Tuesday, September 17, 2024
More
    હોમપેજક્રાઈમ'કંપનીઓની જમીન કોંગ્રેસ સરકારે પાર્ટી અધ્યક્ષના ફેમિલી ટ્રસ્ટને આપી દીધી': કર્ણાટકના રાજ્યપાલે...

    ‘કંપનીઓની જમીન કોંગ્રેસ સરકારે પાર્ટી અધ્યક્ષના ફેમિલી ટ્રસ્ટને આપી દીધી’: કર્ણાટકના રાજ્યપાલે માંગ્યો રિપોર્ટ, સિદ્ધારમૈયાનો ‘જમીન કૌભાંડ’ હાઈકોર્ટમાં

    કોંગ્રેસ સરકાર પર આરોપ છે કે, તેણે આ જમીન ખડગે પરિવારના ટ્રસ્ટને એવા વિસ્તારમાં આપી હતી, જે એરોસ્પેસ કંપનીઓ માટે હતી. ભાજપ નેતા લહર સિંઘ સિરોયાએ પૂછ્યું છે કે, આખરે ખડગે પરિવાર ક્યારથી એરોસ્પેસ કંપની ચલાવવા લાગ્યો?

    - Advertisement -

    કર્ણાટકના રાજ્યપાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે દ્વારા સંચાલિત ટ્રસ્ટને કોંગ્રેસ સરકાર દ્વારા જમીન આપવાના મામલે માહિતી માંગી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ અંગેનો રિપોર્ટ જમા કારવવા માટે કહ્યું છે. બીજી તરફ કર્ણાટક હાઈકોર્ટમાં પણ MUDA કૌભાંડને લઈને સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્નીને મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (MUDA)એ જમીન આપવાનો નિર્ણય ત્યારે કર્યો જ્યારે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતા. કોંગ્રેસ જમીન કૌભાંડના આરોપોથી ચારે બાજુથી ઘેરાઈ ચૂકી છે અને તે અંગેનો જવાબ પણ તેની પાસે નથી.

    કર્ણાટક હાઈકોર્ટે સોમવારે (2 સપ્ટેમ્બર, 2024) મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્નીને જમીન આપવા મામલે સુનાવણી હાથ ધરી હતી. આ મામલે એક્ટિવિસ્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. એક્ટિવિસ્ટના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, “નવેમ્બર, 2017માં નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેવલપમેન્ટ લેઆઉટ બનાવવા માટે ડી-નોટિફાઈડ જમીનનો ઉપયોગ કરવામાં ભૂલ કરી હોવાનું સ્વીકારીને પણ MUDAએ અરજદાર (CM સિદ્ધારમૈયા)ના પત્ની પાર્વતીને વૈકલ્પિક જમીન આપવાનું નક્કી કર્યું હતું. આ જ સમગ્ર બાબતનું નિષ્કર્ષ છે.”

    એક્ટિવિસ્ટે વધુમાં કહ્યું હતું કે, “આ જમીન અરજદારના સાળાએ ખરીદી હતી, બાદમાં તેને ડી-નોટીફાઈડ કરવામાં આવી હતી. આ પછી તેને ભેટ તરીકે બહેનને આપવામાં આવી હતી. પછી તેને MUDA દ્વારા ટેકઓવર કરીને ડેવલપ કરવામાં આવી હતી અને તેના બદલામાં નિયમોમાં ફેરફાર કરીને વળતર પણ આપવામાં આવ્યું હતું. આ બધું ત્યારે થયું હતું, જ્યારે CM સિદ્ધારમૈયા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો પ્રથમ કાર્યકાળ 2013થી 2018 સુધીનો હતો. આ રીતે તેમનો આ કેસ સાથે સંબંધ છે.”

    - Advertisement -

    આ મામલે એક્ટિવિસ્ટે કહ્યું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ભૂમિકાની તપાસ થવી જોઈએ. એક્ટિવિસ્ટે કહ્યું કે, જો અંતમાં દરેકને ચિટ મળી જાય, તોપણ જો CM સિદ્ધારમૈયાની નાની ભૂમિકા પણ નીકળી હોય તો તે પદ પર રહીને ભ્રષ્ટાચારનો મામલો ગણાય. આ કેસમાં ગયા મહિને જ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે CM સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. CM સિદ્ધારમૈયાએ તેની સામે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અંગેની સુનાવણીમાં જ આ આરોપો લગાવવામાં આવ્યા હતા. હવે આ મામલામાં સુનાવણી 9 સપ્ટેમ્બર, 2024ના રોજ હાથ ધરાશે.

    ખડગે પરિવારના ટ્રસ્ટને જમીન આપવા પર રાજ્યપાલે માંગ્યો રિપોર્ટ

    કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પરિવારના ટ્રસ્ટને જમીન આપવા અંગે સરકાર પાસેથી માહિતી માંગી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કોંગ્રેસ સરકારને પત્ર લખીને આ મામલે માહિતી માંગી છે. બેંગ્લોરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકાર દ્વારા ખડગે પરિવારના ટ્રસ્ટને આપવામાં આવેલી જમીન અંગે રાજ્યપાલે જવાબ માંગ્યો છે. આ જમીન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર રાહુલ ખડગેના નેતૃત્વ હેઠળના સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને આપવામાં આવી હતી.

    આ કેસમાં કોંગ્રેસ સરકાર પર આરોપ છે કે, તેણે આ જમીન ખડગે પરિવારના ટ્રસ્ટને એવા વિસ્તારમાં આપી હતી, જે એરોસ્પેસ કંપનીઓ માટે હતી. ભાજપ નેતા લહર સિંઘ સિરોયાએ પૂછ્યું છે કે, આખરે ખડગે પરિવાર ક્યારથી એરોસ્પેસ કંપની ચલાવવા લાગ્યો? ખડગે પરિવારના ટ્રસ્ટને જમીન આપવાના મામલે કર્ણાટક સરકારના મંત્રી એમબી પાટીલની ભૂમિકાની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. નોંધવા જેવુ છે કે, આ જમીન ખડગે પરિવારના ટ્રસ્ટને માર્ચ 2024માં આપવામાં આવી હતી.

    બેંગ્લોરમાં જમીન આપવા ઉપરાંત કલબુર્ગીમાં પણ એક જમીન ફાળવવાનો મામલો સામે આવ્યો છે. ભાજપ સાંસદ લહર સિંઘ સિરોયાએ X પર પોસ્ટ કરીને આ મામલે સવાલ પૂછ્યા છે. તેમણે X પર પૂછ્યું કે, “દસ્તાવેજોથી જાણવા મળે છે કે, ગુલબર્ગામાં આંતરરાષ્ટ્રીય પાલી, સંસ્કૃત અને તુલનાત્મક દર્શન સંસ્થાઓને 19 એકર સરકારી જમીન મફત આપવામાં આવી હતી, જેનું સંચાલન મલ્લિકાર્જુન ખડગે પરિવારના સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.”

    તેમણે વધુમાં જણાવ્યું કે, “માર્ચ 2014માં સિદ્ધારમૈયાની કોંગ્રેસ સરકારે 16 એકર સરકારી જમીન પાલી ઈન્સ્ટિટ્યૂડને 30 વર્ષ માટે લીઝ પર આપી હતી. થોડા વર્ષોમાં 03 એકર જમીન 16 એકરની લીઝમાં ઉમેરવામાં આવી હતી. આખરે, માર્ચ 2017માં કોંગ્રેસ સરકારે ખડગે પરિવાર દ્વારા સંચાલિત સંસ્થાને મફતમાં તમામ 19 એકર જમીન ટ્રાન્સફર કરી દીધી હતી. મહત્વની વાત એ છે કે, ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે તત્કાલીન કર્ણાટક સરકારમાં કેબિનેટ મંત્રી હતા, જે રીતે તેઓ વર્તમાનમાં પણ છે.”

    કર્ણાટકની કોંગ્રેસ સરકાર આ તમામ બાબતોમાં નિયમોના પાલનની વાત કરી રહી છે. જ્યારે તે સિદ્ધારમૈયા કેસમાં કોર્ટમાં ગઈ છે, ખડગે પરિવારના કેસમાં હજુ પણ વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જો આ મામલો તપાસ માટે જશે તો રાજ્યમાં વધુ રાજકીય ગરમાવો આવવાના સંકેતો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં