તાજેતરમાં જ દિલ્હી પોલીસે (Delhi Police) ચલાવેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi intruders) વિરુદ્ધનું અભિયાન ચલાવતા એક ચોંકાવનારો ખુલાસો થયો. અહીં પોલીસને કિન્નર (Transgender) બનીને ગેરકાયદેસર રહી રહેલા બાંગ્લાદેશી વિશે માહિતી મળી. તપાસમાં ખબર પડી કે આ બાંગ્લાદેશી કિન્નર ઘુસણખોર 10 વર્ષથી ભારતમાં રહે છે અને તેના જેવા સેંકડો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સીમાને અડીને આવેલા દક્ષિણ દિનાજપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
દિલ્હીની વાત કરીએ તો અહીં પોલીસને માહિતી મળી હતી કે કેટલાક કિન્નરો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. મામલાની તપાસ કરતા એમેં ખાન પોલીસના હાથે ઝડપાયો હતો. ઝડપાયા બાદ પોલીસે તેની પાસે ભારતીયતા અંગેના પુરાવા માંગતા તે આપી શક્યો નહોતો અને અંતે તેણે કબુલ્યું હતું કે તે બાંગ્લાદેશના ઢાકા પાસેના એક ગામનો છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી રહ્યો છે.
બાંગ્લાદેશી કિન્નરો સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય
બીજી તરફ ભારતીય જાસુસી એજન્સીઓને પણ ઈનપુટ મળ્યા હતા કે બાંગ્લાદેશ દ્વારા કિન્નરોના વેશમાં જાસૂસો મોકલવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળથી સામે આવ્યો હતો. અહીં, દિનાજપુર જિલ્લામાંથી સુરક્ષા એજન્સીએ અલીમ મહોમ્મદ નામના બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. અલીમ પણ કિન્નરના વેશમાં અહીં રહી રહ્યો હતો અને તેણે હિંદુ નામ બિજલી મંડલ ધારણ કરી રાખ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને તે દિશામાં કાર્યવાહી કરી રહી છે.
આ બંને ઘટનાઓ ઉપરાંત દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ 100થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર કિન્નરના રૂપે રહેતા આ બાંગ્લાદેશીઓ રેડ લાઈટ એરિયામાં રહીને અલગ-અલગ વિસ્તારમાં ફરી ગોપનીય માહિતી એકઠી કરતા હોવાનું સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું છે. જોકે આ મામલે હજુ સંપૂર્ણ પગેરુ નથી મળી શક્યું. હાલ જે ઝડપાયા છે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને તેમને પાછા બાંગ્લાદેશ ડી-પોર્ટ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બંગાળની સીમા પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
બીજી તરફ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતા રાજ્યો, તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. અહીં, બાંગ્લાદેશી ગતિવિધિ વધી રહી છે. ખાસ કરીને બાંગ્લાદેશી કિન્નર ઘુસણખોર અહીં વધુ ઝડપાઈ રહ્યા છે. અહીંની બોર્ડર ઓપન છે, ત્યાં કોઈ પણ પ્રકારનું ફેન્સીંગ નથી અને આ જ કારણે અહીંથી ઘૂસણખોરી વધુ થઈ રહી છે. બીજી તરફ ફેન્સીંગ કરવાના કામનો બાંગ્લાદેશી સરહદીય સુરક્ષા બળ BGB સતત વિરોધ કરી રહ્યું છે. વૈષ્ણવનગર, કૂચબિહાર જેવા વિસ્તારોમાં ફેન્સીંગ કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હાલ બાંગ્લાદેશની નવી મોડસ ઓપરેન્ડીને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. સતત તપાસ અને દરોડા પાડીને દેશના ખૂણે-ખૂણેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ અનેક ઠેકાણેથી બાંગ્લાદેશીઓ ઝડપાઈ રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદના દાણીલીમડા અને ચંડોળા તળાવ ખાતેથી સેંકડો બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.