Monday, June 17, 2024
More
    હોમપેજરાજકારણશું હોય છે ફોર્મ 17C, જેને સાર્વજનિક કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી:...

    શું હોય છે ફોર્મ 17C, જેને સાર્વજનિક કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી: સરળ શબ્દોમાં સમજો કઈ રીતે નિષ્ફળ ગયો ચૂંટણી પ્રક્રિયામાં અડચણ પેદા કરવાનો વધુ એક પ્રયાસ

    આ ફોર્મ બહુ મહત્વનું છે કારણ કે જો પરિણામ બાદ તેને કોર્ટમાં પડકારવામાં આવે તો આ જ રેકર્ડના આધારે કોર્ટ નિર્ણય કરે છે. કારણ કે તેમાં જે-તે બૂથમાં થયેલા મતદાનનો તમામ ડેટા ઉપલબ્ધ હોય છે. 

    - Advertisement -

    હમણાં જ સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વખતે મતદાન બાદ દરેક મતદાન મથકે થયેલા મતદાનની ટકાવારી અને તે રેકોર્ડ દર્શાવતું 17C ફોર્મ સાર્વજનિક કરવા માટે ચૂંટણી પંચને આદેશ આપવાની ના પાડી દીધી. કોર્ટ જે અરજી પર સુનાવણી કરી રહી હતી તેમાં માંગ કરવામાં આવી હતી કે મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર ચૂંટણી પંચ દરેક મતદાન મથકનાં ફોર્મ 17C પોતાની વેબસાઈટ ઉપર અપલોડ કરે તેવી વ્યવસ્થા હોવી જોઈએ, જેથી દરેક મતદાન મથકમાં કેટલું મતદાન થયું તે જાણી શકાય. પણ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નથી. 

    અહીં સમજીએ કે ફોર્મ 17C શું હોય છે. 

    મતદાન યોજાય ત્યારે દરેક મતદાન મથક પર કર્મચારીઓને EVMથી માંડીને અન્ય સાધનો તેમજ અમુક દસ્તાવેજો આપવામાં આવે છે. મતદાન દરમિયાન આ ડોક્યુમેન્ટ્સ તૈયાર થતાં હોય છે અને અંતે તે જમા કરવામાં આવે છે. આમાંથી અમુક ડોક્યુમેન્ટ પછીથી મતગણતરી દરમિયાન પણ ધ્યાને લેવામાં આવે છે. જેથી પ્રક્રિયાની પારદર્શિતા જળવાય રહે. જુદાં-જુદાં ફોર્મ પૈકીનું જ એક ફોર્મ હોય છે 17C. ગુજરાતીમાં આ ફોર્મને 17 (ગ) કહે છે.

    - Advertisement -

    આ 17C ફોર્મમાં જે-તે મતદાન મથકમાં નોંધાયેલા મતનો રેકર્ડ રાખવામાં આવે છે. જેમાં તમામ ડેટા ઉપલબ્ધ હોય છે. જેમકે જે-તે વિસ્તારમાં કેટલા મતદારો નોંધાયેલા છે, જેમાંથી કેટલાએ મતદાન કર્યું,  કેટલાએ ન કર્યું, કેટલા મતો રિજેક્ટ થયા (કારણ સાથે), ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (EVM)માં કેટલા મત પડ્યા અને પોસ્ટલ બેલેટથી કેટલા મતો પડ્યા હતા. 

    આ ફોર્મના બીજા ભાગમાં તમામ ઉમેદવારોનાં નામ હોય છે અને તેમને કેટલા મત મળ્યા તેની માહિતી હોય છે. તેમાં એ માહિતી પણ હોય છે કે જેટલા મત મતદાન મથકે નોંધાયા હતા તેની સંખ્યા અને જેટલા મત પડ્યા હતા, તેની સંખ્યા સરખી છે કે કેમ. 

    હવે અહીં મતદાન સમયે જે-તે બૂથના પ્રિસાઈડિંગ ઓફિસર હોય તેઓ ફોર્મ 17Cનો પ્રથમ ભાગ ભરે છે. જેમાં એ માહિતી હોય છે કે મતદાનના દિવસે શરૂઆતથી લઈને અંતિમ મત પડ્યો ત્યાં સુધીમાં કેટલા મત નોંધાયા. આ માહિતી પછીથી તમામ ઉમેદવારોના પોલિંગ એજન્ટોને આપવામાં આવે છે. જ્યારે બીજો ભાગ ભરવાનું કામ મતગણતરી કરનાર સુપરવાઇઝરનું છે. ગણતરી બાદ તેઓ તાળો મેળવે છે કે જેટલા મતો ફોર્મના પાર્ટ-1માં નોંધાયા હતા તેટલા જ મતો મશીનમાં (સાથે પોસ્ટલ બેલેટ પણ ગણાય) પડ્યા છે કે કેમ. જેની પછી રિટર્નિંગ ઑફિસર ચકાસણી કરે છે. 

    કેમ મહત્વનું આ ફોર્મ?

    આ ફોર્મ બહુ મહત્વનું છે કારણ કે જો પરિણામ બાદ તેને કોર્ટમાં પડકારવામાં આવે તો આ જ રેકર્ડના આધારે કોર્ટ નિર્ણય કરે છે. કારણ કે તેમાં જે-તે બૂથમાં થયેલા મતદાનનો તમામ ડેટા ઉપલબ્ધ હોય છે. 

    સામાન્ય રીતે આ 17C ફોર્મની આપ-લે કર્મચારીઓ વચ્ચે જ થાય છે અને ક્યાંય સાર્વજનિક કરવામાં આવતું નથી. ચૂંટણી પંચ આખા મતવિસ્તારમાં કેટલું મતદાન થયું તેની ટકાવારી જાહેર કરે છે. આ આંકડાઓ દરેક બૂથ પરથી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ ઝોન પ્રમાણે અને અંતે મતવિસ્તારના આંકડા એકઠા કરવામાં આવે છે. પણ આ પ્રક્રિયામાં સ્વભાવિક સમય લાગી શકે. જે આપણે ત્યાંના વિપક્ષોને મંજૂર નથી. તેઓ માંગ કરી રહ્યા હતા કે ચૂંટણી પંચ 48 કલાકમાં મતદાનના ડેટા જાહેર કરે અને સાથે દરેક બૂથના ડેટા જાહેર કરીને આ ફોર્મ 17C વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. 

    અરજીમાં શું કરવામાં આવી હતી માંગ? 

    ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ત્યારથી વિપક્ષો ચૂંટણી પંચ મતદાનના ડેટા જલ્દી ન જાહેર કરતું હોવાની બૂમો પાડતા રહે છે. કમિશન પહેલાં પણ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે આ પ્રક્રિયામાં સમય લાગે છે અને આરોપો માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસ છે, તેમાં કશું જ તથ્ય નથી. પણ જેમ દર વખત થાય છે તેમ આ વખતે પણ મુદ્દો કોર્ટમાં પહોંચી ગયો. સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને ચૂંટણી પંચને 17C ફોર્મ અપલોડ કરીને દરેક મતદાન મથકના ડેટા 48 કલાકમાં જાહેર કરવાની સૂચના આપવાની માંગ કરવામાં આવી. જેની ઉપર કોર્ટ સુનાવણી હાથ ધરી હતી. 

    અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, 

    1. મતદાન પૂર્ણ થયા બાદ દરેક મતદાન મથકના ફોર્મ 17Cની (માત્ર ભાગ-1) સ્કેન્ડ અને પ્રમાણિત નકલ ચૂંટણી પંચ પોતાની વેબસાઈટ પર અપલોડ કરે. 
    2. દરેક મતદાન મથકે કેટલું મતદાન થયું છે તેનો ડેટા અને 17C ફોર્મમાં કેટલા મત પડ્યા છે તેની માહિતી કૌષ્ટક સ્વરૂપે આપવામાં આવે. આ સિવાય આવો જ ડેટા મતવિસ્તાર પ્રમાણે પણ પૂરો પાડવામાં આવે. 
    3. પરિણામો જાહેર કરવામાં આવે ત્યારબાદ 17C ફોર્મના ભાગ-2ની પણ પ્રમાણિત નકલ સ્કેન કરીને ચૂંટણી પંચની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. 

    ચૂંટણી પંચે શું કહ્યું? 

    આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચનો પણ જવાબ માંગ્યો હતો. કમિશને સ્પષ્ટ કહ્યું કે જો આમ કરવામાં આવે તો નકામી અવ્યવસ્થા સર્જાઈ શકે છે અને બીજું કે લોકોમાં પણ મૂંઝવણ વધી શકે છે. બીજું, એ પણ ધ્યાન દોરવામાં આવ્યું કે નિયમો કે કાયદો કમિશનને ક્યાંય પણ આ ફોર્મ સાર્વજનિક કરવા માટે બાધ્ય કરતો નથી કારણ કે તે અધિકારીઓના ઉપયોગ માટે છે, સાર્વજનિક કરવા માટે નહીં. 

    ચૂંટણી પંચે એમ પણ સમજાવ્યું કે, જો ફોર્મ સાર્વજનિક કરવામાં આવે તો ફોટા એડિટ થવાની પણ શક્યતા છે પ્લસ પરિણામ આવે તો તેની સાથે પણ ચેડાં થઈ શકે છે. જેના કારણે ચૂંટણી પ્રક્રિયાને સીધી અસર થશે અને વિશ્વસનીયતાને પણ જોખમ ઊભું થઈ શકે. 

    કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, આ અરજી ખોટા સંશય પેદા કરનારી અને તથ્યવિહીન આરોપોયુક્ત છે. સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી કે વોટર ટર્નઆઉટ એપનો ડેટા પ્રાથમિક હોય છે કારણ કે તે ‘સેકન્ડરી સોર્સ’ પર આધારિત હોય છે. આ સિવાય એવી દલીલો પણ ફગાવી દેવામાં આવી કે અંતિમ આંકડામાં 5થી 6 ટકાનો ફેર જોવા મળે છે. વકીલે જણાવ્યું હતું કે આ ફેરફાર 1થી 2 ટકા જેટલો જ હોય છે. 

    સુપ્રીમ કોર્ટે ત્રણેય માંગ ફગાવી 

    સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરીને બંને પક્ષોની દલીલ સાંભળીને આખરે ઉપર ઉલ્લેખિત ત્રણેય માંગ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં હસ્તક્ષેપ થઈ શકે નહીં. 

    આ સાથે નોંધવું જોઈએ કે જે અરજી પર સુનાવણી ચાલી રહી હતી તેવી જ માંગ કરતી અન્ય એક રિટ પિટિશન 2019માં TMC નેતા મહુઆ મોઈત્રા દ્વારા દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે બંને અરજીઓની માંગ સમાન હોવાના કારણે આ વચગાળાની અરજી પર જો કોઈ રાહત આપવામાં આવે તો તે મુખ્ય અરજી પર રાહત આપ્યા સમાન ગણાશે. જેથી બંને અરજીઓને સાથે જ લિસ્ટ કરવામાં આવે. પરંતુ હાલ કોર્ટ કોઇ આદેશ આપી રહી નથી. 

    કોર્ટના આદેશનો અર્થ એ છે કે ચૂંટણી પ્રક્રિયા જેમ ચાલતી હતી તેમ જ ચાલશે. વિપક્ષો અને એક ઈકોસિસ્ટમનો ચૂંટણી પંચ પર નકામા સવાલો ઊભા કરીને અડચણ પેદા કરવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ ગયો છે. 

    નોંધવું જોઈએ કે આ પહેલાં સુપ્રીમ કોર્ટ આવી જ એક અરજી ફગાવી ચૂકી છે, જેમાં VVPAT અને EVMના 100 ટકા ડેટાનો મેળ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે હાલ મતગણતરી સમયે ચૂંટણી પંચ કોઇ પણ 5 મતદાન મથકોમાં EVM અને VVPATના ડેટાને સરખાવે છે. તેના સ્થાને દરેક મતદાન મથક પર દરેક મત માટે આ પ્રક્રિયા થવી જોઈએ. આ સિવાય મતદાન માટે ફરી બેલેટ પેપર પદ્ધતિ અપનાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી. કોર્ટે 26 એપ્રિલના રોજ આ માંગ ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં