એક તરફ દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ એક્ઝિટ પોલ્સથી હાંફળાફાંફળા થઈ ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને અરવિંદ કેજરીવાલ એક પછી એક નવાં તૂત લાવીને હતાશા ખંખેરી રહ્યા છે. પહેલાં કેજરીવાલે દાવો કરી દીધો કે તેમના નેતાઓને ભાજપ દ્વારા ઑફર આપવામાં આવી રહી છે. તેમાં હજુ પોલીસ પુરાવા માંગી રહી છે ત્યારે હવે તાજા કિસ્સામાં કેજરીવાલે ચૂંટણી પંચને ટાર્ગેટ કર્યું છે. X પર એક પોસ્ટ કરતાં કેજરીવાલે દાવો કર્યો કે, ચૂંટણી પંચે ફોર્મ 17C અપલોડ કરવાની અને તમામ મતવિસ્તારોમાં દરેક બૂથ પર કેટલા મતો પડ્યા તે જણાવવાની ના પાડી દીધી છે.
EC has refused to upload form 17C and number of votes polled per booth in each assembly despite several requests. Aam Aadmi Party has made a website – https://t.co/vm6K3f3JcG where we have uploaded all the form 17C of every assembly. This form has all the details of votes polled…
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 7, 2025
આગળ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ એક વેબસાઈટ બનાવી છે, જેમાં દરેક મતવિસ્તારનાં ફોર્મ 17C અપલોડ કરવામાં આવ્યાં છે. જેમાં દરેક બૂથ પર કેટલા મત પડ્યા તેની તમામ વિગતો છે. આગળ કહ્યું કે, દિવસ દરમિયાન અમે ટેબલ ફોર્મેટમાં દરેક મતવિસ્તારના દરેક બૂથની વિગતો આપતા રહીશું, જેથી મતદારો માહિતી મેળવી શકે. આગળ કમિશન પર ટોણો મારતાં કહ્યું કે, આ ખરેખર તો ચૂંટણી પંચે કરવું જોઈતું હતું, જેથી પારદર્શિતા જળવાય રહે, પરંતુ દુર્ભાગ્યે તેઓ આવું કરી રહ્યા નથી.
હવે ફોર્મ 17C શું હોય છે તેનાથી અજાણ હોય તેમના માટે-
મતદાન યોજાય ત્યારે દરેક મતદાન મથક પર કર્મચારીઓને EVMથી માંડીને અન્ય સાધનો તેમજ અમુક દસ્તાવેજો આપવામાં આવે છે. મતદાન દરમિયાન આ ડોક્યુમેન્ટ્સ તૈયાર થતાં હોય છે અને અંતે તે જમા કરવામાં આવે છે. આમાંથી અમુક ડોક્યુમેન્ટ પછીથી મતગણતરી દરમિયાન પણ ધ્યાને લેવામાં આવે છે. જેથી પ્રક્રિયાની પારદર્શિતા જળવાય રહે. જુદાં-જુદાં ફોર્મ પૈકીનું જ એક ફોર્મ હોય છે 17C. ગુજરાતીમાં આ ફોર્મને 17 (ગ) કહેવાય.
આ 17C ફોર્મમાં જે-તે મતદાન મથકમાં નોંધાયેલા મતનો રેકર્ડ રાખવામાં આવે છે. જેમાં તમામ ડેટા ઉપલબ્ધ હોય છે. જેમકે જે-તે વિસ્તારમાં કેટલા મતદારો નોંધાયેલા છે, જેમાંથી કેટલાએ મતદાન કર્યું, કેટલાએ ન કર્યું, કેટલા મતો રિજેક્ટ થયા (કારણ સાથે), ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (EVM)માં કેટલા મત પડ્યા.
આ ફોર્મના બીજા ભાગમાં તમામ ઉમેદવારોનાં નામ હોય છે અને તેમને કેટલા મત મળ્યા તેની માહિતી હોય છે. તેમાં એ માહિતી પણ હોય છે કે જેટલા મત મતદાન મથકે નોંધાયા હતા તેની સંખ્યા અને જેટલા મત પડ્યા હતા, તેની સંખ્યા સરખી છે કે કેમ.
હવે અહીં મતદાન સમયે જે-તે બૂથના પ્રિસાઈડિંગ ઓફિસર હોય તેઓ ફોર્મ 17Cનો પ્રથમ ભાગ ભરે છે. જેમાં એ માહિતી હોય છે કે મતદાનના દિવસે શરૂઆતથી લઈને અંતિમ મત પડ્યો ત્યાં સુધીમાં કેટલા મત નોંધાયા. આ માહિતી પછીથી તમામ ઉમેદવારોના પોલિંગ એજન્ટોને આપવામાં આવે છે. જ્યારે બીજો ભાગ ભરવાનું કામ મતગણતરી કરનાર સુપરવાઇઝરનું છે. ગણતરી બાદ તેઓ તાળો મેળવે છે કે જેટલા મતો ફોર્મના પાર્ટ-1માં નોંધાયા હતા તેટલા જ મતો મશીનમાં (સાથે પોસ્ટલ બેલેટ પણ ગણાય) પડ્યા છે કે કેમ. જેની પછી રિટર્નિંગ ઑફિસર ચકાસણી કરે છે.
કેમ આ ફોર્મ અપલોડ કરવું એ મતદારોમાં ભ્રમ પેદા કરી શકે?
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચથી ઉપરવટ જઈને એક અલગ વેબસાઈટ બનાવીને ફોર્મ 17C અપલોડ કરવાની ઘોષણા કરી છે. હવે કાયદા કે નિયમોમાં ક્યાંય ચૂંટણી પંચને આ ફોર્મ સાર્વજનિક કરવા માટે બાધ્ય કરવામાં આવ્યું નથી. તેની પાછળ કારણ એ નથી કે કમિશન કશુંક છુપાવી રહ્યું છે, કારણ એ છે કે ફોર્મની વિગતો જો સંપૂર્ણ ન સમજાય તો તેનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયા પર નકામી શંકા-કુશંકા ઉપજાવવા માટે થઈ શકે છે.
કારણ એ છે કે આ ફોર્મમાં માત્ર જે-તે બૂથના EVMમાં કેટલા મતો પડ્યા છે તેનો જ ડેટા હોય છે. પોસ્ટલ બેલેટનો નહીં. પરંતુ અંતે સ્વાભાવિક રીતે ગણતરી બંનેની થાય છે. એટલે ગણાયેલા મત EVMમાં પડેલા મતો કરતાં વધારે હોવાના. કારણ કે 17Cમાં પોસ્ટલ બેલેટથી કેટલા મત આવ્યા તેનો ઉલ્લેખ થતો નથી.
દિવસ દરમિયાન EVMમાં કેટલા મત પડ્યા તેનો ડેટા પ્રિસાઇડિંગ ઑફિસર ફોર્મ 17Cમાં ભરીને તેની નકલ બૂથ પર હાજર ઉમેદવારોના એજન્ટોને પણ આપે છે. બીજી નકલ EVM સાથે સીલ થઈને જાય છે, જે ગણતરી દરમિયાન ખુલે છે. ગણતરી કરનાર અધિકારીઓ આ વૉટ સાથે ગણાયેલા મતોનો મેળ કરે છે.
પરંતુ અહીં એક અગત્યની બાબત આવે છે. ફોર્મ 17Cમાં પોસ્ટલ બેલેટની સંખ્યા હોતી નથી, તેમાં માત્ર EVMનો જ ડેટા હોય છે. પરંતુ ગણતરી તો પોસ્ટલ બેલેટની પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં EVMમાં જેટલા મત પડ્યા હોય તેની અને પોસ્ટલ બેલેટની ગણતરી કરીને અંતિમ આંકડો જાહેર કરવામાં આવે છે. આશા રાખીએ કે કાલે ઉઠીને કેજરીવાલ એવો દાવો ન કરે કે EVMમાં આટલા જ મતો પડ્યા તો ગણતરી તેનાથી વધારે મતોની કેમ થઈ? તે એટલા માટે કારણ કે પોસ્ટલ બેલેટની પણ ગણતરી કરવાની હોય છે અને તેનો ઉલ્લેખ ફોર્મ 17Cમાં કરવામાં આવતો નથી.
ફોર્મ 17C અપલોડ કરવાની માંગ આ પહેલાં પણ દેશની સુપ્રીમ કોર્ટમાં થઈ ચૂકી છે અને કોર્ટ અરજી ફગાવી પણ ચૂકી છે. જેથી ચૂંટણી પંચ આ ફોર્મ સાર્વજનિક કરવા માટે બાધ્ય નથી.
મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચે આ ફોર્મ સાવર્જનિક કરવામાં આવે તો કેવી ભ્રમણાઓ સર્જાઈ શકે અને કઈ રીતે ઇલેક્શન કમિશનને ટાર્ગેટ કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે તેનાં ભયસ્થાનો પણ બતાવ્યાં હતાં. આ બાબતોને જ ધ્યાનમાં લઈને પછીથી કોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી હતી.
ઈલેક્શન કમિશને કોર્ટને જણાવ્યું હતું કે, જો ફૉર્મ 17C જાહેર કરવામાં આવે તો તેનાથી મતદારોમાં કન્ફ્યુઝન થઈ શકે છે. કારણ કે ફોર્મ 17Cના આંકડા (જે EVMમાં પડેલા મતો છે) અને ફાઇનલ વૉટર ટર્નઆઉટ (જેમાં પોસ્ટલ બેલેટ પણ સામેલ હોય) વચ્ચે ફેર હોય છે અને જો તેની પાછળનું કારણ સરળતાથી ન સમજાય તો ‘નિહિત સ્વાર્થ’ ધરાવનારાઓ તેનો ઉપયોગ ચૂંટણી પ્રક્રિયા પર શંકા ઉપજાવવા માટે કરી શકે છે.