આસામ સરકારે (Assan Government) રવિવારે (16 ફેબ્રુઆરી) પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખની (Pakistani national Ali Tauqeer Sheikh) ભારત અને આસામને નિશાન બનાવનારી ગતિવિધિઓની તપાસ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. સાથે તેના પર FIR નોંધવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ ઘણા લોકોએ આરોપ લગાવ્યા હતા કે, અલી તૌકીર શેખના કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈના પત્ની એલિઝાબેથ ગોગોઈ (Elizabeth Gogoi) સાથે નજીકના સંબંધો છે. શેખ એલિઝાબેથનો સુપરવાઇઝર પણ રહી ચૂક્યો છે. એલિઝાબેઠે કથિત રીતે લગ્નના 12 વર્ષ બાદ પણ પોતાની બ્રિટિશ નાગરિકતા જાળવી રાખી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પહેલાં કહ્યું હતું કે, અલી તૌકીર શેખના સોશિયલ મીડિયા પર ભારતના આંતરિક મામલાઓ પર ટીપ્પણી સામે આવ્યા બાદ કેબિનેટ આ કેસ પર કાર્યવાહી કરશે. ગુવાહાટીમાં રવિવારે થયેલી બેઠકમાં આસામ કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં શેખની ગતિવિધિઓ અને ભારતમાં તેના સાથીઓની તપાસ માટેનું કહેવામાં આવ્યું છે.
આસામ કેબિનેટે આસામના DGPને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અન્ય સંબંધિત કાયદાઓની યોગ્ય જોગવાઈઓ હેઠળ અલી શેખ સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, આસામ કેબિનેટે આ પ્રવૃત્તિઓ મોટા ષડયંત્રનો ભાગ છે કે કેમ તે નક્કી કરવા અને આસામ અને સમગ્ર ભારતમાં શેખના ભારતવિરોધી એજન્ડામાં મદદ કરી રહેલા કોઈપણ સહયોગીઓને ઓળખવા માટે વ્યાપક તપાસ હાથ ધરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કેબિનેટે જણાવ્યું હતું કે તપાસમાં નીચેના પાસાઓને આવરી લેવામાં આવી શકે છે:
- 1. આસામ રાજ્ય અને ભારતમાં અલી શેખના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.
- 2. અલી શેખના ભારતવિરોધી એજન્ડામાં મદદ કરનારા આસામના અથવા દેશના વ્યક્તિઓ, સંગઠનો અને સહયોગીઓની તપાસ કરવામાં આવે.
- 3. ઉપરોક્ત તપાસ દરમિયાન ભારત સરકાર અને આસામ સરકારની સંબંધિત એજન્સીઓ અને વિભાગો પાસેથી સંબંધિત સહાય અને માહિતી મેળવવી.
શું કહ્યું કેબિનેટે?
આસામ કેબિનેટે કહ્યું છે કે, તૌકીર પાકિસ્તાન સરકાર સાથે સંકળાયેલો હતો અને CDKN અને LEAD પાકિસ્તાન નામના બે સંગઠનો પણ ચલાવતો હતો. એલિઝાબેથ કોલબર્ન ગોગોઈ પણ તેમાં સામેલ હતા. આ સંગઠન ભારત અને પાકિસ્તાન બંનેમાં કાર્ય કરે છે. કેબિનેટે કહ્યું કે, એલિઝાબેથ અને તૌકીર વચ્ચેના જોડાણનો પણ ખુલાસો થયો છે. કેબિનેટે કહ્યું કે, ભારતના આંતરિક અને નીતિગત બાબતોમાં પાકિસ્તાની દ્વારા આવી દખલ શંકા પેદા કરે છે. વધુમાં કહ્યું કે, પર્યાવરણ માટે કથિત રીતે કામ કરનારાઓના વાસ્તવિક હેતુ શોધવા માટે તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગૌરવ ગોગોઈના બ્રિટિશ નાગરિક પત્ની એલિઝાબેથ કોલબર્ન 2011થી 2015 દરમિયાન પાકિસ્તાનમાં કામ કરતા હતા. ત્યારબાદ તેઓ દિલ્હીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે પણ તેમનો એક સુપરવાઇઝર પાકિસ્તાની હતો. મુખ્યમંત્રી બિસ્વા સરમાએ તેમના ઇસ્લામાબાદ જવા અને લગ્ન પછી 13 વર્ષ સુધી ભારતીય નાગરિકતા ન લેવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.