દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) જાહેર કરેલી મહિલા સન્માન યોજના અને વૃદ્ધો માટે સંજીવની યોજનાનું રાજ્ય સરકારના જ વિભાગોએ ‘ફેક્ટચેક’ કરી દીધા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. બીજી તરફ, પાર્ટીમાંથી જ હવે વિરોધના સ્વર ઉઠવા માંડ્યા છે. પાર્ટીના કાઉન્સિલર રવિન્દર સોલંકીએ એક તાજેતરમાં કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યા હતા.
રવિન્દર સોલંકીએ કહ્યું કે, “છેલ્લા દસ મહિનાથી અમે ‘મહિલા સન્માન યોજના’ હેઠળ ₹1000 માટે ફોર્મ ભરી રહ્યા છીએ, પણ તેમાં હજુ સુધી કશું થયું નથી. ઘણી મહિલાઓ ઑફિસ આવીને અમને ₹1000ના ભથ્થા વિશે પૂછે છે. હમણાં સુધી, ₹1000 તો અપાયા નથી અને હવે તમે ₹2100 માટે મહિલાઓને લાઇનમાં ઊભી રાખી દીધી છે.”
આગળ તેમણે કહ્યું કે, “અમે કેજરીવાલજીને કહેવા માંગીએ છીએ કે તેમણે પહેલાં ₹1000નો વાયદો પૂર્ણ કરવો જોઈએ, પછી અન્ય યોજનાઓ જાહેર કરવી જોઈએ. જનતાને હવે વિશ્વાસ રહ્યો નથી. અમારી પાસે લોકોને આપવા માટે કોઈ જવાબ નથી.”
#WATCH | On Delhi WCD dept clarifying AAP's proposed scheme Mahila Samman Yojana not notified yet, AAP Councillor Ravinder Solanki says, "A lot of women come to the office and ask about Rs 1000 allowance. Till now, Rs 1000 allowance has not been given and you have made the women… pic.twitter.com/CJ0L7z5G5Y
— ANI (@ANI) December 25, 2024
રવિન્દર સોલંકીએ આગળ ઉમેર્યું કે, “અમે કોઈનો વિરોધ કરી રહ્યા નથી, પણ કામની વાત કરી રહ્યા છીએ. ત્રણ ટર્મથી ધારાસભ્ય હોય તેમ છતાં પણ આજે જનતા પાણી માટે તરસી રહી છે. રસ્તાઓ પણ તૂટેલા છે. ધારાસભ્યે કામ કરવું જોઈતું હતું. અમે તેમને કહેવા માંગીએ છીએ કે કાં તો કામ કરો અથવા બીજા કોઈને સ્થાન આપો.”
ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો કેજરીવાલે બે યોજનાઓ જાહેર કરી હતી. તેમણે મહિલાઓને પ્રતિમાસ ₹2100 આપવાની જાહેરાત કરી હતી તેમજ સંજીવની યોજના હેઠળ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધ નાગરિકોને મફત સારવારનો વાયદો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ માટે દિલ્હીમાં ફરીફરીને લોકોની વિગતો પણ ઉઘરાવવા માંડ્યા હતા.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં AAPના કાર્યકર્તાઓ મહિલાઓને કાર્ડ આપતા નજરે પડે છે. જેઓ કહેતા સંભળાય છે કે, કેજરીવાલને મત આપશે તો જ મહિલાઓને દર મહિને પૈસા મળશે.
फिर यहां क्या हो रहा है ?
— Vaishali Poddar (@PoddarVaishali) December 25, 2024
पैसे के बदले वोट क्यों खरीद रहे हो केजरीवाल जी ? https://t.co/CaNJX7BOrT pic.twitter.com/e6qWKRgoCW
કેજરીવાલની આ જાહેરાતોની પોલ ત્યારે ખુલી ગઈ જ્યારે બુધવારે (25 ડિસેમ્બર) દિલ્હી રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને બાળ વિકાસ વિભાગ દ્વારા અખબારોમાં નોટિસ પ્રકાશિત કરીને સ્પષ્ટતા કરવામાં આવી.
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બે જુદી-જુદી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે આવી (જે કેજરીવાલે જાહેર કરી હતી) કોઈ યોજના જાહેર કરી નથી અને તેના માટે ફોર્મ ભરાવવાં કે લોકોની વિગતો માંગવી એ ફ્રોડ કહેવાશે.
મહિલા-બાળ વિકાસ વિભાગે નાગરિકોને સાવધાન કરતાં કહ્યું કે, ‘આ યોજનાના નામે બેન્ક ખાતાંની જાણકારી, વૉટર આઇડી, ફોન નંબર, સરનામું અને અન્ય સંવેદનશીલ અને વ્યક્તિગત વિગતો જાહેર કરવાથી જોખમ ઊભું થઈ શકે છે અને સાયબર ક્રાઈમનો ભોગ બનવાની સંભાવનાઓ વધી જાય છે.’ સરકારે સ્પષ્ટ કર્યું કે, નાગરિકો કોઈ પણ આવી યોજના અસ્તિત્વમાં જ ન હોય તેના ખોટા વાયદાઓ ન માને, કારણ કે એ ભ્રામક છે અને કોઈ પ્રકારના પ્રાધિકરણ વગરની છે. જો કોઈ ફ્રોડ થાય તો તે માટે મહિલા-બાળ વિકાસ વિભાગ જવાબદાર નહીં હોય.’