અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (AAHL) મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટ (MIAL) માટે 1 અરબ અમેરિકી ડોલરનું ફંડિંગ એકઠું કર્યું છે. આ રકમ પ્રોજેક્ટ ફાયનાન્સ સ્ટ્રક્ચર દ્વારા મળી છે. આ હેઠળ 750 મિલિયન ડોલરના બોન્ડ્સ જુલાઈ 2029માં પાકી જશે. આ સાથે જ 250 મિલિયન ડોલર વધારાના એકઠા કરવા માટેનો વિકલ્પ પણ સામેલ છે. જેનાથી કુલ ફંડિંગ 1 અરબ ડોલર સુધી પહોંચી ગયું છે. આ ફ્રેમવર્ક મુંબઈ ઇન્ટરનેશલ એરપોર્ટના વિકાસ, આધુનિકીકરણ અને ક્ષમતા વિસ્તાર સાથે જોડાયેલા ખર્ચાઓ માટે નાણાં એકઠા કરવામાં સરળતા પ્રદાન કરશે.
મહત્વની વાત એ છે કે, ભારતના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આ પહેલો ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટેડ પ્રાઇવેટ બોન્ડ ઇશ્યૂ છે. આ વ્યવહાર એપોલો-મેનેજ્ડ ફંડ્સ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો, જેમાં બ્લેકરોક-મેનેજ્ડ ફંડ્સ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સહિત અગ્રણી વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો અને વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. તે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તક અને અદાણી એરપોર્ટ્સના ઑપરેટિંગ મોડેલમાં વૈશ્વિક વિશ્વાસ દર્શાવે છે.
Adani Airports Holdings Limited secures USD 1 Billion financing from Global Investors for Mumbai International Airport pic.twitter.com/7yp5qrddTn
— ANI (@ANI) June 24, 2025
અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) લાંબાગાળાના વિઝન સાથે એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરને વ્યવસ્થિત કરવા માટે સતત આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ, ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજી એકીકરણમાં રોકાણ કરી રહ્યું છે. આ વ્યવહાર MIALના ટકાઉ વિકાસ એજન્ડાને પણ વેગ આપશે, જે તેને 2029 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના તેના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.
આ બોન્ડ ઇશ્યૂ પહેલાં AAHLએ વૈશ્વિક બેંકોના એક ગ્રુપ પાસેથી 750 મિલિયન ડોલરનું ફંડિંગ એકત્ર કર્યું હતું. આ ડીલ અદાણી ગ્રુપની વૈશ્વિક મૂડી બજારોમાં પહોંચ અને ભારતની માળખાગત સુવિધાઓમાં રોકાણકારોના વિશ્વાસને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. MIALના બોન્ડ્સ તેની મજબૂત સંપત્તિ અને સ્થિર આવકને કારણે BBB-/સ્થિર રેટિંગ મેળવે તેવી પણ સંભાવના છે.
અદાણી ગ્રુપ એરપોર્ટના આધુનિકીકરણ, ડિજિટલ ટેકનોલોજી લાવવા અને 2029 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. AAHLના CEO અરુણ બંસલે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ તેમની નાણાકીય શિસ્ત અને લાંબાગાળાની વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, અદાણી ગ્રુપ શૂન્ય કાર્બન ઉત્સર્જનને લઈને પણ કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ પર્યાવરણની જાળવણીને લઈને અદાણી ગ્રુપે દેશનો પહેલો હાઈડ્રોજન ટ્રક લૉન્ચ કર્યો છે. જે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જરૂરી છે. હાલ તે છત્તીસગઢમાં કાર્યરત છે.