Monday, May 6, 2024
More
    હોમપેજદેશ‘ગરીબ હોય કે મધ્યમવર્ગીય, 70થી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને 'આયુષ્માન ભારત' હેઠળ...

    ‘ગરીબ હોય કે મધ્યમવર્ગીય, 70થી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને ‘આયુષ્માન ભારત’ હેઠળ લવાશે’: સંકલ્પ પત્ર લૉન્ચ કરતી વખતે PM મોદીની ઘોષણા, ₹5 લાખ સુધી મળશે મફત સારવાર

    સંકલ્પ પત્ર લૉન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અગત્યની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું કે નવી સરકાર બન્યા બાદ હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ સમાવી લેવામાં આવશે. 

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે સંકલ્પપત્રની ઘોષણા કરી છે. રવિવારે (14 એપ્રિલ) દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યમથક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં આ ઘોષણાપત્ર લૉન્ચ કરવામાં આવ્યું. આ ઘોષણાપત્રને ‘મોદીની ગેરેન્ટી’ નામ આપવામાં આવ્યું છે. 

    સંકલ્પ પત્ર લૉન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અગત્યની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું કે નવી સરકાર બન્યા બાદ હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ સમાવી લેવામાં આવશે. 

    પીએમ મોદીએ કહ્યું, “આજે જેઓ વૃદ્ધ છે, તેમને મોટી ચિંતા એ રહે છે કે બીમારીની સ્થિતિમાં સારવારનો ખર્ચ કઈ રીતે થશે. મધ્યમવર્ગીય પરિવારને આ ચિંતા વધુ રહે છે. હવે ભાજપે સંકલ્પ લીધો છે કે, 70 વર્ષની વયથી વધુના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ લાવવામાં આવશે. 70 વર્ષથી વધુ વયના કોઇ પણ વૃદ્ધ, ભલે ગરીબ હોય, મધ્યમ વર્ગીય હોય કે પછી ઉચ્ચ મધ્યમ વર્ગના પણ કેમ ન હોય, તેમને 5 લાખ રૂપિયા સુધી મફત સારવાર આપવામાં આવશે.”

    - Advertisement -

    આ સિવાય પીએમ મોદીએ ઘોષણા કરતાં જણાવ્યું છે કે, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવી લેવામાં આવશે. તેમણે કહ્યું, “ટ્રાન્સજેન્ડર સાથીઓને પણ પહેલાં કોઈએ પૂછ્યું ન હતું, તેવા સાથીઓને ઓળખ અને પ્રતિષ્ઠા આપવાની શરૂઆત પણ ભાજપે જ કરી છે. ભાજપે ટ્રાન્સજેન્ડર સાથીઓને પણ હવે આયુષ્માન ભારત યોજના હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે.”

    ઉલ્લેખનીય છે કે ‘આયુષ્માન ભારત’ યોજના મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની એક યોજના છે. જે હેઠળ ગરીબોને ₹5 લાખ સુધી મફત સારવાર આપવામાં આવે છે. જોકે, ગુજરાત જેવાં અમુક રાજ્યોમાં આ રકમ ₹10 લાખ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 2022માં નવી સરકારની રચના બાદ રકમ બમણી કરી દેવામાં આવી હતી. 

    આ સિવાય, પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, મફત રાશનની યોજના આવનારાં 5 વર્ષ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું, “ભાજપે ગરીબ કલ્યાણની અનેક યોજનાઓના વિસ્તારનો પણ સંકલ્પ કર્યો છે. ભાજપની ગેરેન્ટી છે કે મફત રાશનની યોજના આવનાર 5 વર્ષ સુધી ચાલુ રહેશે. અમે સુનિશ્ચિત કરીશું કે ગરીબના ભોજનની થાળી પોષણયુક્ત હોય અને તેના મનને સંતોષ આપનારી અને સસ્તી પણ હોય. જેથી પેટ પણ ભરાય, મન પણ ભરાય અને ખિસ્સું પણ ભરાયેલું રહે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં