કોઈપણ કારણોસર, કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે થતી દુર્ઘટના હંમેશા દુઃખદ જ હોય છે. અમદાવાદની પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ઘટના પણ તે પૈકીની એક છે. ચોતરફ બસ અફરાતફરી હતી અને હૈયામાં દુઃખની જ્વાળા. એરપોર્ટથી લઈને દેશના ખૂણેખૂણા સુધી દિવંગત યાત્રીઓના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ હતી. આવા આફતના સમાચારો વચ્ચે પણ ઘણા સકારાત્મક સમાચારો માણસોના હૈયાને સાંત્વના આપવા પૂરતા હતા. હજારોની મરણચીસો વચ્ચે પણ એક બુલંદ અવાજ હતો સેવાનો.
પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા અને દેશ આખો કંપી ઉઠ્યો. સરકારી મશીનરીઓ કામે વળગી ગઈ અને લોકોને રેસ્ક્યુ કરવાનું ઑપરેશન શરૂ થઈ ગયું. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુ કામગીરીમાં મદદ માટે આગળ આવ્યા હતા. તેવામાં સમાચાર સામે આવ્યા કે, ઇજાગ્રસ્ત લોકો માટે રક્તની જરૂર છે. ઘણા NGOએ લોકોને રકતદાન (Blood Donation) કરવાની અપીલ કરી. તે પછીના દ્રશ્યો ગુજરાતીઓની ખુમારી સાબિત કરવા માટે પૂરતા હતા. રકતદાન માટેનો એક અવાજ અને અમદાવાદીઓ બધા કામ પડતાં મૂકીને પહોંચી ગયા કેમ્પમાં. સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટો અને વિડીયો પણ સામે આવ્યા છે.
ઇજાગ્રસ્તોને બચાવવા લાગી લાંબી કતારો, NGOએ કહ્યું- દેખાયો અમદાવાદીઓનો સેવાભાવ
અમદાવાદના તે દ્રશ્યો ઘણાના કેમેરામાં કેદ પણ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, બ્લડ ડોનેશનની જાહેરાત બાદ લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચી ગયા હતા અને રકતદાન કરવા આગળ આવ્યા હતા. બધા કેમ્પની બહાર લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. લોકો સ્વયંભૂ ઇજાગ્રસ્તોના જીવ બચાવવા માટે મેદાનમાં ઉતરી આવ્યા હતા. બધા જ કામ પડતાં મૂકીને રકતદાન કરવા આવી પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે, માત્ર ગણતરીના કલાકોમાં જ અમદાવાદીએ એટલું રક્ત આપ્યું કે, સિવિલ બ્લડ બેન્કના ડૉ. સંગીતાએ એવું કહેવું પડ્યું કે, બ્લડની જરૂર કરતાં પણ વધુ રક્તદાતા યુવાનો તૈયાર ઊભા છે.
સોશિયલ મીડિયા પર અનેક તસવીરો પણ સામે આવી હતી. જેમાં લોકો રકતદાન કરવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ‘સહાય ફાઉન્ડેશન’ના ફાઉન્ડર ઝીલ શાહે કહ્યું છે કે, “આપણા શહેરમાં કાલે જે પણ બન્યું તે ખૂબ જ હૃદયદ્રાવક હતું. આ દુઃખદ ઘટનાના સમાચાર જેમ-જેમ બહાર આવવા માંડ્યા તેમ-તેમ હંમેશની જેમ અમદાવાદીઓનો સેવાભાવ સામે આવવા માંડ્યો. અમારા સહાય ફાઉન્ડેશન અને તેના જેવા અન્ય અનેક NGOsએ જેમ-જેમ સોશિયલ મીડિયા પર બ્લડ ડોનેશન માટેની પોસ્ટ્સ મૂકી, એવી તરત જ અમદાવાદીઓને તેને ઝીલી લીધી હતી.”
Power of social media and youth 🙏✨💪🏻 pic.twitter.com/MWJhfngMHq
— Zeal Shah 🇮🇳 (@zeal1992) June 13, 2025
તેમણે વધુમાં કહ્યું કે, “અમારા NGOના કાર્યકર્તાઓ રેડક્રોસ પહોચ્યા અને ત્યાં સેવાભાવી અમદાવાદીઓનું ટોળું પહોંચવા માંડ્યું હતું. પહેલા 2 કલાકમાં જ લગભગ 300 લોકોએ અમારો સંપર્ક કર્યો હતો અને અહીં આવી પહોચ્યા હતા. રેડક્રોસમાં સ્ટાફ ઓછો પડતા સાગર અને પાર્થિલ સહિતના અમારા કાર્યકર્તાઓએ તેમને કામમાં પણ મદદ કરી અને જોતજોતામાં સાંજ સુધીમાં અહીં અમે 900થી વધુ યુનિટ બ્લડ જમા કરાવી દીધું હતું. આ જ સ્થિતિ અન્ય દરેક લેબ અને બ્લડ બેંકની હતી.”
વધુમાં તેમણે ઉમેર્યું કે, “લોકો હંમેશા ‘સ્પિરિટ ઑફ મુંબઈ’ની વાત કરતા હોય છે, પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોથી આ વિષયમાં કામ કરીએ છીએ એટલે જાણીએ છીએ કે ‘સ્પિરિટ ઑફ અમદાવાદ’ પણ એટલી જ મજબૂત છે.” માહિતી અનુસાર, સિવિલ હૉસ્પિટલમાં 600 યુનિટ બ્લડ હતું, જે બાદ રેસ ક્રોસ તરફથી 500 યુનિટ મોકલવામાં આવ્યું હતું. વધુમાં માત્ર 2 કલાકમાં જ 350 લોકો સિવિલ હૉસ્પિટલમાં રકતદાન કરવા માટે પહોંચ્યા હતા. કલાકોની રાહ જોયા બાદ તેમણે રકતદાન કર્યું હતું.
RSSના કાર્યકર્તાઓ 24 કલાક રહ્યા ખડેપગે
આ દુઃખદ ઘટનામાં બીજા એક સારા સમાચાર એ હતા કે, RSSના સ્વયંસેવકો 24 કલાક ખડેપગે રહીને સેવાયજ્ઞની અખંડ ધૂણી ધખાવીને બેઠા હતા. અમદાવાદના એક RSS પદાધિકારીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, પ્લેન ક્રેશની ઘટના સામે આવ્યા બાદ જ સંઘના સ્વયંસેવકો સેવા માટે આવી પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, બે તબક્કામાં RSSના સ્વયંસેવકો દ્વારા સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, પ્રત્યક્ષ રીતે 176 સ્વયંસેવકોએ સેવાયજ્ઞ કર્યો હતો. તે સિવાય 250થી વધુ સ્વયંસેવકો પણ ખડેપગે રહ્યા હતા.
RSS volunteers are providing relief material and assistance to plane crash victims at Civil Hospital in Karnavati. #AhmedabadPlaneCrash pic.twitter.com/EEko2CZASW
— Friends of RSS (@friendsofrss) June 12, 2025
RSSના સ્વયંસેવકોએ કરેલા સેવાકાર્યોની વાત કરીએ તો ક્રેશ સાઇટ પરથી લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે સિવાય ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી પણ સ્વયંસેવકોએ પોતાના માથે લઈ લીધી હતી. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમમાં ડૉક્ટરો અને પીડિત પરિવારજનોની સેવા કરવામાં આવી હતી. વધુમાં DNA સેમ્પલ એકઠા કરવામાં મદદ કરવામાં આવી હતી.
તે સિવાય બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, સંઘના સ્વયંસેવકોએ પીડિત પરિવારો માટે ચા-પાણી અને 2000થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. RSSના પદાધિકારીએ જણાવ્યું છે કે, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સહયોગ દ્વારા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ સાથે રહીને પણ સેવા આપવામાં આવી હતી.
RSS સિવાય અનંત અંબાણીના વનતારા તરફથી પણ ત્વરિત સહાય શરૂ કરી દેવામાં આવી હતી. વનતારાએ ઘટના સામે આવ્યા બાદ તરત જ સહાય મોકલી આપી હતી અને સાથે ડૉક્ટરોની ટીમને પણ અમદાવાદ માટે રવાના કરી દેવામાં આવી હતી. વધુમાં વનતારાની એમ્બ્યુલન્સ સેવા પણ અમદાવાદ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે ઇજાગ્રસ્ત થયેલા પશુ-પક્ષીઓને બચાવવા માટેની કામગીરી પણ કરવામાં આવી હતી.