Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસઘાત કર્યો, પાઠ ભણાવવાની જરૂર’: ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં પાર્ટી...

  ‘ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસઘાત કર્યો, પાઠ ભણાવવાની જરૂર’: ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં પાર્ટી કાર્યકરોને લક્ષ્યાંક આપ્યો, કહ્યું- અમે છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો

  મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને ચૂંટણી માટે કામ શરૂ કરી દેવા જણાવ્યું હતું.

  - Advertisement -

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રની યાત્રાએ છે. સવારે તેમણે પ્રસિદ્ધ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. જે બાદ તેઓ પાર્ટીના નેતાઓ, હોદેદ્દારો અને કાર્યકરોને મળ્યા હતા. જેમને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેમણે ભાજપને જ નહીં પરંતુ વિચારધારાને પણ દગો આપ્યો છે અને તેમને પાઠ ભણાવવો જ પડશે. 

  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરેએ ન માત્ર ભાજપ સાથે વિશ્વાસઘાત કર્યો પરંતુ વિચારધારા સાથે પણ સમાધાન કર્યું. મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ તેમણે અપમાન કર્યું. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી નાની થઇ ગઈ તેનું કારણ ભાજપ નહીં પરંતુ તેઓ પોતે અને તેમની સત્તા લાલસા છે. રાજકારણમાં જેઓ વિશ્વાસઘાત કરે છે તેમને સજા મળવી જ જોઈએ.”

  ગૃહમંત્રીએ ફરી એક વખત ગત ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યું હકે, ભાજપ તરફથી તેમને ક્યારેય મુખ્યમંત્રી પદ ઓફર કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે, અમે છાતી ઠોકીને રાજકારણ કરનારા લોકો છીએ. ઉદ્ધવ ઠાકરેને ક્યારેય મુખ્યમંત્રી પદનો વાયદો કરવામાં આવ્યો ન હતો. તેઓ પોતે જ ખયાલી પુલાવ પકાવી રહ્યા હતા. 

  - Advertisement -

  નોંધનીય છે કે ઓક્ટોબરમાં મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. એકનાથ શિંદેની આગેવાનીમાં ભાજપ-શિવસેનાની સરકાર બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હશે. જે માટે હવે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી રણનીતિકાર તરીકે ઓળખાતા અમિત શાહ પણ મેદાને આવ્યા છે. તેમણે કાર્યકર્તાઓ સમક્ષ 150 બેઠકો જીતવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમજ કાર્યકર્તાઓને ચૂંટણી માટે મહેનત શરૂ કરવા માટે કહ્યું હતું. 

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાતે ગયા છે. તેઓ રવિવારે રાત્રે ગુજરાતથી મુંબઈ પહોંચ્યા હતા. હજુ તેઓ એક દિવસ માટે મુંબઈમાં રોકાશે. ઓક્ટોબરમાં બીએમસી ચૂંટણી પહેલાં અમિત શાહની આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. 

  ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. પરંતુ પરિણામો જાહેર થયા બાદ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને જેમની સામે ચૂંટણી લડ્યા હતા એ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી.  જોકે, તેમની મહાવિકાસ આઘાડી સરકાર માત્ર અઢી વર્ષ જ ટકી શકી. 

  ગત જૂનમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો હતો અને પોતાની સાથે કેટલાક ધારાસભ્યોને લઈને પહેલાં સુરત અને પછી આસામમાં કેમ્પ કર્યો હતો. જે બાદ શિંદે જૂથ મજબૂત થતું ગયું અને ઉદ્ધવ જૂથ નબળું પડ્યું. આખરે બહુમતી મેળવી લીધા બાદ શિંદેએ સરકાર બનાવવાનો દાવો રચી વિશ્વાસ મત પણ જીતી લીધો હતો. હાલ એકનાથ શિંદે સીએમ જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ ઉપમુખ્યમંત્રી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં