ્લિમ સૌ સાથે મળીને લોકોની મદદ કરી રહ્યા છે. હા, આરએસએસના કાર્યકરો યુનિફોર્મમાં જોવા મળે છે. સામાન્ય નાગરિકોને જ્યાં પ્રવેશબંધી છે ત્યાં આમને એન્ટ્રીના એક્સેસ છે. RSSના કેમ્પમાંથી માઈકમાં સતત તમામ સેવાઓની જાહેરાતની સાથોસાથ દર બે મિનિટે એ ઘોષણા પણ થઈ રહી છે કે ‘રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આ સેવા થઈ રહી છે!’

    પોસ્ટ સાથે અમુક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો સિવિલ કેમ્પસમાં જોવા મળે છે. કોઈક પાણી લઈને ઊભેલું જોવા મળે છે, કોઈક તસવીરો ખેંચાવે છે. અમુક ફોન પર વાત કરતા જોવા મળે છે. આમ જોવા જઈએ તો આ પોસ્ટમાં પહેલી નજરે કશુંક વાંધાજનક ન લાગે એ પણ બનવાજોગ છે, કારણ કે પોસ્ટ લખવામાં એ રીતે આવી છે. 

    તુષાર દવેની પોસ્ટ વાંચીએ તો સાર એ નીકળે છે કે સેવા તો સૌ કોઈ કરી રહ્યું છે, પરંતુ RSSના કાર્યકરો પોતે બહુ સેવા કરી રહ્યાનો ખોટો પ્રચાર કરી રહ્યા છે. દલીલ આપવામાં આવી કે RSSના માણસો યુનિફોર્મમાં જોવા મળે છે. તો તેનું કારણ એ છે કે એ સંગઠનનો યુનિફોર્મ છે. કોઈ સંસ્થાનો કોઈ યુનિફોર્મ હોય અને સંસ્થા વતી કશુંક કામ કરવા જઈ રહ્યો હોય તો માણસ શું યુનિફોર્મ ન પહેરે? 

    ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકોને જ્યાં પ્રવેશબંધી છે ત્યાં આમને (આરએસએસના કાર્યકરોને) એન્ટ્રીના એક્સેસ છે. આ પણ પોકળ દલીલો છે. RSSને એટલા માટે પ્રવેશ આપવામાં આવે છે કારણ કે તેઓ ત્યાં એક સેવાભાવી સંગઠન તરીકે જઈ રહ્યા છે. સરખામણી એક સંગઠન અને સામાન્ય નાગરિકો વચ્ચે ન કરી શકાય. કાલે ઉઠીને કોઈ બીજું સંગઠન કે NGO કે ફોર ધેટ મેટર કોઈ મુસ્લિમ સંગઠન પણ સેવાના ઇરાદે પ્રવેશ માંગે તો સરકાર કે સિવિલ શું કામ ના પાડે? સામાન્ય માણસોને પ્રવેશબંધી હોય એ સ્વાભાવિક વાત છે. સામાન્ય માણસોને પણ આવી જગ્યાએ પ્રવેશ આપવામાં આવે તો પરિસ્થિતિ શું સર્જાય? 

    પોસ્ટનું અંતિમ વાક્ય છે કે, ‘RSSના કેમ્પમાંથી માઈકમાં સતત તમામ સેવાઓની જાહેરાતની સાથોસાથ દર બે મિનિટે એ ઘોષણા પણ થઈ રહી છે કે ‘રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આ સેવા થઈ રહી છે!’ આ વાંચીને પણ એક અર્થ એ નીકળે કે RSSના માણસો નકામો પ્રચાર કરી રહ્યા છે.

    એક વખત વાંચીને લાગે કે આની કોઈ જરૂર નથી અને સેવામાં પ્રચાર શેનો હોય? ઘણાને સોશિયલ મીડિયા પર જે RSS સ્વયંસેવકોના ફોટો ફરે છે તેમાં પણ વાંધો પડી શકે. પરંતુ RSSના દૃષ્ટિકોણથી વિચારો તો તેમના સ્વયંસેવકો જો ગણવેશ પહેરીને ન ગયા હોત કે આ રીતે જાહેરાત ન કરી હોત તો કાલે ઉઠીને આ જ જમાતે પ્રશ્નો ઊભા કર્યા હોત કે અમદાવાદમાં આ ઘટના બની ત્યારે RSSના માણસો ક્યાં હતા? કોઈક પત્રકારે આ મુસ્લિમોની તસવીરો પોસ્ટ કરીને કહ્યું હોત કે આ લોકો તો ગ્રાઉન્ડ પર હતા, પણ રાષ્ટ્રવાદની વાતો કરતા RSSના માણસો ન દેખાયા. ઘણી વખત આ બધા માટે પણ ગણવેશ પહેરવા પડે છે કે ઘોષણા કરવી પડે છે. 

    બીજું, અહીં RSSના યુનિફોર્મ પર ભાર આપવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે તુષાર દવેને કઈ રીતે ખબર પડી કે તસવીરમાં દેખાતા માણસો મજહબી ઓળખે મુસ્લિમ છે? એક માર્ગ એ છે કે આ દરેકને જઈને પૂછવું પડે કે તેમનો ધર્મ કે મજહબ શું છે? આ ખરેખર કર્યું હોય તો ઠીક છે, પણ એક આદર્શ પરિસ્થિતિમાં અને ખાસ કરીને આવા સમયે શક્ય નથી. તો બીજો એક સરળ માર્ગ એ છે કે તેમના પહેરવેશ અને માથે ટોપી પરથી જાણી શકાય. તો એ પણ એક ઓળખ રજૂ કરતી બાબત થઈ. છતાં અહીં એવી દલીલ આપી શકાય કે તેઓ ટોપી પહેરીને કેમ આવ્યા હતા? ન આપી શકાય. કારણ કે અગત્યનું એ છે કે RSS સ્વયંસેવક હોય કે બીજો કોઈ માણસ, એ સેવા કરી રહ્યો છે. શું પહેરીને આવ્યો છે ને જાહેરાત કરે છે કે નહીં એ નહીં. 

    અન્ય એક શખ્સ છે સાગર પટેલ. પોતાને પત્રકાર ગણાવે છે. BBCમાં કામ કરી ચૂક્યા હોવાનું ફેસબુક પ્રોફાઈલ પર લખવામાં આવ્યું છે. તેમણે એક પોસ્ટ કરી છે. જેમાં RSSના સ્વયંસેવકો યુનિફોર્મમાં જોવા મળે છે. 

    કૅપ્શનમાં લખવામાં આવ્યું છે– ‘SDRF, ગુજરાત પોલીસ, સિવિલ સ્ટાફ બધા હાજર છે અને ઘણા લોકોને સેવા પણ કરવી છે, પરંતુ એ યુનિફોર્મમાં નથી. આમને જ સ્પેશિયલ પરવાનગી છે!’

    અહીં પણ યુનિફોર્મ પર વાંધો પડ્યો. આ જ તર્ક સાથે જઈએ તો આ ભાઈને ઉપર ઉલ્લેખ કર્યો તેમના સહિત એ દરેક સાથે વાંધો હોવો જોઈએ જેમની ઓળખ ગમે તે રીતે છતી થાય છે. પરંતુ વાંધો માત્ર RSS સાથે પડે એ સ્વાભાવિક છે. 

    આ જ પોસ્ટમાં ચિરાગ વાળાએ સામાન્ય ભાષામાં તર્ક આપીને આ વાહિયાત દલીલનો તોડ આપ્યો છે. તેઓ શું લખે છે, વાંચો– ‘પત્રકાર થઈને પણ અનુશાસન એ શિસ્તની બેઝિક સમજ નથી? એક સરખો યુનિફોર્મ એટલે વિના ઘર્ષણ કોઈ પણ પ્રકારના અવરોધ વગર સતત એક ચિત્તે સેવાકાર્યમાં લાગેલા રહી શકવું. કારણ કે જ્યારે આવી કોઈ મોટી હોનારત બને ત્યારે એજન્સીઓ પાસે કોઈ અડચણ બની રહ્યું છે અને કોણ સેવા કરી રહ્યું છે એ જોવા, જાણવા કે તપાસવા માટે સમય ન હોય. બાકી, સમસ્યા યુનિફોર્મથી નથી પરંતુ RSSથી ચોક્કસ છે એ સ્પષ્ટ સમજાય છે, પોસ્ટ જોઈને.’

    શોધવા જશો તો આવી અનેક પોસ્ટ જોવા મળશે. સાર એ જ નીકળે છે કે RSS સેવા કરીને પ્રચાર વધારે કરે છે, પરંતુ સેવા તો મુસ્લિમો પણ કરી રહ્યા છે. મૂળ વાત એ છે કે કોઈએ પ્રશ્ન ઉઠાવ્યા જ નથી અને એ પૂછ્યું જ નથી કે કોણ સેવા કરી રહ્યું છે અને કોણ નથી કરી રહ્યું. RSS કે તેમના સમર્થકોએ પણ ક્યારેય કહ્યું નથી કે સેવા માત્ર તેઓ જ કરી રહ્યા છે, બીજું ક્યારેય તેમણે સેવાકાર્યોમાં ભેદભાવ પણ નથી રાખ્યો અને સંઘની આ વિશેષતા આજથી જ નહીં પણ દાયકાઓથી છે. તેમ છતાં અન્ય દિવસોમાં જે આપણને હિંદુ-મુસ્લિમ ન કરવાની સલાહ આપે છે, (જ્યારે ઘટનાઓ એવી હોય કે તેમાં મઝહબી એન્ગલ જ મુખ્યસ્થાને હોય છે, તેમ છતાં) તેઓ અત્યારે પરાણે આ એન્ગલ ઘૂસાડવાના પ્રયાસ કરી રહ્યા છે અને પોતાને જ એક્સપોઝ કરી રહ્યા છે. સારું છે, સોશિયલ મીડિયાના જમાનામાં હવે કશું છૂપું રહી શકતું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં