ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન દેશમાં રહીને પાકિસ્તાનનું સમર્થન કરી રહેલા ઘણા પાકિસ્તાન પરસ્તો ખુલ્લીને સામે આવ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને રોડ-રસ્તાઓ અને જાહેર બજારો સુધીમાં આવા ઘણા પાકિસ્તાનપ્રેમીઓ જોવા મળ્યા હતા. તેવામાં હવે ભુજમાંથી પણ એક પાકિસ્તાન પરસ્તની ધરપકડ કરવામાં આવી છે. ભુજના અનીસ આબિદઅલીએ ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર બાદ સ્ટેટ્સ મૂકીને પાકિસ્તાનનું ખુલ્લુ સમર્થન કર્યું હતું. ભુજ પોલીસને ધ્યાને ચડતા તેની ધરપકડ કરવામાં આવી છે.
ભુજ પોલીસના જણાવ્યા અનુસાર, 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ 7 મેના રોજ ભારતની વીર સેનાએ ઑપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા હતા. જેને લઈને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખવામાં આવી રહી હતી. તે જ અનુક્રમે ધ્યાને આવ્યું હતું કે, ભુજના અનીસ આબિદઅલીએ પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટ્સ મૂક્યું હતું.
ભુજ પોલીસ અનુસાર, બંને દેશો વચ્ચેની તંગ પરિસ્થિતિને લઈને આરોપીએ વોટ્સએપ પર સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં તેણે ખુલ્લીને પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને અલગાવવાદને હવા આપવાનું કામ કર્યું હતું. આ સાથે જ તેણે ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને ભયમાં મૂકવાનું કામ કર્યું હતું. વધુમાં પોલીસે કહ્યું કે, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે અનીસ આબિદઅલીની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે, ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 152 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે અને અગાઉ તેણે દેશવિરોધી સ્ટેટ્સ કર પોસ્ટ કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પહેલાં નિહાર અહમદ અને કોંગ્રેસ કાર્યકર્તાની થઈ હતી ધરપકડ
નોંધનીય છે કે, આ પહેલાં આણંદ પોલીસે ભુજના મૂળ રહેવાસી નિહાર અહમદ સિંધીની ધરપકડ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ભારતીય સેનાના ઑપરેશન સિંદૂરને ‘આતંકવાદ’ ગણાવ્યું હતું. આ સાથે જ તેણે ‘ફ્રી પેલેસ્ટાઇન’ જેવા નારા પણ લખ્યા હતા. વધુમાં તેણે ‘અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ છે’ જેવી ઉર્દૂ ભાષામાં ટિપ્પણી પણ કરી હતી. નિહાર આણંદમાં રહીને અભ્યાસ કરતો હતો. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે તેની ધરપકડ કરી હતી.
તે પહેલાં નડિયાદ પોલીસે ખેડાની કોંગ્રેસ કાર્યકર્તા ફાલ્ગુની ક્રિશ્ચિયનની પણ ધરપકડ કરી હતી. તેણે ભારતીય સેનાના ‘ઑપરેશન સિંદૂર’ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ‘ચૂંટણી જીતવાની ચાલ’ ગણાવી હતી. આ સાથે જ તેણે પહલગામ હુમલાને પણ ભારતનું જ કાવતરું ગણાવી દીધું હતું. ખેડા પોલીસે તેની ધરપકડ કરીને ધારાધોરણો અનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.