કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High Court) તાજેતરમાં રિપબ્લિક ન્યૂઝના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) વિરુદ્ધ બેદરકારીપૂર્વક કેસ નોંધવા બદલ રાજ્ય પોલીસની ટીકા કરી હતી, અને કહ્યું હતું કે મીડિયામાં તેમની પ્રસિદ્ધિને કારણે તેમને નિશાન બનાવવા માટે જ આ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ ગત વર્ષે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિશે ખોટા સમાચાર પ્રસારિત કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ મામલે જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે આ દાવાને ફગાવી દીધો હતો તથા કહ્યું હતું કે ગોસ્વામીને કોઈપણ માન્ય કારણ વિના ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.
Arnab Goswami was booked recklessly in fake news case to settle scores: Karnataka High Court
— Bar and Bench (@barandbench) February 24, 2025
Read more: https://t.co/nvkbYygSqm pic.twitter.com/x0Mz76F2MJ
કર્ણાટક કોંગ્રેસના સભ્ય રવિન્દ્ર એમવીએ કરેલી ખાનગી ફરિયાદના આધારે અર્નબ ગોસ્વામી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે “ફક્ત એટલા માટે કે અરજદાર (ગોસ્વામી) ચોથા સ્તંભમાં એક પ્રખ્યાત નામ છે, તેમને કારણ વિના ગુનાના જાળાફસાવવામાં આવી રહ્યા છે, જેથી અરજદાર (અર્નબ) વિરુદ્ધ ગુનો નોંધી શકાય, જે પ્રથમ દ્રષ્ટિએ બેદરકારીભર્યું લાગે છે.”
કોર્ટે રાજ્યને પૂછ્યું કે ગોસ્વામી રિપબ્લિક ટીવી કન્નડના કાર્યમાં સીધા સામેલ ન હતા ત્યારે તેમને આ કેસમાં કેમ ઢસડવામાં આવ્યા? આ ઉપરાંત જ્યારે કોર્ટે રાજ્ય સરકારને ગોસ્વામીએ કયો ચોક્કસ ગુનો કર્યો છે તેવું પૂછ્યું ત્યારે રાજ્ય સરકારે કોઈ જવાબ આપ્યો નહીં.
અર્નબ ગોસ્વામીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા- હાઇકોર્ટનું તારણ
કર્ણાટક હાઇકોર્ટે તારણ કાઢ્યું કે અર્નબ ગોસ્વામીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, તેઓ રિપબ્લિક ટીવી કન્નડના સંચાલનમાં વ્યક્તિગત રીતે સામેલ ન હતા તથા તેમણે પ્રસારણ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. કોર્ટે કહ્યું કે ગોસ્વામીને આ કેસમાં ઘસડી જવું એ બદલાની ભાવનાનું કૃત્ય હતું અને ફરિયાદ દાખલ કરવા પાછળની બેદરકારી અંગે રાજ્ય પોલીસને ફટકાર લગાવી હતી.
નોંધનીય છે કે અર્નબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર રવિન્દ્રએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે 27 માર્ચે રિપબ્લિક ટીવી કન્નડે એક સમાચાર અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાફલાને પસાર થવા દેવા માટે બેંગલુરુમાં એમજી રોડ પર ટ્રાફિક રોકવામાં કરવામાં આવ્યો હતો, જેના કારણે એમ્બ્યુલન્સ પસાર થતી અટકાવી દેવામાં આવી હતી. જોકે, ફરિયાદીએ કહ્યું કે સિદ્ધારમૈયા તે સમયે મૈસુરમાં હતા, બેંગલુરુમાં નહીં.
ગોસ્વામી પર ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 505(2) હેઠળ કથિત રીતે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ અથવા નફરત ભડકાવી શકે એવા નિવેદનો આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કેસ રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે હાઇકોર્ટે તેમની વિરુદ્ધના દાવાને ફગાવી દીધો હતો.