Friday, April 12, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટUKમાં ભારતીય હાઈકમિશન પર ફેંક્યા હતા ઈંડા-પથ્થર, હવે ભારતીય વિઝા મેળવવા માટે...

  UKમાં ભારતીય હાઈકમિશન પર ફેંક્યા હતા ઈંડા-પથ્થર, હવે ભારતીય વિઝા મેળવવા માટે સરકારને આજીજી કરી રહ્યો છે શખ્સ: કહ્યું- મારી ભૂલ થઇ ગઈ, હવે આવું નહીં કરું

  પત્રમાં અંકિત લવે કહ્યું કે તે દેશને ખૂબ ચાહે છે અને ગર્વ અનુભવે છે અને હવે દેશ વિરુદ્ધ આવું કોઈ કૃત્ય નહીં કરે.

  - Advertisement -

  જમ્મુ-કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટી (JKNPP)ના સ્થાપક ભીમ સિંહના પુત્ર અંકિત લવ, જે બ્રિટનમાં રહે છે તેણે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર પથ્થરમારો અને ઈંડા ફેંકવા બદલ બિનશરતી માફી માગી છે. અંકિત લવે પોતાના કૃત્ય બદલ માફી માગીને પોતાની માનો ચહેરો છેલ્લી વખત જોવા માટે આજીજી કરી હતી. અંકિત પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે ભારત આવવા માગે છે, પરંતુ તેને ભારતીય વિઝા નથી મળી રહ્યા. અંકિતને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2021માં લંડનના ભારતીય હાઈ કમિશનમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં તેણે ભાગ લીધો હતો એટલે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે.

  અંકિત લવે લંડનથી ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, “હું મારી માનો ચહેરો જોવા માગું છું અને તેને છેલ્લી વખત ભેટવા માગું છું.” અંકિતે કહ્યું કે, “મારી માતા યુપીના મેરઠના એક ગૌડ બ્રાહ્મણ હતા અને તેમને પૂરો અધિકાર છે કે હિંદુ ધાર્મિક વિધિ મુજબ સભ્ય અને સન્માનજનક રીતે તેમના અંતિમ સંસ્કાર થાય. હું, તેમનો એકમાત્ર દીકરો હોવાના નાતે ઉધમપુરમાં પવિત્ર દેવક નદીના કિનારે તેમનો કર્મકાંડ કરવા માગું છું, જે તેમની અંતિમ ઈચ્છા હતી.”

  અંકિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 મેએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “હું બ્રિટનનો નિવાસી, દિવંગત પ્રોફેસર ભીમ સિંહ અને દિવંગત એડવોકેટ જય માલાનો પુત્ર અંકિત લવ, યુકેમાં ભારતીય ઉચ્ચાયોગ પર ઈંડા અને પથ્થર ફેંકવાની પોતાની ભૂલ માટે હૃદયપૂર્વક માફી માગું છું, મને આ બાબતે અત્યંત ખેદ છે.”

  - Advertisement -

  અંકિતે માફી માગતા લખ્યું હતું કે, “મારો કેન્દ્ર શાસિત પ્રદેશ- જમ્મુ અને કાશ્મીર ભારતમાં છે અને તેની મુલાકાત લેવા માટે હું તાત્કાલિક વિઝા મંજૂરી માટે અપીલ કરું છું.” અંકિતે એવું પણ લખ્યું કે તેની આસપાસના કેટલાક લોકોને કારણે તે ગેરમાર્ગે દોરાઈ ગયો હતો અને તેનાથી આવી ભૂલ થઈ હતી. આ માટે તે ખૂબ દિલગીર છે.

  પત્રમાં અંકિત લવે કહ્યું કે તે દેશને ખૂબ ચાહે છે અને ગર્વ અનુભવે છે અને હવે દેશ વિરુદ્ધ આવું કોઈ કૃત્ય નહીં કરે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેના સ્વર્ગસ્થ પિતા ભીમ સિંહે પણ ભારત સાથે જમ્મુ અને કાશ્મીરના સંપૂર્ણ વિલય માટે આખી જિંદગી સંઘર્ષ કર્યો હતો.

  અંકિતે પત્રમાં જણાવ્યું હતું કે તે કાયમ માટે જમ્મુ જવા નથી ઈચ્છતો અને સરકાર તેને પોતાની માતાનો મૃતદેહ પોલીસ કવરમાં જમ્મુથી ઉધમપુરના દેવક સુધી લઈ જવાની પરવાનગી આપી શકે છે. એક વખત માતાના અંતિમ સંસ્કાર થઈ જાય પછી તેને યુકે પાછો મોકલવા માટે ફરજ પાડી શકે છે.   

  ઉલ્લેખનીય છે કે અંકિતના માતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ રહી ચૂકેલા જય માલાનું અવસાન 26 એપ્રિલના રોજ થયું હતું અને ત્યારથી તેમનો મૃતદેહ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છે. જય માલાના ભત્રીજી મૃગનયની સ્લાથિયાએ માંગ કરી છે કે મૃતદેહ તેને સોંપવામાં આવે કારણ કે, યુકેથી અંકિતના આવવાની શક્યતાઓ બહુ ઓછી છે. મૃગનયની સ્લાથિયાએ જય માલાના ભત્રીજા અને પૂર્વ જમ્મુ-કાશ્મીર મંત્રી હર્ષ દેવ સિંહ પર એવા આરોપ મૂક્યા હતા કે હર્ષ દેવે ફેસબુક પોસ્ટમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની માગણી કરીને મડાગાંઠ ઊભી કરી છે.

  હર્ષ દેવે મીડિયાને જણાવ્યું હતું કે લવ એવું ઇચ્છતો હતો કે તેની માતાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે. બુધવારે મોડી રાત્રે ફેસબુક પોસ્ટમાં તેમણે અંકિત લવને અપીલ કરી હતી કે તે પોતાની જીદ છોડી દે અને અંતિમ સંસ્કાર થવા દે કારણકે હવે આઠ દિવસ થઈ ચૂક્યા છે.

  મૃગનયની સ્લાથિયાએ જણાવ્યું હતું કે જય માલા તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ડોમાનામાં રહેતા હતા. સીડી પરથી પડી ગયા બાદ બીજા દિવસે સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં