બેંગ્લોરમાં (Bengaluru) રહીને આઈટી ક્ષેત્રમાં કામ કરતા 34 વર્ષીય યુવાન અતુલ સુભાષે (Atul Subhash) તાજેતરમાં પત્ની અને સાસરિયાંના ત્રાસ અને ખોટા કેસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે અને હજુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે ત્યારે બેંગ્લોર પોલીસમાં કામ કરતા એક હેડ કોન્સ્ટેબલે શુક્રવારે (13 ડિસેમ્બર) ટ્રેન સામે પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું હતું. તેમણે સ્યુસાઇડ નોટમાં પત્ની અને તેના પિતા દ્વારા થતા ત્રાસને જવાબદાર ઠેરવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બેંગ્લોરમાં ટ્રાફિક પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા 34 વર્ષના એચસી થિપન્નાએ ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક વિજયપુરા જિલ્લાના સિંધગી નજીક આવેલા હાંડીગાનુર ગામના રહેવાસી હતા અને તેઓ પોતાના જ ગામની યુવતી સાથે ત્રણ વર્ષ પહેલાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. શુક્રવારે (13 ડિસેમ્બર, 2024) તેમણે બેંગ્લોરના હિલાલિગે અને કારમેલારામ હુસાગુરુ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનના પાટા પર પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.
ઘટનાની જાણ થતાં જ RPF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જાણવા મળ્યા અનુસાર, પોલીસ કર્મચારીએ સરકારી વર્દીમાં જ આ પગલું ભર્યું હતું. પોલીસે તેમના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી તરફ આ મામલે ધારાધોરણો અનુસાર કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. નોંધવું જોઈએ કે, મરતાં પહેલાં પોલીસ કર્મચારીએ કન્નડ ભાષામાં એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે પોતાના મૃત્યુ પાછળ તેમની પત્ની અને સસરાને જવાબદાર ઠેરવ્યા છે.
મરતાં પહેલાં લખી સ્યુસાઇડ નોટ, પત્ની અને સસરા પર આરોપ
મૃતક એચસી થિપન્નાએ સ્યુસાઇડ નોટમાં તેમની પત્ની અને સસરા પર આરોપ લગાવીને કહ્યું કે, તેમના ત્રાસથી પોતે આ અંતિમ પગલું ભરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
એચસી થિપન્નાએ નોટમાં લખ્યા અનુસાર, ગત 12 ડિસેમ્બરના રોજ તેમના સસરાએ સાંજે 7.26 વાગતાં તેમને ફોન કરીને અભદ્ર ગાળો ભાંડી હતી. લગભગ 14 મિનીટ સુધી ચાલેલા કોલ વિશે જણાવતાં તેમણે લખ્યું હતું કે, તેમના સસરાએ તેમને ન કહેવાના શબ્દો કહ્યા હતા. મૃતકના લખ્યા અનુસાર તેમના સસરાએ તેમને કહ્યું હતું કે, “તું મરી જા એટલે મારી દીકરીનું જીવન સુધરી જાય.” કહેવામાં આવી રહ્યું છે કે સસરાના આ શબ્દો સાંભળી જ તેમને લાગી આવ્યું હતું અને તેમણે ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.
તેમણે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે તેમના સસરાએ તેમને ધમકાવતાં કહ્યું હતું કે જો તેઓ પોતાની જાતને ખતમ નહીં કરે તો તેમના સસરા તેમની હત્યા કરી નાખશે, જેથી તેમની દીકરી શાંતિથી રહી શકે. આ નોટમાં જ તેમણે પોતાના સહકર્મીને પણ સંબોધીને સરકારી બાઈક એક તળાવ નજીક મૂકી હોવાની માહિતી આપી હતી. આ સમગ્ર ઘટના બાદ બેંગ્લોરની બયપ્પનહલ્લી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 108, 351(3) અને 352 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.