Monday, June 17, 2024
More
    હોમપેજદેશ‘ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે, કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે’: દરેક બૂથ પ્રમાણે મતદાનના...

    ‘ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે, કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે’: દરેક બૂથ પ્રમાણે મતદાનના આંકડા જાહેર કરી ફોર્મ 17C અપલોડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

    ચૂંટણી પંચે આ અરજી પર જવાબ દાખલ કરતી વખતે જણાવ્યું હતું કે, દરેક મતદાન મથકની ટકાવારી જાહેર કરવાનું કોઇ નિયમમાં લખ્યું નથી કે ન આના માટે કોઇ કાયદો છે. સાથે કમિશને એમ પણ જણાવ્યું હતું કે જો 17C ફોર્મ અપલોડ કરવામાં આવે તો તે મતદારોમાં મૂંઝવણ પેદા કરી શકે છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ તમામ બૂથ પ્રમાણે મતદાનની ટકાવારી જાહેર કરવાની અને 17C ફોર્મ અપલોડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને કોર્ટ તેમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં. શુક્રવારે (24 મે) આ ચુકાદો આપવામાં આવ્યો. 

    જસ્ટિસ દીપાંકર દત્તા અને સતિષ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં કોર્ટ હાલ કોઈ હસ્તક્ષેપ કરશે નહીં અને પ્રક્રિયામાં હમણાં કોઇ અડચણ પેદા કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, “ચૂંટણી ચાલી રહી છે ત્યારે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. આ અરજીને મુખ્ય રિટ પિટિશન સાથે જ સાંભળવામાં આવે તે જરૂરી છે. આપણે પ્રક્રિયામાં હમણાં અડચણ પેદા ન કરી શકીએ. સંસ્થાઓ પર વિશ્વાસ રાખીએ.” ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પણ આ પ્રકારની જ માંગ સાથે એક અરજી દાખલ કરવામાં આવી હતી. અહીં ‘મુખ્ય રિટ પિટિશન’નો સંદર્ભ તેની સાથે છે. 

    કોર્ટે સુનાવણી બાદ કહ્યું કે, “વચગાળાની અરજી પર દલીલો સાંભળવામાં આવી. પ્રથમ દ્રષ્ટિએ અમે આ તબક્કે કોઇ રાહત આપી રહ્યા નથી, કારણ કે મુખ્ય રિટ પિટિશન અને વચગાળાની અરજીની અમુક માંગો સમાન છે. જો વચગાળાની અરજી પર કોઈ રાહત આપવામાં આવે તો તે અંતિમ રાહત આપ્યા સમાન ગણાશે. આ અરજીને મુખ્ય અરજી સાથે જ લિસ્ટ કરવામાં આવે તે જરૂરી છે. આ બાબતો સિવાય અમે કોઇ અભિપ્રાય આપી રહ્યા નથી કે ગુણદોષ પર ટિપ્પણી કરી રહ્યા નથી.”

    - Advertisement -

    નોંધવું જોઈએ કે વર્ષ 2019માં TMC નેતા મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરીને 2019 લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વિસંગતતા હોવાના આરોપ લગાવ્યા હતા. હવે આ ચૂંટણીમાં એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામના એક NGO દ્વારા વચગાળાની અરજી દાખલ કરીને તમામ બૂથની મતદાનની ટકાવારી 48 કલાકની અંદર જાહેર કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ માંગ ફગાવી દીધી છે. 

    અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે હાલ ચાલતી લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દિવસો પછી મતદાનની ટકાવારી જાહેર કરી રહ્યું છે. ઉપરાંત, મતદાનના દિવસ કરતાં જ્યારે અંતિમ ટકાવારી જાહેર કરવામાં આવે તેમાં 5% સુધીનો ફેરફાર જોવા મળ્યો છે. જેથી ચૂંટણી પંચને આદેશ આપવામાં આવે કે તેઓ દરેક તબક્કાના મતદાન બાદ તમામ મતદાન મથકોનાં 17C ફોર્મની પ્રમાણિત નકલ વેબસાઈટ પર અપલોડ કરે. અહીં નોંધનીય છે કે 17C ફોર્મ એ ફોર્મ હોય છે, જેમાં મતદાનની ટકાવારી નોંધવામાં આવે છે. આવું ફોર્મ દરેક બૂથ પર ભરવામાં આવે છે અને જમા કરવામાં આવે છે. 

    ચૂંટણી પંચે આ અરજી પર જવાબ દાખલ કરતી વખતે જણાવ્યું હતું કે, દરેક મતદાન મથકની ટકાવારી જાહેર કરવાનું કોઇ નિયમમાં લખ્યું નથી કે ન આના માટે કોઇ કાયદો છે. સાથે કમિશને એમ પણ જણાવ્યું હતું કે જો 17C ફોર્મ અપલોડ કરવામાં આવે તો તે મતદારોમાં મૂંઝવણ પેદા કરી શકે છે, કારણ કે તેમાં પોસ્ટલ બેલેટ પણ ગણાય છે. સાથે એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મતદાન પૂર્ણ થયા બાદ દરેક મતદાન મથકની ટકાવારી જે-તે ઉમેદવારોના એજન્ટોને તો આપી જ દેવામાં આવે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આવું કરવાથી નકામા હોબાળાની પરિસ્થિતિ ઉભી થશે. આખરે કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને અરજી ફગાવી દીધી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં