Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણપત્નીની જમીનનું સરકારી અધિગ્રહણ, બદલામાં તગડી કિંમતનો પ્લોટ: શું છે MUDA જમીન...

    પત્નીની જમીનનું સરકારી અધિગ્રહણ, બદલામાં તગડી કિંમતનો પ્લોટ: શું છે MUDA જમીન કૌભાંડ, જેમાં કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ અપાયા તપાસના આદેશ

    આરોપ છે કે, પ્લોટ ગેરકાયદેસર રીતે તેવા લોકોને ફાળવવામાં આવ્યા હતા, જે પોતે જમીન વિહોણા હોવાનો દાવો કરી રહ્યા હતા. આ કૌભાંડમાં વચેટિયાઓની ભૂમિકા ઉપરાંત MUDA અધિકારીઓની સક્રિય મિલીભગતની પણ શંકા છે.

    - Advertisement -

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શનિવારે (17 ઑગસ્ટ) કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (MUDA) જમીન કૌભાંડ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની પરવાનગી આપી દીધી. તે પહેલાં રાજ્યપાલે MUDA જમીન કૌભાંડ મામલે મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ ચલાવવા માટે કેબિનેટની સલાહ માંગી હતી. જોકે, કેબિનેટ તરફથી સરખો પ્રતિસાદ મળી શક્યો નહોતો. આ અંગે ગુરુવારે (15 ઑગસ્ટ) કેબિનેટ બેઠક પણ થઈ હતી. તેમાં રાજ્યપાલને કારણ બતાવો નોટિસ પરત લેવાની સલાહ આપવામાં આવી હતી.

    આ બેઠક બાદ કર્ણાટકના રાજ્યપાલે કાયદાના તજજ્ઞો સાથે વિચાર-વિમર્શ કરીને નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. તે પછી હવે તેમણે મુખ્યમંત્રી વિરુદ્ધ MUDA જમીન કૌભાંડ મામલે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી. MUDA કૌભાંડ મામલે ફરિયાદીઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 17, 19 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 218 હેઠળ મુખ્યમંત્રી સામે કાર્યવાહી કરવાની પરવાનગી માંગી હતી. ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા ટીજે અબ્રાહમ સહિત અનેક ફરિયાદીઓએ આક્ષેપ કર્યો છે કે, MUDAમાં ગેરકાયદેસર ફાળવણીને કારણે રાજ્યને ₹45 કરોડનું નુકસાન થયું છે.

    નોંધનીય છે કે, કર્ણાટકની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ મામલે તપાસની માંગ કરી રહી હતી. ભાજપે આ વર્ષે જુલાઈ મહિનામાં જ મુખ્યમંત્રી કાર્યાલયની બહાર સિદ્ધારમૈયાના રાજીનામાં અને CBI તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. હાલમાં મળેલી ફરિયાદમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમના પત્ની પાર્વતી, તેમના દીકરા તથા MUDAના કમિશનર વિરુદ્ધ કેસ ચલાવવાની માંગણી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    શું છે MUDA કૌભાંડ?

    MUDA તરીકે ઓળખાતી મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી કર્ણાટકની એક એજન્સી છે. જે મૈસૂરમાં અર્બન ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટેના કામ કરે છે. આ ઉપરાંત MUDA વ્યાજબી દરે લોકોને આવાસ આપવા માટેનું કામ પણ કરે છે. શહેરી વિકાસ દરમિયાન પોતાની જમીન ગુમાવનારા લોકો માટે MUDA એક યોજના લાવી હતી. વર્ષ 2009માં પહેલીવાર લાગુ કરવામાં આવેલી આ યોજનાનું નામ 50:50 હતું. તેમાં જમીન ગુમાવનારા લોકો વિકસિત જમીનના 50%ના હકદાર હતા. તે 30’x40′ પરિમાણના આશરે 9 વિકસિત પ્લોટ્સની સમકક્ષ છે અને તેઓ તેને હાલના બજાર દરે કોઈપણને વેચવા માટે સ્વતંત્ર હતા.

    યોજનામાં કૌભાંડના આરોપ

    આરોપ છે કે, આ પ્લોટ ગેરકાયદેસર રીતે તેવા લોકોને ફાળવવામાં આવ્યા હતા, જે પોતે જમીન વિહોણા હોવાનો દાવો કરી રહ્યા હતા. આ કૌભાંડમાં વચેટિયાઓની ભૂમિકા ઉપરાંત MUDA અધિકારીઓની સક્રિય મિલીભગતની પણ શંકા છે. ઉલ્લેખનીય છે કે, 15 જૂનના રોજ બે ભૂમિહીન લોકોને પ્લોટ ફળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પૈકી, તત્કાલિન MUDA કમિશનર દિનેશ કુમારે 8.14 એકર જમીનના મૂળ માલિકના વારસદારને 98,206 ચોરસ ફૂટ વિકસિત જમીન ફાળવી હતી. આ જમીન MUDA દ્વારા ગોકુલમ લેઆઉટના વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી. મૈસૂરમાં ગોકુલમ લેઆઉટ માટે અધિગ્રહણની કાર્યવાહી 1968માં શરૂ થઈ હતી.

    સિદ્ધારમૈયાના પત્નીને લાભ પહોંચાડ્યો હોવાના આરોપ

    રાજ્યમાં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે તેણે વર્ષ 2020માં આ યોજના બંધ કરી દીધી હતી. એવો આક્ષેપ છે કે, યોજના બંધ થયા પછી પણ MUDA એ 50:50 યોજના હેઠળ જમીન સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું હતું. આરોપ છે કે, આ યોજના હેઠળ વર્તમાન CM સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીને લાભ પહોંચાડવામાં આવ્યો હતો. MUDAના આ કૌભાંડમાં કમિશનર પર પણ આરોપ છે. પાર્વતીની 3 એકર અને 16 ગુંટા જમીન MUDA દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. મૈસૂરની સીમમાં સ્થિત કેસરમાં આવેલી આ જમીન 1996માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ ખરીદી હતી.

    આ પછી, મલ્લિકાર્જુને તે જમીન વર્ષ 2010માં પાર્વતીને ભેટમાં આપી હતી. એવો આરોપ છે કે, MUDAએ આ જમીનને સંપાદિત કર્યા વિના જ દેવનૂર ત્રીજા તબક્કાની યોજના વિકસિત કરી દીધી હતી. બાદમાં પાર્વતીએ જમીન સંપાદિત કરવામાં આવી હોવાનો દાવો કરીને વળતર માટે અરજી કરી હતી. તે જમીનના બદલામાં પાર્વતીને મોંઘા વિસ્તાર ગણાતા વિજયનગર III અને IV ફેઝમાં 14 સાઇટ્સ ફાળવવામાં આવી હતી. 50:50 ગુણોત્તર યોજના હેઠળ કુલ 38,284 ચોરસ ફૂટની ફાળવણી કરવામાં આવી હતી. વિપક્ષ આ ફાળવણીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની પર કૌભાંડનો આરોપ લગાવી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં