Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટન સરખો પ્રતિસાદ મળ્યો, ન નેતાઓ સાથે રહ્યા…. ફ્લૉપ જતી યાત્રા વચ્ચે...

  ન સરખો પ્રતિસાદ મળ્યો, ન નેતાઓ સાથે રહ્યા…. ફ્લૉપ જતી યાત્રા વચ્ચે વિદેશની વાટ પકડશે રાહુલ ગાંધી: 10 દિવસ સુધી કરશે ઇંગ્લેન્ડનો પ્રવાસ

  રાહુલ ગાંધીની યાત્રા ફ્લૉપ જવા પાછળ તેમના જ નિવેદનોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. યાત્રા દરમિયાન તેમણે અનેક જગ્યાએ નિવેદનો આપીને વિવાદ ઊભો કરી દીધો છે. જેને લઈને તેમની યાત્રાને યોગ્ય પ્રતિસાદ પણ મળ્યો નથી.

  - Advertisement -

  2022માં ભારત જોડો યાત્રા કર્યા બાદ 2024માં કોંગ્રેસે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું આયોજન કર્યું. પહેલી યાત્રા દક્ષિણથી ઉત્તર સુધી આયોજિત થઈ હતી, આ યાત્રાનું આયોજન પૂર્વથી પશ્ચિમ સુધી છે. પરંતુ ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી પોતાના ઉટપટાંગ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે, તે સિવાય બીજું કશું જ ફળીભૂત થતું જણાય રહ્યું નથી. એક તરફ લોકોનો જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી તો બીજી તરફ એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ સ્થિતિમાં હવે રાહુલ યાત્રા અધૂરી મૂકીને વિદેશ પ્રવાસ જવાના મૂડમાં છે. તેઓ 10 દિવસ ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. પરત આવ્યા બાદ યાત્રા આગળ ધપાવશે.

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રાને અધૂરી મૂકીને વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. તેમની ન્યાય યાત્રાને દેશમાં ધારેલો પ્રતિસાદ મળી શક્યો નથી. જેના કારણે તે યાત્રા પણ ફ્લૉપ સાબિત થઈ છે. આ દરમિયાન તેઓ યાત્રાની વચ્ચે જ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવા માટે તૈયાર થયા છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે બુધવારે (21 ફેબ્રુઆરી) આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં ચૂંટણી સંબંધિત બેઠકોને ધ્યાને લઈને ભારત જોડો ન્યાય યાત્રા 26 ફેબ્રુઆથી 1 માર્ચ સુધી સ્થગિત રાખવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી 10 દિવસીય ઈંગ્લેન્ડ પ્રવાસે જઈ રહ્યા છે. 27-28 ફેબ્રુઆરીએ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાત લેવાના છે અને ત્યાં તેઓ વ્યાખ્યાન આપવાના છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, 2 માર્ચથી આ યાત્રાને ફરીથી શરૂ કરવામાં આવશે.

  ન્યાય યાત્રા દરમિયાન આપ્યા હતા વિવાદિત નિવેદનો

  રાહુલ ગાંધીની યાત્રા ફ્લૉપ જવા પાછળ તેમના જ નિવેદનોને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે. યાત્રા દરમિયાન તેમણે અનેક જગ્યાએ નિવેદનો આપીને વિવાદ ઊભો કરી દીધો છે. જેને લઈને તેમની યાત્રાને યોગ્ય પ્રતિસાદ પણ મળ્યો નથી. વારાણસીમાં યાત્રા દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના યુવાનોને ‘દિશાવિહીન’ ગણાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, “વારાણસીમાં મેં કેટલાક યુવાનોને નશામાં સડક પર સૂતેલા અને નાચતા જોયા છે. યુપીનું ભવિષ્ય (યુવાઓ) જોખમમાં છે, દિશાવિહીન છે.” આ નિવેદન બાદ પણ તેમની ટીકાઓ થવા લાગી હતી. તેના કારણે તેમની યાત્રા પર પણ અસર જોવા મળી હતી.

  - Advertisement -

  યાત્રા દરમિયાન પોતાના ભાષણને દમદાર સાબિત કરવાની લ્હાયમાં રાજુલે અન્ય એક વિવાદિત નિવેદન આપી દીધું હતું. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને કારણ વગર ઢસડીને ‘ઐશ્વર્યા નાચતી હુઈ દિખાઈ દેગી’ જેવા શબ્દો વાપર્યા હતા અને સાથે અમિતાભ બચ્ચનનું પણ અપમાન કર્યું હતું. આવાં નિવેદનોના કારણે રાહુલને જનસમર્થન તો ન જ મળ્યું, પરંતુ ઉપરથી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો.

  આ સિવાય, યાત્રા શરૂ થઈ ત્યારથી કોઇને કોઇ કોંગ્રેસી નેતા પાર્ટી છોડી રહ્યા છે. આ તમામ દિગ્ગજ નેતાઓ છે અને એક સમયે કેન્દ્રીય મંત્રી સુધી રહી ચૂક્યા છે. યાત્રા શરૂ થઈ તેના પહેલા જ દિવસે મહારાષ્ટ્રના યુવા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ પાર્ટી છોડી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના જ પૂર્વ સીએમ અશોક ચવ્હાણે પણ રાજીનામું ધરી દીધું. બાબા સિદ્દીકી પણ આ જ યાદીનું એક નામ છે. આ સિવાય પણ આસામથી માંડીને અનેક ઠેકાણે કોંગ્રેસને ઝાટકો લાગ્યો. વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ પણ ભાજપમાં જોડાઈ શકે છે. બીજી તરફ, પંજાબથી નવજોત સિંઘ સિદ્ધુ અને મનીષ તિવારી જેવા દિગ્ગજો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી શકે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

  આ બધાની વચ્ચે રાહુલ માટે ભારત જોડવાનું તો ઠીક પણ હાલ કોંગ્રેસ જોડવું પણ કઠિન જણાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેઓ વિદેશ જઈને શું કમાલ કરી દેખાડશે તેની કોંગ્રેસીઓને ચિંતા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં