હાલમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ હિંદુ સંસ્કૃતિના અડગ સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. વિદેશી આક્રમણકારોએ વારંવાર તેને તોડ્યું, લૂંટ્યું, પરંતુ હિંદુઓની અતૂટ આસ્થાએ તેને વારંવાર ઊભું કર્યું. આ પર્વે જ્યારે આપણે સોમનાથના સ્વાભિમાનની વાત કરીએ છીએ, ત્યારે અમુકનું નકલી હિંદુત્વ અને પાખંડ પણ યાદ આવે છે. ખાસ કરીને 2017નો એ વિવાદ, જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ‘ટેમ્પલ રન’ શરૂ કર્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલાં કોંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યમાં અનેક મંદિરોની મુલાકાતો લીધી હતી. આ ‘સોફ્ટ હિંદુત્વ’ની રણનીતિ હિંદુ વોટર્સને આકર્ષવાની હતી, પરંતુ 29 નવેમ્બર 2017ના રોજ સોમનાથ મંદિરની મુલાકાતે તેમની આ રણનીતિ પર પાણી ફેરવી દીધું.
સોમનાથ મંદિરમાં હિંદુઓ સિવાયની વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ છે. 2015થી ‘બિનહિંદુ’ મુલાકાતીઓને પ્રવેશ માટે જનરલ મેનેજરની પરવાનગી અને ખાસ રજિસ્ટરમાં નોંધણી ફરજિયાત કરી છે. આ નિયમ મંદિરની પવિત્રતા અને સુરક્ષા માટે છે, કારણ કે સોમનાથ મંદિર ઘણા વિદેશી આક્રાંતાઓના હુમલાનું સાક્ષી રહ્યું છે તેને ઘણી વાર લૂંટવામાં પણ આવ્યું છે. આ સિવાય હવે હિંદુ ધર્મને નિશાન બનાવવા માટે મંદિરોને ટાર્ગેટ કરવામાં આવે છે. અક્ષરધામ મંદિરમાં થયેલ બૉમ્બ બ્લાસ્ટથી કોઈ અજાણ નથી. તેથી મંદિરની સુરક્ષાને લઈને આ નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે.
2017માં રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે અહીંના નેતાઓ તેમને દર્શન માટે સોમનાથ મંદિરે લઈ ગયા. તેમની સાથે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ પણ સાથે હતા. અહેમદ પટેલે મંદિરમાં પ્રવેશ કરવો હોય તો નોંધણી કરાવવી પડે. એટલે રજિસ્ટરમાં તેમનું નામ નોંધાયું. પણ સાથે-સાથે રાહુલ ગાંધીનું પણ લખવામાં આવ્યું. આ કામ તત્કાલીન કોંગ્રેસ મીડિયા કૉઓર્ડિનેટર મનોજ ત્યાગીએ કર્યું હોવાનું કહેવાય છે. મંદિરના PRO ધ્રુવ જોશીએ પણ પુષ્ટિ કરી હતી કે આ નોંધ ત્યાગીએ જ કરી હતી.
રાહુલે મંદિરમાં દર્શન કર્યાના થોડા જ સમયમાં ‘બિનહિંદુ’ તરીકે નોંધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા અને આ ઘટનાએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો. ત્યારબાદ મીડિયામાં પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
વિવાદ થયો તો મનોજ ત્યાગીએ એમ કહી દીધું કે તેમણે માત્ર તેમના જ નામની નોંધ કરી હતી, રાહુલ અને અહેમદ પટેલનું નામ કોઈ અન્ય વ્યક્તિએ ઉમેર્યું હશે. આ વિવાદ ઉભો થતાં કોંગ્રેસે સ્પષ્ટતા આપવાની શરૂ કરી દીધી અને કહ્યું કે સામે આવેલ ‘બિનહિંદુ’ રજિસ્ટરની તસ્વીરો ખોટી છે અને દાવો કર્યો કે રાહુલે માત્ર હિંદુ વિઝિટર્સ બુકમાં સહી કરી હતી. કોંગ્રેસ યોગ્ય સ્પષ્ટીકરણ પણ આપી ન શકી. ક્યારેક કહ્યું કે નામ પછીથી ઉમેરાયાં, ક્યારેક કહ્યું કે સામે આવેલ તસ્વીરો ફેબ્રિકેટેડ છે. પરંતુ મંદિર PROએ કરેલ પુષ્ટિને કોંગ્રેસે સીધી રીતે નકારી નહીં તેથી લોકોમાં મૂંઝવણ યથાવત રહી.
આ વિવાદનું સ્પષ્ટીકરણ કરવાના ચક્કરમાં એક નવો વિવાદ શરૂ થઈ ગયો. રાહુલની ‘બિનહિંદુ’ તરીકેની ઓળખનું સ્પષ્ટીકરણ કરવા માટે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે દાવો કર્યો કે, “રાહુલ ગાંધી માત્ર હિંદુ નથી, પણ જનેઊધારી હિંદુ છે.” આ વિધાન જોકે રાહુલ ગાંધીનાં જ અમુક નિવેદનોથી વિપરીત હતું.
લગભગ 2015 આસપાસ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના સંપર્ક કાર્યક્રમમાં હતા. આ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે શું તેઓ યુપી અભિયાનના બ્રાહ્મણ નરેટિવને સમર્થન આપે છે, તો તેમણે જવાબ આપ્યો કે, “હું જાતિમાં માનતો નથી અને તેમાંથી કોઈનું સમર્થન પણ કરતો નથી. યુપીએ આ કાદવમાંથી બહાર નીકળવું જોઈએ. તેનો એકમાત્ર રસ્તો એ છે કે એવી પાર્ટી બને જે દરેકને સમાન રીતે પ્રતિનિધિત્વ આપે. મારા મતે કોંગ્રેસ એ દરેક માટેની પાર્ટી છે.”
આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાંથી જ અહેવાલો સામે આવ્યા હતા જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને RSS પર ધર્મના વેપારી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ભાજપ પર સત્તા મેળવવા માટે ધર્મ, ગાય અને હિંસા જેવા મુદ્દાઓનો ઉપયોગ કરવાનો આરોપ લાગાવ્યો હતો.
આ જ દરમિયાન ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધી ખ્રિસ્તી હોવાનો દાવો કર્યો હતો. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે 10 જનપથમાં ચર્ચ છે અને રાહુલ ગાંધી ત્યાં પ્રાર્થના કરવા જાય છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી રાહુલ ગાંધી પોતે એમ નહીં કહે કે હું હિંદુ છું’ ત્યાં સુધી અમે તેમના પર વિશ્વાસ કરીશું નહીં.
આ સિવાય સ્વામીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે 1998માં ન્યૂયોર્ક ટાઈમ્સે એક લેખમાં રાહુલને રોમન કેથોલિક તરીકે વર્ણવ્યા હતા ત્યારે તેમણે સ્પષ્ટતા કેમ નહોતી કરી એ પૂછવાનો આ એક યોગ્ય સમય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો વાસ્તવમાં રાહુલ ગાંધી હિંદુ હોય તો ‘બિનહિંદુ’ઓના રજિસ્ટરમાં તેમનું નામ નોંધવા બદલ કોંગ્રેસ પોલીસ ફરિયાદ કેમ નથી કરી રહી?
માત્ર આટલું જ નહીં, આ વિવાદના એક વર્ષ પછી જ એટલે કે 2018માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેઓ ‘કૌલ બ્રાહ્મણ’ છે. નોંધનીય છે કે આ અટક દત્તાત્રેય ગોત્રમાં જન્મેલા કાશ્મીરી પંડિતો વાપરતા હોય છે.
આ ઉપરાંત વર્ષ 2021માં જમ્મુની બે દિવસની મુલાકાત દરમિયાન ગાંધીએ ફરીથી દાવો કર્યો હતો કે, “હું કાશ્મીરી પંડિત છું. મારો પરિવાર કાશ્મીરી પંડિત છે”. તેમણે સ્થાનિક કાશ્મીરી પંડિત સમુદાયને તેમની તરફેણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ એ જ રાહુલ ગાંધી છે જેઓ ચૂંટણી આવતા જ હિંદુ હોવાનો દાવો કરે છે અને પછી પોતાનો વાસ્તવિક ચહેરો દેખાડે છે. વર્ષ 2025માં જ રાહુલ ગાંધીનો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારે વિરોધ કર્યો હતો કારણ કે તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાં ભગવાન રામને એક ‘દંતકથાનું પાત્ર’ ગણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ બધા વિવાદો માત્ર ભૂલ નથી, પરંતુ કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડનું પ્રતીક છે. રાહુલ ગાંધીએ અનેક વખત જાતિ-ધર્મની રાજનીતિનો વિરોધ કર્યો હતો, તેમણે 2016માં ‘હું જાતિમાં માનતો નથી’, ભાજપ પર ‘ધર્મના વેપારી’ હોવાનો આરોપ લગાવ્યો, 2013માં ભાજપને ‘ધર્મ-જાતિના આધારે વિભાજન કરનાર’ પાર્ટી કહી હતી. પરંતુ ચૂંટણી આવતાં જ ‘જનેઊ ધારી બ્રાહ્મણ’ અને ‘દત્તાત્રેય ગોત્ર’નો દાવો કરવા લાગ્યા હતા. આ સ્પષ્ટ પાખંડ છે. ભાજપે રાહુલના આવા વલણને ‘ફેન્સી ડ્રેસ હિંદુધર્મ’ ગણાવ્યો હતો.


