તાજેતરમાં દેશભરમાં મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો વક્ફ સંશોધન બિલ 2024નો (Waqf Amendment Bill 2024) વિરોધ કરી રહ્યા છે. જોકે, ઘણા એવા પણ મુસ્લિમો છે, જે આ બિલનું સમર્થન કરી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર અજમેર દરગાહના (Ajmer Dargah) સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ આ બિલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલે (KCBC) પણ આ બિલનું સમર્થન કર્યું છે.
ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું હતું કે, વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે અને આ આપણી તાકાત છે. તેમણે કહ્યું હતું કે, મોદીજીએ એ સુનિશ્ચિત કર્યું કે ‘સૌગાત-એ-મોદી’ દેશના 22 લાખ લોકો સુધી પહોંચે.
વક્ફ બિલ અંગે તેમણે કહ્યું હતું કે, “મારું માનવું છે કે, વક્ફ બિલમાં સુધારો કરવાની જરૂર છે. આશા છે કે આ બિલ પારદર્શિતા લાવશે. વિરોધ કરવો અને સમર્થન આપવું એ લોકશાહીનો એક ભાગ છે. જો કોઈ બંધારણીય રીતે વિરોધ કરી રહ્યું છે, તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ મારું માનવું છે કે વક્ફમાં પરિવર્તનની જરૂર છે.”
#WATCH | Ajmer | On 'Saugat-e-Modi' kits distributed before Eid, Chairman of All India Sufi Sajjadanshin Council and successor of the spiritual head of Ajmer Dargah, Syed Naseruddin Chishty says, "We are fortunate that we are living in a country which has Ganga-Jamuni culture.… pic.twitter.com/OEBj3TZHFL
— ANI (@ANI) March 31, 2025
તેમણે કહ્યું કે, “આ સુધારાનો અર્થ એ નથી કે મસ્જિદો કે મિલકતો છીનવી લેવામાં આવશે. આ કહેવું ખોટું હશે. આ લોકશાહીનો એક ભાગ છે. સરકારને કોઈ ઉતાવળ નથી. JPCમાં ચર્ચા પછી આ બિલ ખૂબ જ શાંતિથી લાવવામાં આવ્યું છે.” સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ દાવો કર્યો હતો કે, તેમને વિશ્વાસ છે કે સુધારા પછી વક્ફના કામકાજમાં પારદર્શિતા આવશે અને વક્ફ મિલકતનું રક્ષણ થશે. અતિક્રમણ દૂર થશે અને વક્ફનું ભાડું વધશે જે કોમ માટે ઉપયોગી થશે.
તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો મસ્જિદો છીનવી લેવામાં આવશે એમ કહીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અજમેર દરગાહ સિવાય કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલે (KCBC) વક્ફ સંશોધન બિલ 2024ને પોતાનું સમર્થન આપ્યું છે અને કેરળના ધારાસભ્યોને ચર્ચા માટે રજૂ કરવામાં આવે ત્યારે બિલના પક્ષમાં મતદાન કરવા વિનંતી કરી છે.

29 માર્ચે જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં KCBCએ વક્ફ કાયદાની ‘ગેરબંધારણીય અને અન્યાયી કલમો’માં સુધારો કરવાની માંગ કરી હતી. આ પ્રેસ રિલીઝમાં મુનામ્બન જમીન વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં વક્ફ બોર્ડે ખ્રિસ્તી પરિવારો રહેતા હતા એવી 404 એકર જમીન પર દાવો કર્યો હતો. આ પ્રેસ રિલીઝના માધ્યમથી KCBCએ કેરળના સાંસદોને વક્ફ કાયદાના ‘વાંધાજનક’ ભાગોના સુધારાને સમર્થન આપવા વિનંતી કરી હતી.
Delhi: On the Waqf Amendment Bill protest, Chairperson of the Delhi State Haj Committee, Kausar Jahan says, "The protest is politically motivated, but the bill is for the betterment of the Muslim community. It is a significant step towards fairness and transparency, empowering… pic.twitter.com/cEicu4p95C
— IANS (@ians_india) March 26, 2025
આ પહેલાં દિલ્હી હજ કમિટીના ચેરમેન કૌસર જહાં પણ બિલનું સમર્થન કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, આ બિલ તો મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે છે. આ નિષ્પક્ષતા અને પારદર્શિતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, સાથે જ મુસ્લિમ મહિલાઓને પણ સશક્ત બનાવવામાં આવશે.