હોમપેજદેશબજરંગ પુનિયાએ કોચ નરેશ દહિયાની બિનશરતી માફી માંગી: પહેલવાન આંદોલન દરમિયાન લગાવ્યા...

બજરંગ પુનિયાએ કોચ નરેશ દહિયાની બિનશરતી માફી માંગી: પહેલવાન આંદોલન દરમિયાન લગાવ્યા હતા આરોપ, માનહાનિનો કેસ થયો તો લઈ લીધો યુ-ટર્ન

પુનિયાએ કહ્યું હતું કે, નરેશ દહિયા પોતે જ બળાત્કારના આરોપી રહ્યા છે અને તેમને પહેલવાનોની લડાઈ પર પ્રશ્નો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. ત્યારબાદ માનહાનિનો કેસ થયો હતો.

- Advertisement -

પહેલવાન આંદોલન દરમિયાન ખૂબ ચર્ચામાં રહેલા અને હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સામેલ થઈ ગયેલા બજરંગ પુનિયાએ એક માનહાનિના કેસમાં કોચ નરેશ દહિયાની બિનશરતી માફી માંગી લીધી છે. પુનિયાએ આંદોલન દરમિયાન દહિયા પર આરોપો લગાવ્યા બાદ દહિયા તેને કોર્ટમાં ખેંચી લઈ ગયા હતા. હવે પહેલવાને માફી માંગી લેતાં કોર્ટે કેસ બંધ કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે મે 2023માં અમુક પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના તત્કાલીન અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ મહિલા પહેલવાનોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ આંદોલન શરૂ કર્યું હતું. દરમ્યાન 10 મે, 2023ના દિવસે આંદોલનની જ એક પ્રેસ કૉન્ફરન્સમાં બજરંગ પુનિયાએ રેસલિંગ કોચ નરેશ દહિયા પર પણ ગંભીર આરોપો લગાવી દીધા હતા. 

પુનિયાએ કહ્યું હતું કે, નરેશ દહિયા પોતે જ બળાત્કારના આરોપી રહ્યા છે અને તેમને પહેલવાનોની લડાઈ પર પ્રશ્નો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. 

- Advertisement -

આ ટિપ્પણી બાદ નરેશ દહિયાએ બજરંગ પુનિયા વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો હતો. તેમણે અરજીમાં કહ્યું હતું કે, તેમને કોર્ટે પહેલાં જ મુક્તિ આપી દીધી હતી તેમ છતાં બજરંગ પુનિયાએ તેમની વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા. આખરે 17 મે, 2025ના રોજ બજરંગ પુનિયાએ ચૂપચાપ બિનશરતી માફી માંગી લીધી હતી. 

માફીમાં બજરંગે કહ્યું કે, “જંતરમંતર પર યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરમાં નરેશ દહિયા વિરુદ્ધ ખોટું અને બિનજવાબદાર નિવેદન આપવા બદલ હું તેમની બિનશરતી માફી માગું છું. તેમની છબીને જે નુકસાન થયું તે બદલ હું ખેદ વ્યક્ત કરું છું. ઉપરાંત મારા દ્વારા ઉચ્ચારવામાં આવેલાં નિવેદનોના કારણે તેમના નજીકના વ્યક્તિઓને પણ જે પીડા થઈ અને તેમણે જે ભોગવવું પડ્યું એ બદલ હું દિલગીર છું.”

બજરંગે આગળ કહ્યું કે, “દહિયા એક પ્રતિષ્ઠિત કોચ છે અને તેમણે પોતાની રીતે રાષ્ટ્રની ખૂબ સેવા કરી છે. હું ફરી એક વખત ખેદ વ્યક્ત કરીને તેમની અને તેમના સ્વજનોની હૃદયપૂર્વક માફી માગું છું.”

આ માફી પછીથી નરેશ દહિયાએ સ્વીકારી લીધી હતી. તેમણે કહ્યું, “પ્રદર્શનના બે-ચાર મહિના પહેલાં સુધી પહેલવાનો WFI અધ્યક્ષની પ્રશંસા કરી રહ્યા હતા ને પછી અચાનક બધું બદલાયું. કોઈ એકાદ માણસે મારી વિરુદ્ધ આરોપો લગાવ્યા હતા તેનો ઉલ્લેખ પછીથી બજરંગે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કર્યો હતો, એટલે હું તેને કોર્ટમાં ખેંચી લઈ ગયો હતો.”

તેમણે આગળ કહ્યું, “હવે બજરંગે માફી માંગી લીધી છે તો મેં સ્વીકારી લીધી છે. તેના વકીલે મારા વકીલનો સંપર્ક કરીને માફી પહોંચાડી હતી.”

બંને પક્ષો તરફથી મામલાનું સમાધાન થઈ ગયાનું કોર્ટને જણાવવામાં આવતાં કોર્ટે 29 મે, 2025ના રોજ મામલો બંધ કરી દીધો હતો.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં