પશ્ચિમ બંગાળના મિદનાપુર સ્થિત વિદ્યાસાગર યુનિવર્સિટીની (Vidyasagar University) એક પરીક્ષાના પ્રશ્નમાં સ્વતંત્રતા સેનાનીઓને ‘આતંકવાદી’ ગણાવી દેતાં વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીએ આ મામલે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ યુનિવર્સિટી પ્રશાસને ‘પ્રિન્ટિંગ મિસ્ટેક’ હોવાનું કહીને હરકતને અજાણતાંમાં થયેલી ભૂલ ગણાવી હતી.
ઇતિહાસના પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘મિદનાપુરના ત્રણ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનાં નામ જણાવો, જેમની આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી. વિકલ્પોમાં બિમલ દાસગુપ્તા, જ્યોતિ ઘોષ, પ્રદ્યોત ભટ્ટાચાર્ય અને પ્રબંશુ પાલનાં નામ લખવામાં આવ્યાં હતાં. વાસ્તવમાં આ જેમને આતંકવાદીઓ ગણાવવામાં આવ્યા તેઓ ક્રાંતિવીરો હતા.
ભારતીય જનતા પાર્ટીના બંગાળ એકમે એક્સ પર આ પ્રશ્નપત્રનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ‘હવે બંગાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ આતંકવાદીઓ કહેવાશે!’ આગળ જાણકારી આપીને કહેવામાં આવ્યું કે વિદ્યાસાગર યુનિવર્સિટીની હિસ્ટ્રી ઓનર્સની પરીક્ષામાં ભારતીય ક્રાંતિવીરોને ‘આતંકવાદી’ ગણાવતો શરમજનક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
Freedom Fighters are now Terrorists in West Bengal!!!
— BJP West Bengal (@BJP4Bengal) July 10, 2025
In Vidyasagar University History Honours (6th semester, Paper C14 – Modern Nationalism in India) exam included a shameful question branding legendary Indian revolutionaries as “terrorists.”
The question asks:
“Name three… pic.twitter.com/LlCcesjBVQ
ભાજપે કહ્યું કે, “બંગાળ એક સમયે જ્ઞાન અને રાષ્ટ્રવાદનું કેન્દ્ર કહેવામાં આવતું હતું પરંતુ આજે મમતા બેનર્જી સરકારના શાસન હેઠળ આ જ ભારતીય રાષ્ટ્રવાદના વિચારને બદનામ કરવામાં આવી રહ્યો છે, સ્વતંત્રતા સેનાનીઓની સરખામણી ગુનેગારો સાથે કરવામાં આવી રહી છે. યુવાઓના મગજમાં ઝેર ભરવા માટે ઇતિહાસ જાણીજોઈને બદલવામાં આવી રહ્યો છે.”
ભારતીય જનતા પાર્ટીએ આ મામલે શિક્ષણ મંત્રીને પણ ફરિયાદ કરી અને આ પ્રશ્નપત્ર કાઢનાર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી. બીજી તરફ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાંતિવીરોના અપમાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને કાર્યવાહીની માંગ કરી.
જોકે વિદ્યાસાગર યુનિવર્સિટીએ સમગ્ર મામલે ‘પ્રિન્ટિંગ મિસ્ટેક’નું બહાનું કાઢીને વાતનો વીંટો વાળી દીધો હતો.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જેકે નંદીએ ભૂલ સ્વીકારીને કહ્યું કે એ ‘ટાઇપિંગ મિસ્ટેક’ હતી. તેમણે કહ્યું કે, આ પ્રશ્ન ફાઇનલ પેપરમાં કઈ રીતે લેવામાં આવ્યો તે બાબતની તપાસ કરવા માટે એક આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ મામલે વાઇસ ચાન્સેલરે તપાસ કરીને એક સપ્તાહમાં રિપોર્ટ જમા કરાવવા માટે સૂચના આપી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
પછીથી વાઇસ ચાન્સેલરે પણ મીડિયામાં એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રિપોર્ટ પરથી અમને જાણવા મળ્યું કે ભૂલ મોડરેશન દરમિયાન થઈ હતી, જે બિનઇરાદાપૂર્વકની હતી અને પ્રૂફરીડિંગ દરમિયાન ધ્યાને આવી ન હતી. યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર સેટ કરનાર શિક્ષકને બદલી નાખ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.


