ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) તાજેતરમાં એક જમીન વિવાદ મામલે પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણની (Yusuf Pathan) અરજી ફગાવી દીધી. જસ્ટિસ મૌના ભટ્ટની સિંગલ બેન્ચે આપેલા ચુકાદામાં પઠાણની અરજી ફગાવીને તેમને સરકારી જમીન પર ‘દબાણ કરનારા’ (એન્ક્રોચર) તરીકે જાહેર કર્યા છે. ઑપઇન્ડિયા પાસે કોર્ટ ઓર્ડરની નકલ ઉપલબ્ધ છે.
મામલો એવો છે કે વડોદરા મહાનગરપાલિકાએ યુસુફ પઠાણને સરકારી જમીન પર અતિક્રમણ કરવા મામલે નોટિસ મોકલી હતી. ત્યારબાદ પઠાણે કોર્પોરેશનની નોટિસ અને રાજ્ય સરકારના આદેશને પડકાર આપવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. લાંબી સુનાવણી બાદ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુસુફ પઠાણનો સરકારી જમીન પરનો કબજો ગેરકાયદેસર દબાણ છે, જેને કોઈપણ ભોગે કાયદેસર ઠેરવી શકાય એમ નથી.
શું છે કેસ?
આ સમગ્ર કેસનું મૂળ વર્ષ 2012માં છે. યુસુફ પઠાણે પોતાના બંગલાની બાજુના પ્લોટને (978 વર્ગ મીટર, 90 નંબરનો પ્લોટ) 99 વર્ષની લીઝ પર લેવા માટે VMCને અરજી આપી હતી. વડોદરા મ્યુનિસપલ કમિશનરે અરજી સ્વીકારી હતી અને VMCની સ્ટેન્ડિંગ કમિટીએ પણ 30 માર્ચ, 2012ના રોજ તેનો સ્વીકાર કર્યો હતો. તે સિવાય 8 જૂન, 2012ના રોજ VMCની જનરલ બોડીએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ જમીન જાહેર હરાજી વિના આપવાની હોવાથી આ દરખાસ્ત ગુજરાત સરકારને મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કરી હતી, તેમ છતાં આરોપ છે કે યુસુફ પઠાણે જમીન પર કબજો મેળવી લીધો હતો.
જોકે, VMCએ તાત્કાલિક કોઈ કાર્યવાહી નહોતી કરી. 2024માં મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. જેને લઈને ભારે વિરોધ પણ થવા લાગ્યો હતો અને રાજકારણ પણ ગરમાયું હતું. સ્થિતિને જોતાં VMCએ પઠાણને નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ યુસુફ પઠાણે નોટિસ અને સરકારના દરખાસ્ત નામંજૂર કરવાના આદેશ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
યુસફ પઠાણની દલીલો
હાઇકોર્ટમાં યુસુફ પઠાણ વતી વકીલ યતીન ઓઝાએ દલીલો કરી હતી. તેમણે કહ્યું હતું કે, મ્યુનિસપલ કોર્પોરેશન એક સ્વતંત્ર સંસ્થા છે અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949ની કલમ હેઠળ કોર્પોરેશન કમિશનરને મિલકત લીઝ પર આપવાનો સંપૂર્ણ અધિકાર છે. આ કલમ હેઠળ રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી નથી. વકીલે બંધારણના 74મા સુધારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સંસ્થાઓ સ્વતંત્ર સરકાર છે, જેમાં રાજ્ય સરકારની દખલગીરી બંધારણીય રીતે અયોગ્ય છે.
જોકે, કોર્ટે વકીલને એ સવાલ પણ કર્યો હતો કે જે સમયે કોર્પોરેશને રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી તે સમયે યુસુફ પઠાણે વાંધો કેમ ન ઉઠાવ્યો? જેના જવાબમાં વકીલે એવી દલીલ કરી હતી કે, તે સમયે બધું સકારાત્મક હતું, તેથી વાંધો નહોતો ઉઠાવવામાં આવ્યો. વધુમાં કહ્યું કે જો કોઈ પરવાનગી જરૂરી જ નથી તો તે કાર્યવાહીને કોઈપણ સમયે પડકારી શકાય છે. જે બાદ તેમણે સુપ્રીમ કોર્ટના ઘણા આદેશોનો હવાલો પણ આપ્યો હતો.
તેમણે એવી દલીલ પણ કરી હતી કે, યુસુફ પઠાણ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને સાંસદ છે, તેમણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેઓ જમીનની વર્તમાન બજાર કિંમત ચૂકવવા તૈયાર છે. તેમનું કહેવું હતું કે, કોર્પોરેશને 12 વર્ષ સુધી કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો, તેથી તેમનો કબજો કાયદેસર ગણવો જોઈએ. આ ઉપરાંત, પઠાણે કહ્યું હતું કે આ મામલો તેમના અને તેમના પરિવારની સુરક્ષા સાથે સંબંધિત છે. કારણ કે વિવાદિત પ્લોટ તેમના બંગલાની બાજુમાં જ છે.
શું કહ્યું સરકારે?
મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર વતી વકીલ મૌલિક નાણાવટીએ યુસુફ પઠાણની દલીલોનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિને કોર્પોરેશન કે સરકારી જમીન પર કબજો કરવાનો અધિકાર નથી. જમીન જાહેર હરાજી વિના આપવાની હતી, તેથી રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત હતી અને આ જ આધાર પર રાજ્ય સરકારે 2014માં આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે દરખાસ્ત નામંજૂર કરી હોવા છતાં પઠાણે પ્લોટ પર બાઉન્ડ્રી વૉલ બનાવીને કબજો કરી લીધો છે, જ્યારે તેમના પક્ષે તો કોઈ ઔપચારિક આદેશ ક્યારેય પસાર જ નથી થયો. સરકારે કહ્યું કે, આ સ્પષ્ટ અતિક્રમણનો કેસ છે. તેમણે એ દલીલ પણ કરી કે, પઠાણે હમણાં સુધીમાં કોર્પોરેશનને એક રૂપિયો પણ ચૂકવ્યો નથી અને હવે તેવું કહેવું કે તેઓ બજાર મૂલ્ય ચૂકવશે, તે કાયદાની વિરુદ્ધની બાબતો છે.
કોર્પોરેશને એમ પણ કહ્યું કે, યુસુફ પઠાણની સુરક્ષાની દલીલો પાયાવિહોણી છે. તેમણે ન તો રાજ્ય પાસે સુરક્ષાની માંગણી કરી અને ન તો કોઈ જોખમનો પુરાવો આપ્યો. ઊલટું, એક સાંસદ અને પ્રસિદ્ધ ક્રિકેટર હોવાના કારણે તેમની પાસે કાયદાનું પાલન કરવાની વધુ અપેક્ષા રાખવામાં આવે છે. કોર્પોરેશને કોર્ટને કહ્યું હતું કે, જો પઠાણને ખરેખર જમીન જોઈતી હોય તો તેઓ જાહેર હરાજીમાં ભાગ લે, જેવું દરેક નાગરિકો કરતા આવ્યા છે.
‘યુસુફ પઠાણે ગેરકાયદે કબજો કર્યો છે’- હાઇકોર્ટ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ મૌના ભટ્ટે આદેશમાં જણાવ્યું કે, 9 જૂન, 2014ના રોજ રાજ્ય સરકારે આ જમીન ફાળવણીના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. આ નિર્ણય બાદ યુસુફ પઠાણ પાસે કોઈ કાયદેસર અધિકાર બચ્યો નહોતો. તેમ છતાં તેમણે પ્લોટ પર કબજો કર્યો, જે ગેરકાયદેસર અતિક્રમણ દર્શાવે છે. કોર્ટે એવું પણ કહ્યું કે, લાંબા સમય સુધી કબજો જાળવી રાખવાથી કોઈને જમીન પર અધિકાર નથી મળી જતો.
તે સિવાય વર્તમાન બજાર મૂલ્ય આપવાની યુસુફ પઠાણની દલીલો પણ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે તેનાથી ગેરકાયદે કબજાને નિયમિત કરવા જેવી સ્થિતિ સર્જાશે, જે બંધારણની કલમ 226 હેઠળની અરજીમાં શક્ય નથી. કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, યુસુફ પઠાણ જેવા સેલિબ્રિટી અને સાંસદ સમાજના રોલ મોડેલ જેવું કામ કરે છે. તેમની પાસે સામાન્ય નાગરિકો કરતાં પણ વધુ કાયદાનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. સેલિબ્રિટીઓને કાયદો તોડયા બાદ પણ વિશેષ સુવિધા આપવામાં આવે તો સમાજને ખોટો સંદેશ પહોંચશે અને ન્યાયપાલિકાની વિશ્વસનીયતા પણ જોખમાશે.
કોર્ટે એ પણ નોંધ્યું છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને 2014માં રાજ્ય સરકારે દરખાસ્ત નામંજૂર કર્યા બાદ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આ બેદરકારીના કારણે જ યુસુફ પઠાણ લાંબા સમય સુધી જમીન પર કબજો જમાવી બેઠા હતા. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ બેદરકારી યુસુફ પઠાણના પક્ષને મજબૂત કરી શકે તેમ નથી.
આખરે કોર્ટે અંતિમ ચુકાદો આપતાં અરજી ફગાવી દીધી હતી. કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે યુસુફ પઠાણનો કબજો ગેરકાયદેસર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે કાયદા મુજબ સખત કાર્યવાહી કરે અને અતિક્રમણ હટાવે. કોર્ટે કોર્પોરેશનના વિલંબને ધ્યાને લઈને યુસુફ પઠાણ પર ખર્ચ (કોસ્ટ) નથી લગાવ્યો, પરંતુ તે પણ સ્પષ્ટ કર્યું કે ગેરકાયદેસર કબજાને કોઈપણ ભોગે કાયદેસર ઠેરવી શકાશે નહીં.


