Tuesday, April 22, 2025
More
    હોમપેજદેશસ્તન પકડવા, કપડાં ઉતારવાના પ્રયત્ન કરવા એ બળાત્કારનો પ્રયાસ નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ;...

    સ્તન પકડવા, કપડાં ઉતારવાના પ્રયત્ન કરવા એ બળાત્કારનો પ્રયાસ નહીં: અલ્હાબાદ હાઇકોર્ટ; બે આરોપીઓ સામે રેપ નહીં પણ છેડતીની કલમ હેઠળ કેસ ચલાવવા આદેશ

    બે આરોપીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી કોર્ટ, કહ્યું- આટલાં તથ્ય એ નિષ્કર્ષ પર પહોંચવા માટે પૂરતાં નથી કે આરોપીઓ પીડિતા સાથે બળાત્કાર કરવા માંગતા હતા.

    - Advertisement -

    અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે સગીર બાળકીના સ્તન પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું અને ખેંચીને લઈ જવી તેને રેપ કે રેપના પ્રયાસના (Attempt to Rape) ગુનામાં ગણી શકાય નહીં. તેના સ્થાને એ છેડતીનો કેસ બને છે. જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ જજ બેન્ચે એક સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. 

    હાઇકોર્ટ પવન અને આકાશ નામના બે આરોપીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી. બંનેને ટ્રાયલ કોર્ટે IPCની કલમ 376 (રેપ) અને પોક્સો એક્ટની કલમ 18 (ગુનાનો પ્રયાસ) હેઠળ સમન્સ પાઠવ્યાં હતાં, જેની વિરુદ્ધ બંનેએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. 

    હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે બંનેની અરજી પર સુનાવણી કરતાં ઠેરવ્યું કે તેમની સામે IPC 376 (રેપ) હેઠળ નહીં પરંતુ કલમ 354-B (છેડતી સંબંધિત) હેઠળ ટ્રાયલ ચલાવવી જોઈએ. તેમજ પોક્સો એક્ટની કલમ 9 અને 10 (યૌન ઉત્પીડન) લાગવી જોઈએ. આ અવલોકન સાથે કોર્ટે સમન્સ આદેશમાં ફેરફાર કર્યા. 

    - Advertisement -

    કોર્ટે ટિપ્પણીમાં કહ્યું, “આરોપીઓ પવન અને આકાશ સામે આરોપ છે કે તેમણે પીડિતાના સ્તન પકડ્યા હતા અને આકાશે પીડિતાના લૉઅર ગાર્મેન્ટનું નાડું તોડીને નીચે ઉતારવાના અને ત્યારબાદ તેને ખેંચી લઈ જવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઘટનાના એક સાક્ષી જોઈ જતાં આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. આ તથ્ય એ નિષ્કર્ષ પર પહોંચવા માટે પૂરતું નથી કે આરોપીઓ પીડિતા સાથે રેપ કરવા માંગતા હતા કારણ કે આના સિવાય બીજું કોઈ એવું કૃત્ય ધ્યાનમાં આવ્યું નથી જેનાથી એવું કહી શકાય કે તેઓ બળાત્કાર કરવા માંગતા હતા.” 

    ઉલ્લેખનીય છે કે આ કૃત્ય બાદ બંને વિરુદ્ધ બળાત્કારના પ્રયાસની કલમ હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી અને આ જ કલમો હેઠળ કોર્ટે સમન્સ પાઠવ્યા હતા. સમન્સને પડકારીને આરોપીઓ કોર્ટમાં પહોંચ્યા હતા અને દલીલ કરી હતી કે જો ફરિયાદીના વર્ઝનને એક ક્ષણ માટે માની પણ લેવામાં આવે તોપણ રેપનો કોઈ ગુનો બનતો નથી અને આ કેસ બને તોપણ છેડતીનો કેસ બને છે. 

    બીજી તરફ, ફરિયાદના વકીલે તર્ક આપ્યો કે આરોપ નક્કી કરવાના તબક્કે ટ્રાયલ કોર્ટે તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલ પુરાવાઓનું વિશ્લેષણ કે મૂલ્યાંકન કરવાની આવશ્યકતા નથી. તેના સ્થાને કોર્ટે એ જ નક્કી કરવાનું રહે છે કે કેસ આગળ વધારવા માટે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે કે નહીં. જોકે કોર્ટે અવલોકન જુદું કર્યું હતું. 

    કોર્ટે કહ્યું કે, “રેકર્ડ પર એવા કોઈ પુરાવા ઉપલબ્ધ નથી, જેનાથી જાણવા મળે કે આરોપીનો પીડિત સાથે બળાત્કાર કરવાનો ઇરાદો હતો.” સાથે એમ પણ કહ્યું કે, સાક્ષીઓએ પણ એમ નથી કહ્યું કે આરોપીના આ કૃત્યના કારણે પીડિતાનાં કપડાં ઉતરી ગયાં હોય. એવો કોઈ આરોપ નથી કે આરોપીએ પીડિતાનું યૌન શોષણ કરવાના પ્રયાસ કર્યા હતા. કોર્ટે કહ્યું કે બળાત્કારના પ્રયાસનો આરોપ સિદ્ધ કરવા માટે અભિયોજન પક્ષે એ સ્થાપિત કરવું પડશે કે તે (ગુનો આચરવાની) તૈયારીના તબક્કાથી પણ આગળ નીકળી ગયો હતો. 

    આ ટિપ્પણીઓ બાદ કોર્ટે સમન્સના આદેશમાં સુધારા કર્યા અને નીચલી કોર્ટને આદેશ આપ્યો હતો કે તેઓ સુધારેલી કલમો અનુસાર આરોપીઓને નવેસરથી સમન્સ પાઠવે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં