Saturday, May 4, 2024
More
    હોમપેજદેશકેજરીવાલનું ભારતભ્રમણ એળે જશે?: દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાંથી પસાર થયા બાદ હવે...

    કેજરીવાલનું ભારતભ્રમણ એળે જશે?: દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાંથી પસાર થયા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરાશે, ત્યાંથી પણ પાસ થવું નક્કી; અહીં સમજો બહુમતનું ગણિત

    જે દિવસે કેન્દ્ર સરકારે દિલ્હીમાં અમલદારશાહી પર નિયંત્રણ જાળવી રાખવા માટે કેન્દ્રને શક્તિશાળી કરવા મે મહિનામાં બહાર પાડવામાં આવેલા વટહુકમને બદલવા માટે દિલ્હી સર્વિસીસ બિલ રજૂ કર્યું, ત્યારે જ બે પ્રભાવશાળી પ્રાદેશિક પક્ષો - YSR કોંગ્રેસ અને BJD - એ બિલને તેમનું સમર્થન જાહેર કર્યું હતું. આ બંને પક્ષો પાસે રાજ્યસભામાં કુલ 18 વોટ છે. તો આ સાથે NDA નો આંકડો 126 થઇ જશે, જે બહુમતી કરતા વધુ છે.

    - Advertisement -

    ગુરુવાર (4 ઓગસ્ટ, 2023)ના દિવસે દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે, જ્યાં વિપક્ષી એકતાની કસોટી થવાની છે. પરંતુ YRS અને BJDએ કેન્દ્રને ટેકો જાહેર કરીને આમ આદમી પાર્ટી (AAP) ની ચિંતામાં વધારો કર્યો છે. અમિત શાહે રજૂ કરેલ આ બિલ માટે હાલ NDA પાસે તો રાજ્યસભામાં બહુમતના આંકડા નથી, છતાંય રાજ્યસભામાંથી તે પાસ થવું લગભગ નક્કી કેમ છે તે સમજીએ. સોમવારે (7 ઓગસ્ટ, 2023) ગૃહ મંત્રી અમિત શાહ આ બિલ રાજ્યસભામાં રજૂ કરશે.

    ભાજપની બહુમતી જોતાં, દિલ્હી સર્વિસીસ બિલ, 2023 લોકસભામાંથી આરામથી પસાર થઇ જશે એ સૌ જાણતા જ હતા. તે જ મુજબ ગુરુવારે લોકસભામાંથી ભારે બહુમતી સાથે પાસ થઇ ગયું હતું. પરંતુ સત્તાધારી પક્ષ પાસે બહુમતી ન હોવાને કારણે રાજ્યસભામાં તેનું પાસ થવું પડકારરૂપ બની ગયું હતું.

    રાજ્યસભામાં બહુમતી માટે જોઈએ 119, NDA પાસે છે 108

    હવે રાજ્યસભાનું ગણિત જોઈએ તો, તેમાં કુલ 238 સાંસદો છે. જેમાંથી બહુજન સમાજ પાર્ટી (BSP) એ પહેલાથી જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આ મતદાનમાં ભાગ નહીં લે. BSP પાસે રાજ્યસભાની એક સીટ છે. માટે હવે રાજ્યસભાનો આંકડો 237 થશે. 237માંથી કોઈ પણ વિષયમાં બહુમતી માટે 119 સાંસદોનું સમર્થન જરૂરી બની જાય છે.

    - Advertisement -

    ભાજપ સમર્થિત ગઠબંધન NDA ની વાત કરીએ તો તેમની પાસે કુલ 108 બેઠકો છે. જેમાંથી 92 સાંસદો ભાજપના છે અને સાથે 5 નોમિનેટેડ સાંસદો છે. જ્યારે AIADMK પાસે ચાર સાંસદો છે, RPI (આઠાવલે), આસોમ ગણ પરિષદ, પટ્ટલી મક્કલ કાચી, તમિલ મનીલા કોંગ્રેસ (મૂપનાર), નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), મિઝો નેશનલ ફ્રન્ટ અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી (લિબરલ) પાસે એક-એક સભ્ય છે. એટલે કે બહુમતીના 119 ના આંકડાને પહોંચવા માટે આ પૂરતું નથી.

    YRS, BJD અને TDP ના સમર્થન સાથે રાજ્ય્સસભામાં બિલ થશે પાસ

    નોંધનીય છે કે જે દિવસે કેન્દ્ર સરકારે દિલ્હીમાં અમલદારશાહી પર નિયંત્રણ જાળવી રાખવા માટે કેન્દ્રને શક્તિશાળી કરવા મે મહિનામાં બહાર પાડવામાં આવેલા વટહુકમને કાયદામાં બદલવા માટે દિલ્હી સર્વિસીસ બિલ રજૂ કર્યું, ત્યારે જ બે પ્રભાવશાળી પ્રાદેશિક પક્ષો – YSR કોંગ્રેસ અને BJDએ બિલને તેમનું સમર્થન જાહેર કર્યું હતું. આ બંને પક્ષો પાસે રાજ્યસભામાં કુલ 18 વોટ છે. તો આ સાથે NDA નો આંકડો 126 થઇ જશે, જે બહુમતી કરતા વધુ છે.

    જે બાદ અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ પણ આ બિલ માટે NDAને સપોર્ટ જાહેર કર્યો છે. જેની પાસે લોકસભામાં 3 અને રાજ્યસભામાં એક સંસદ છે. જે બાદ NDA નો કુલ આંકડો 127 થઇ જશે જે બહુમતી માટે જરૂરી 119 કરતા ખાસ્સો વધારે છે. આમ જોતાં એ નક્કી દેખાઈ રહ્યું છે કે લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ અમિત શાહનું દિલ્હી સર્વિસીસ બિલ સરળતાથી બહુમતી સાથે પસાર થઇ જશે.

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને પલટાવતો વટહુકમ પસાર કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આખા દેશમાં ફરીને વિવિધ પાર્ટીઓના નેતાઓનું સમર્થન મેળવવાનું શરૂ કર્યું હતું. કારણ કે વટહુકમને જ્યારે સંસદનું સત્ર શરૂ થાય ત્યારે બિલ સ્વરૂપે રજૂ કરીને બંને ગૃહોમાંથી પસાર કરાવવો પડે છે. કેજરીવાલ જાણતા હતા કે લોકસભામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે પરંતુ રાજ્યસભામાં વિપક્ષોના મતોથી બિલને અટકાવી શકાય છે. તેઓ જેટલી વિપક્ષી પાર્ટીઓના રાજ્યસભામાં સાંસદો છે તે બધી જ પાર્ટીના નેતાઓને મળી ચૂક્યા હતા પરંતુ તેમનો આ ફેરો ફોગટ જશે તેમ લાગી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં