મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Indore) મુસ્લિમ યુવકોને પૈસા આપીને હિંદુ છોકરીઓને લવ જેહાદમાં (Love Jihad) ફસાવવા માટેનું રેકેટ બહાર આવ્યા બાદ કોંગ્રેસ નેતા અનવર કાદરીનું નામ હાલ ચર્ચામાં છે. ઇન્દોરના કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરી પર 19 જેટલા ક્રિમિનલ કેસ નોધાયેલા છે. જેમાંથી મોટાભાગના મારામારી, ખંડણી, ચોરી, જમીન હડપી લેવી અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા જેવા ગંભીર ગુનાઓ છે.
કોંગ્રેસ નેતા અનવર કાદરીની ક્રાઈમ કુંડળી પર નજર કરીએ તો મળતા અહેવાલો અનુસાર, વર્ષ 2009માં ઇન્દોરના આઝાદ નગર સર્કલ પાસે અનવરે હુસૈન નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પીડિત વ્યક્તિ કોઈ કેસમાં સાક્ષી હતો. આ ઉપરાંત વર્ષ 2011માં કાદરી, તેનો ભાઈ અને અન્ય એક આરોપી એક જીવલેણ હુમલાના ગુનામાં એક-એક વર્ષની કેદની સજા ભોગવી ચૂક્યા છે.
વર્ષ 1996માં કાદરી ઉપર ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશનમાં ‘ડકૈતી’નો (ચોરી) ગુનો નોધવામાં આવ્યો હતો. ત્યારબાદ કાદરી સાથે ‘ડકૈત’ શબ્દ જોડાઈ ગયો હતો, અને ત્યારબાદ તે ‘અનવર ડકૈત’ના નામે ઓળખાવા લાગ્યો હતો.
અનવર કાદરી ત્યારે પણ ચર્ચામાં આવ્યો જ્યારે તારીખ 28 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહેલગામ હુમલાના વિરોધ વખતે તેણે ‘પાકિસ્તાન જિંદાબાદ’ જેવા રાષ્ટ્રવિરોધી નારા લગાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયાં હતાં. વર્ષ 2024માં અનવર કાદરીએ સ્થાનિક પત્રકાર જાવેદ ખાનના ઘરમાં બંદુક સાથે બળજબરીપૂર્વક ઘૂસી તેની સાથે મારપીટ કરી હતી અને તેના પરિવારજનોને પણ ધમકાવ્યા હતા.
ઉપરાંત, કાદરી પર આરોપ એ પણ છે કે વર્ષ 2022માં તેણે નગર નિગમની ચૂંટણીમાં મતદારોને મારી-ધમકાવીને બોગસ વૉટિંગ કરાવ્યું હતું. ત્યાં હાજર સરકારી અધિકારીઓ પર દબાણ કરીને મારી નાખવાની ધમકી આપવાનો પણ તેની ઉપર આરોપ લાગ્યો હતો.
‘અનવર ડકૈત’ તરીકે કુખ્યાત કોંગ્રેસ નેતા અનવર કાદરી હાલ ‘લવ જેહાદ’ મામલે તેના આખા પરિવાર સાથે ફરાર છે. તેના પર આરોપ છે કે તે ઇન્દોરમાં મુસ્લિમ યુવકોને હિંદુ યુવતીઓને લવ જેહાદમાં ફસાવવા માટે પૈસા આપતો હતો. પોલીસ આરોપી અનવરને પકડવા માટે તેનાં અલગ-અલગ ઠેકાણાં પર શોધખોળ કરી રહી છે. જોકે અત્યાર સુધી તે પોલીસ પકડમાં આવ્યો નથી. પોલીસે અનવર કાદરીના માથે 10 હજારનું ઇનામ પણ રાખ્યું છે.
આ મામલે મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ નેતા અનવર કાદરી પર સિમી (Students Islamic Movement of India) સાથે સંબંધ હોવાનો ગંભીર દાવો કર્યો છે. કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, આરોપી કાદરીએ ઘણા લોકોની જમીનો અને મકાનો પર બળજબરીપૂર્વક કબજો કરી રાખ્યો છે. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનવર કાદરી જેવા આરોપીઓને કોઈપણ ભોગે છોડવામાં નહિ આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ સાથે ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પણ જણાવ્યું હતું કે, તેઓએ ડિવિઝનલ કમિશનરને કોંગ્રેસ નેતા અનવર કાદરીની કાઉન્સિલરશીપ રદ કરવાની માંગ કરતો પત્ર લખ્યો છે. ટૂંક સમયમાં જ તેની કાઉન્સિલરશીપ રદ કરવામાં આવશે.
પૈસા આપીને ‘લવ જેહાદ’ કરાવવાનો મામલો સામે આવ્યા બાદ ઇન્દોરમાં ઘણી જગ્યાએ કોંગ્રસ નેતા અનવર કાદરી સામે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. શહેરમાં આવેલા રાજવાડામાં કરણી સેનાના કાર્યકરોએ અનવર કાદરીનું પુતળું સળગાવીને વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરતી કરણી સેનાએ આરોપ લગાવ્યા છે કે, કોંગ્રેસ નેતા અનવર કાદરી ‘લવ જેહાદ’ને ફંડ કરે છે અને ત્યાંના સ્થાનિક હિંદુ પરિવારોને ધમકાવીને ખંડણી માંગે છે.