ગુજરાતમાં જૂના મંત્રીમંડળના રાજીનામાં લેવાયાંથી લઈને નવા મંત્રીમંડળની નિયુક્તિ અને હવે શપથગ્રહણના કાર્યક્રમ સુધી એક નામ ચર્ચામાં રહ્યું હતું. તે નામ હતું હર્ષ રમેશકુમાર સંઘવીનું. કારણે કે ભાજપે યાદી જાહેર નહોતી કરી એ પહેલાં જ અટકળો વહેતી થઈ ગઈ હતી કે હર્ષ સંઘવીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. લગભગ નક્કી જ હતું કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા અને રાજકીય ચર્ચાઓમાં પણ તેમનું નામ લેવાઈ રહ્યું હતું.
હર્ષ સંઘવીએ ગૃહ રાજ્યમંત્રી અને એ પહેલાં ધારાસભ્ય તરીકે કરેલા કાર્યોનું આ પરિણામ છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેમણે 40 વર્ષની ઉંમરે સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. આ પદ 2021થી ખાલી પડ્યું હતું, છેલ્લે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા અને ત્યારબાદ સરકાર બદલાઈ જતાં હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત થઈને રાજ્યનો ગૃહ વિભાગ સંભાળતા હતા.
શ્રી @sanghaviharsh ને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ pic.twitter.com/RJiaJKXyO3
— BJP Gujarat (@BJP4Gujarat) October 17, 2025
ભાજપના યુવા ચહેરા તરીકેની સંઘવીની યાત્રા સામાન્ય પરિવારથી શરૂ થઈને રાજ્યમાં ટોચના પદો સુધી પહોંચવા સુધીની છે અને તેમાં તેમના કાર્યો અને ગ્રાઉન્ડ લેવલની સક્રિયતા મુખ્ય ભૂમિકા ભજવે છે. સુરતના મજુરા વિધાનસભા બેઠક પરના ધારાસભ્યથી લઈને ગૃહ રાજ્યમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકેની તેમની સિદ્ધિ તેમના કામ અને નક્કર પરિણામો પર આધાર રાખે છે.
શરૂઆત અને ચૂંટણીલક્ષી સફળતા
હર્ષ રમેશકુમાર સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી, 1985માં સુરતમાં થયો હતો. રાજકારણી પરિવાર ન હોવા છતાં 15 વર્ષની નાની ઉંમરે તેઓ ભાજપ યુવા મોરચા સાથે જોડાયા હતા અને આદિવાસી વિસ્તારોમાં સામાજિક કાર્યોમાં સક્રિય થયા હતા. 2010માં તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના રાજ્ય મહામંત્રી બન્યા હતા અને ત્યારથી તેઓ પાર્ટીની મુખ્ય ધારામાં આવ્યા હતા.
2012માં મજુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને તેઓ 27 વર્ષની ઉંમરે ગુજરાત વિધાનસભાના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા અને તે પણ રેકોર્ડ માર્જિન સાથે. 2017 અને 2022માં પણ આ બેઠક તેમણે જીતી હતી. સતત મળતો વિજય તેમના સ્થાનિક જનસંપર્ક અને મુદ્દાકેન્દ્રિત અભિગમને દર્શાવે છે. એક ધારાસભ્ય તરીકેના તેમના કાર્યો પણ પ્રશંસનીય રહ્યા હતા.
એક ધારાસભ્ય તરીકે તેમણે મજુરા વિસ્તારમાં યુવાનો માટે રોજગાર મેળાના આયોજનો કર્યા હતા અને વિદ્યાર્થીઓ માટે બુક બેન્ક પણ શરૂ કરી હતી. તે સિવાય ‘હર્ષ સંઘવી ઈ-ઓફિસ’ નામની ટેકનોલોજી આધારિત પ્રણાલી પણ શરૂ કરી હતી, જેથી લોકો ઓફિસમાં ધક્કા ખાધા વગર ઘરેથી જ મોબાઈલ દ્વારા ફરિયાદો નોંધાવતા હતા અને તેનું ત્વરિત નિરાકરણ પણ થઈ જતું હતું.
કોવિડ મહામારી દરમિયાન તેમણે સરાહનીય કામગીરી કરી હતી. તેમણે ઓક્સિજન પૂરું પાડવાથી લઈને હોસ્પિટલમાં બેડ પૂરા પાડવા સુધીના કામો કર્યા હતા. લોક-સહાયના નામે તેમણે અનેક સુવિધાઓ પણ લોકો સુધી પહોંચાડી હતી અને ‘આઇસોલેશન વોર્ડ’ પણ શરૂ કર્યા હતા. જરૂરિયાતમંદ માણસો સુધી દવાઓ અને ભોજન ઘર સુધી પહોંચાડવામાં આવતું હતું. ધારાસભ્ય તરીકે પણ તેઓ જમીન સાથે જોડાઈને કામ કરી રહ્યા હતા.
મંત્રી તરીકે કરેલા કાર્યો
ધારાસભ્ય તરીકેના તેમના કાર્યોના પરિણામે 2021માં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય (રાજ્ય), યુવા અને રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, NRI, પરિવહન, જેલ, સરહદી સુરક્ષા અને અન્ય વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. જવાબદારી સોંપાયા બાદથી જ તેમણે તે દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તમામ વિભાગોમાં તેમણે ઘણા સુધારા કર્યા છે અને અસરકારક કાર્યવાહી કરીને ત્વરિત ન્યાય અપાવવા માટેના પ્રયાસો પણ કર્યા છે. નીચેના કેટલાક મુદ્દાઓ તેમની અસરકારક કાર્યવાહીને દર્શાવે છે.
ડ્રગ્સવિરોધી અભિયાન
ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ડ્રગ્સના રેકેટ્સ સામે મોટા ઑપરેશન્સ ચલાવ્યા હતા. તેમણે ડ્રગ્સ સામે ‘ઝીરો ટોલરન્સની નીતિ’ લાગુ કરી હતી અને ‘ડ્રગ્સવિરોધી’ અભિયાન શરૂ કર્યું હતું. સુરત અને અન્ય વિસ્તારોમાં કરોડોના ડ્રગ્સ જપ્ત કરવા અને આંતરરાજ્ય નેટવર્ક તોડવામાં તેમની ભૂમિકા નિશંકપણે મહત્વની રહી હતી. ઘણી વખત તો નેશનલ એજન્સીઓએ પણ રાજ્યની વિવિધ એજન્સીઓની મદદથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ્સને ખુલ્લા પાડ્યાં હતા.
ગુજરાતની લાંબી સમુદ્રી સરહદથી પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી ડ્રગ્સની હેરાફેરી રાજ્ય સુધી કે દેશના અન્ય ભાગો સુધી પહોંચતા પહેલાં જ દરિયામાં જપ્ત થઈ જતી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન સંઘવીએ દેશના સૌથી મોટા ડ્રગ્સ નેટવર્કને પણ તોડ્યું હતું. તેમની આ કાર્યવાહીના કારણે તેઓ યુવાનોમાં ઘણા લોકપ્રિય પણ થયા હતા.
ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશન
પદ સંભાળ્યા બાદ તરત જ હર્ષ સંઘવીએ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હિંદુ ધર્મસ્થળોમાં ઊભા થયેલા દબાણો દૂર કરવા માટે મહિનાઓ સુધી બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વ્યાપકપણે ડિમોલિશન અભિયાનો ચલાવ્યા હતા. દ્વારકામાં તમામ ટાપુઓ પરથી તેમણે ગેરકાયદે દરગાહો અને મસ્જિદોને જમીનદોસ્ત કરાવી હતી અને સોમનાથ મંદિરની આસપાસના દબાણો પણ દૂર કરાવ્યા હતા.
ઑપઇન્ડિયાએ જામનગરમાં એક ગેરકાયદે દરગાહનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું, તે રિપોર્ટ પ્રકાશિત થયા બાદ માત્ર ગણતરીના દિવસોમાં ત્યાં બુલડોઝર કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી અને હર્ષ સંઘવીએ પોતે ઑપઇન્ડિયાના તે રિપોર્ટ પર જવાબ આપીને કહ્યું હતું કે આ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર સામાન્ય માણસોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે પણ તેમના ઘણા પ્રયાસો કર્યા હતા.
હિંદુ આસ્થા પર હુમલા સામે કડક કાર્યવાહી
હિંદુ તહેવારોમાં હિંદુઓની આસ્થા પર સતત થઈ રહેલા હુમલાઓને ડામવા માટેનું કામ પણ હર્ષ સંઘવીએ કર્યું હતું. ગયા વર્ષે સુરતમાં ગણેશોત્સવ દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગણેશ પંડાલ પર હુમલો કર્યો હતો અને રાત્રિના સમયે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનાની નોંધ સ્વયં ગૃહ રાજ્યમંત્રીએ લીધી હતી અને સંકલ્પ લીધો હતો કે સૂર્યનું પ્રથમ કિરણ સુરત પર પડે તે પહેલાં તમામ કટ્ટરપંથીઓને ખૂણા-ખાંચરામાંથી શોધીને પકડવામાં આવશે.
તેમણે આ સંકલ્પને સિદ્ધ કરીને પણ બતાવ્યો હતો. પરોઢિયાનાં 6 વાગ્યા પહેલાં પથ્થર ફેંકનારા એક-એક કટ્ટરપંથીને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસે તેમની વ્યવસ્થિત સર્વિસ પણ કરી હતી. બાદમાં ઘણા વિડીયોમાં કટ્ટરપંથીઓ લંગડાતા જોવા મળ્યા હતા. ત્યારબાદ હર્ષ સંઘવીએ એ જ ગણેશ પંડાલ પર ભગવાન શ્રી ગણેશની આરતી કરીને કટ્ટરપંથીઓ સુધી સંદેશ પણ પહોંચાડ્યો હતો.
આવું જ આ વર્ષે ગાંધીનગરના બહિયલ ખાતે પણ થયું હતું. મુસ્લિમ કટ્ટરપંથીઓએ રાત્રે ગરબા કરી રહેલા લોકો પર પથ્થરો વરસાવ્યા. હિંદુઓની આસ્થા પર પ્રહારો કર્યા અને માતાજીની પવિત્રતાને ખંડિત કરી. આ સમયે પણ હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીની ચેતવણી આપી અને કહ્યું હતું કે ઘરના દરવાજા તોડી-તોડીને કટ્ટરપંથીઓને બહાર કાઢવામાં આવશે અને ઉચિત સજા આપવામાં આવશે.
ત્યારપછી શું થયું હતું તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ગુજરાત પોલીસે એક-એક ઉપદ્રવીને ઘરના દરવાજા તોડીને પકડ્યા હતા અને જાહેરમાં તેમનું સરઘસ કાઢીને માફી મંગાવી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ ‘ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. આ ઘટનાઓ સિવાય પણ નાનીમોટી તમામ ઘટનાઓ કે જેમાં હિંદુઓની આસ્થા પર કારણ વગર હુમલો થયો હોય, તેમાં હર્ષ સંઘવીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેતી હતી.
ઘૂસણખોરી વિરુદ્ધનાં ઐતિહાસિક પગલાં
ગુજરાતમાં ઘૂસણખોરીનો મુદ્દો દાયકાઓથી ચર્ચતો રહ્યો હતો. ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવ પાસે હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘર કરી ગયા હતા. ગૃહ વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ આ મામલે યોજનાબદ્ધ રીતે કાર્યવાહી કરવા માટેનો પ્લાન ઘડ્યો હતો. જોકે, અગાઉ પણ ભાજપ સરકારે આ ઘૂસણખોરોને હટાવવા માટે કવાયત હાથ ધરી હતી, પણ ઘૂસણખોરોની ઢાલ બનનારાઓ હાઇકોર્ટમાં જઈને સ્ટે ઓર્ડર લઈ આવ્યા હતા.
પરંતુ, હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ બધી બાબતોને ધ્યાને રાખીને નક્કર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ મામલે કામ ચાલી રહ્યું હતું. તેવામાં પહલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને ઘૂસણખોરોની ઓળખ કરીને કાર્યવાહી કરવાના આદેશો આપી દીધા હતા. સરકારના આદેશના બીજા જ દિવસે સુરત અને અમદાવાદમાં ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા હતા.
માત્ર એક જ રાતમાં સુરત અને અમદાવાદમાંથી હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવામાં આવ્યા હતા અને દોરડા બાંધીને તેમને જાહેર રસ્તા પરથી પોલીસ સ્ટેશન સુધી લઈને જવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામના દસ્તાવેજો તપાસીને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામ પૂરું થયા બાદ બીજી એક રાત્રે વધુ એક ઐતિહાસિક કાર્યવાહીનો શંખનાદ થઈ ગયો હતો.
સવારે રાજ્ય અને દેશભરમાં સમાચારો વહેતા થઈ ગયા કે અમદાવાદનું ‘મિનિ બાંગ્લાદેશ’ ગણાતું ચંડોળા તળાવ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત થવા જઈ રહ્યું છે. સમાચાર એવા હતા કે લગભગ હજારોની સંખ્યામાં બુલડોઝર ચંડોળા તળાવની સામે ખડકી દેવામાં આવ્યા છે અને હજારો પોલીસકર્મીઓ પણ તહેનાત થઈ ચૂક્યા છે.
ત્યારબાદ જે થયું એ દુનિયાની સામે છે. સતત ત્રણ-ચાર દિવસની કાર્યવાહી બાદ આખું ચંડોળા તળાવ સાફ કરી દેવાયું અને તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા. ગયા વખતની જેમ આ વખતે પણ ઘૂસણખોરોની ઢાલ બનતા લોકો હાઇકોર્ટમાં ગયા હતા અને રજાના દિવસે હાઇકોર્ટે સુનાવણી કરી હતી, પણ આ વખતે સ્ટે મૂકવા માટેના કોઈ કારણો કે પુરાવા મળી શક્યા ન હતા. તેથી ગુજરાત સરકારની કાર્યવાહી અવિરતપણે ચાલતી રહી અને ચંડોળા તળાવ સંપૂર્ણપણે મુક્ત કરી દેવાયું.
રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં પણ યોગદાન
રમત મંત્રી તરીકે હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સની બિડ માટે ગુજરાતને તૈયાર કર્યું છે. અમદાવાદમાં ત્રણ વિશાળ, મહાકાય સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખુલ્લા મુકાયા અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરના. આ તમામ કોમ્પ્લેકસ અમદાવાદમાં યોજાનારા ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ માટેની પૂર્વ તૈયારી હતી અને આ કામો માટે પણ હર્ષ સંઘવી અગ્રેસર દેખાયા હતા. અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપર લાવવા માટે અનેકો કામો કરવામાં આવ્યા હતા.
તે સિવાય હર્ષ સંઘવીના નેતૃત્વમાં GSRTCમાં (Gujarat State Road Transport Corporation) પણ અનેક રિફોર્મ્સ થયા છે. અત્યાધુનિક અને નવી બસોથી લઈને મહિલાઓ અને યાત્રિકોને પરવડે તેવી સુવિધાઓ પણ ST વિભાગમાં શરૂ કરવામાં આવી છે. ગુજરાતના લગભગ તમામ બસ સ્ટેશનોને અત્યાધુનિક બનાવી દેવામાં આવ્યા છે અને બસમાં સ્વચ્છતા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
સોમનાથ યાત્રા કે પ્રયાગરાજ મહાકુંભ સમયે પણ લોકોની સગવડતા માટે ST વિભાગે સ્પેશ્યલ સર્વિસ શરૂ કરી હતી અને ટુર માટેની કામગીરી પણ કરવામાં આવી હતી. ગુજરાતના ST વિભાગમાંથી લગભગ તમામ જૂની બસોને નિવૃત્ત કરી દેવામાં આવી છે અને હવે અત્યાધુનિક નવી બસો ઉમેરી દેવામાં આવી છે.
હર્ષ સંઘવીની સૌથી મોટી સફળતા ગ્રાઉન્ડ પર સતત નજર અને પ્રજાની સમસ્યાઓ પર ત્વરિત પ્રતિસાદ છે. સોશિયલ મીડિયા પર ફરિયાદો તેમના સુધી પહોંચે તો ત્વરિત નિવારણ થાય અને ઘણી વખત તેમના વિભાગની બહારની ફરિયાદો પણ લોકો તેમની સામે કરતા થઈ ગયા, જેથી તેઓ સરકારનો એક ચહેરો પણ બન્યા હતા. ઘણી વખત લોકો જે-તે વિભાગના મંત્રીઓને છોડીને હર્ષ સંઘવીને ફરિયાદો કરતા હતા.
ફરિયાદો મળ્યા બાદ હર્ષ સંઘવી ત્વરિત પ્રતિક્રિયા પણ આપતા અને સમસ્યાનું નિવારણ પણ કરાવતા. આ બધા કારણોસર તેઓ ટૂંક સમયમાં જ રાજ્ય સરકારનો ચહેરો બની ગયા હતા. તમામ બાબતોની માહિતી તેઓ લોકો સુધી પહોંચાડતા હતા અને ગ્રાઉન્ડ પર પણ સતત નજર રાખતા. કોઈ જગ્યાએ કાંકરીચાળો થાય તો બીજા જ દિવસે સ્થળ પર પહોંચી જઈને તેઓ પોતે સમીક્ષા કરતા હતા.
રાજ્યના લોકોમાં તેઓ સરકારના એક યુવા ચહેરા તરીકે સામે આવ્યા છે. લોકો તો ઠીક પણ રાજ્યની પોલીસ પણ સંઘવીના કામથી ઘણી પ્રભાવિત થઈ છે. હર્ષ સંઘવીએ તમામ કાર્યોનો શ્રેય વારંવાર રાજ્યની પોલીસને આપ્યો છે, તેથી પોલીસ વર્તુળમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળવા પાછળ આવા ઘણા કારણો ભાગ ભજવી રહ્યા છે.
આ બધા કાર્યોનું પરિણામ છે કે સંઘવીએ વડા પ્રધાન મોદી અને અમિત શાહના વિશ્વાસુ વર્તુળમાં સ્થાન મેળવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકેનો અનુભવ અને યુવા મતદારો સાથેનો તેમનો સતત સંપર્ક પણ તેમની સફળતા પાછળનું એક કારણ છે.


