Friday, April 3, 2026
More
    હોમપેજરાજકારણEVM પર જનતાનો વિશ્વાસ, નિષ્પક્ષ ચૂંટણી પર મહોર: કર્ણાટકની કોંગ્રેસ સરકારના સરવેમાં...

    EVM પર જનતાનો વિશ્વાસ, નિષ્પક્ષ ચૂંટણી પર મહોર: કર્ણાટકની કોંગ્રેસ સરકારના સરવેમાં જ રાહુલ ગાંધીના ‘વૉટ ચોરી’ પ્રોપગેન્ડાના ઊડ્યા ધજાગરા

    કંઈ હાથમાં ન આવે તો છેવટે દેશની લોકશાહી ખતરામાં હોવાના પ્રોપગેન્ડા રાહુલ ગાંધી માત્ર દેશમાં નહીં પણ વિદેશમાં જઈ જઈને પણ ફેલાવતા હોય છે. હવે કર્ણાટક સરકારના વિભાગે કરેલા સરવેમાં જ રાજ્યની જનતાએ EVMને વિશ્વસનીય ગણાવીને સાબિત કરી દીધું છે દેશમાં લોકશાહી ખતરામાં નથી અને ના પહેલાં હતી.

    - Advertisement -

    ભારતની લોકશાહી પ્રક્રિયા પર વારંવાર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આજે એક મોટો ઝટકો લાગ્યો છે. 2 જાન્યુઆરી 2026ના રોજ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કર્ણાટકના મતદાતાઓએ EVM પર 83.61 ટકા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અહેવાલ કર્ણાટક સરકારના આયોજન વિભાગ હેઠળની સ્વતંત્ર સંસ્થા કર્ણાટક મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓથોરિટી દ્વારા તૈયાર થયો છે અને તે કોંગ્રેસશાસિત કર્ણાટકમાંથી જ આવ્યો છે, જે રાહુલ ગાંધીના ‘વૉટ ચોરી’ના પ્રોપગેન્ડાને પોકળ સાબિત કરે છે.

    આ સરવેનું પૂરું નામ છે ‘લોકસભા ચૂંટણી 2024 – નાગરિકોના જ્ઞાન, વલણ અને વ્યવહારના (KAP) એન્ડલાઇન સરવેનું મૂલ્યાંકન’ (Lok Sabha Elections 2024 – Evaluation of Endline Survey of Knowledge, Attitude and Practice (KAP) of Citizens). તેનો મુખ્ય હેતુ ચૂંટણી પંચના ‘વ્યવસ્થિત મતદારોનું શિક્ષણ અને ચૂંટણી ભાગીદારી’ (Systematic Voters’ Education and Electoral Participation-SVEEP) કાર્યક્રમના પરિણામોનું મૂલ્યાંકન કરવાનો હતો. આ સરવે મે-જુલાઈ 2025માં કરવામાં આવ્યો અને તેનો અહેવાલ ઑગસ્ટ 2025માં તૈયાર થયો હતો. હવે જાન્યુઆરી 2026માં તેનો રિપોર્ટ જાહેર થયો છે. ફીલ્ડ વર્ક મૈસૂરુ-આધારિત NGO GRAAM (Grassroots Research and Advocacy Movement) દ્વારા કરવામાં આવ્યું હતું.

    સરવેમાં 5,100 મતદાતાઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા, જે રાજ્યના 102 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસંદ કરાયા હતા. આમાં ગ્રામીણ, શહેરી અને અનામત વિસ્તારોનો સમાવેશ થતો હતો અને બેંગલુરુ, બેલગાવી, કલબુરગી તથા મૈસૂરુના ચાર એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝનને આવરી લેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આ સરવેના મુખ્ય તારણો

    આ સરવેમાં 83.61% મતદાતાઓએ EVMને વિશ્વસનીય ગણાવ્યું હતું. આ આંકડો 2023ના 77.9%થી વધીને આવ્યો છે, જે વિશ્વાસમાં સ્પષ્ટ વધારો દર્શાવે છે. વધુમાં, 69.39% સહમત અને 14.22% પૂર્ણ સહમત તારણો દર્શાવે છે કે EVM સચોટ પરિણામ આપે છે. આ ઉપરાંત 91.31% મતદાતાઓએ માન્યું કે ભારતમાં ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ થાય છે, જેમાં 84.55%એ સહમત અને અન્ય લોકોએ મજબૂત સહમતિ વ્યક્ત કરી.

    નોંધનીય છે કે 5100માંથી 95.75% રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે તેમણે 2024માં મત આપ્યો હતો. રાજ્યમાં વાસ્તવિક ટર્નઆઉટ 2019ના 68.81%થી વધીને 71.98% થયું છે. પ્રદેશવાર ડેટા પર નજર કરીએ તો કાલાબુર્ગીમાં 83.24%, મૈસુરમાં 70.67%, બેલાગાવીમાં 63.90% અને બેંગલુરુમાં 63.67% લોકોએ EVM સચોટ હોવાનું કહ્યું છે. આ ઉપરાંત આ સરવેમાં ગ્રામીણ વિસ્તારોમાં બૂથ લેવલ ઓફિસર્સના (BLOs) કામને કારણે નિષ્પક્ષતાનો વિશ્વાસ વધુ જોવા મળ્યો હતો.

    આ પરિણામો પછી કર્ણાટક ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. ભાજપ કર્ણાટકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, “કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, જે રાહુલ ગાંધીની દરેક વાતમાં માથું હલાવે છે અને પ્રિયાંક ખડગે, જે જનમતને અવગણીને આત્મપ્રચારમાં વ્યસ્ત રહે છે, તેમને તેમના ગૃહ જિલ્લા કાલાબુર્ગીના લોકોએ પાઠ ભણાવ્યો છે.”

    બીજી તરફ ભાજપ નેતા અમિત માલવિયએ X પર લખ્યું, “કર્ણાટકમાં કોંગ્રેસના પોતાના સરવેએ રાહુલ ગાંધીના ‘વૉટ ચોરી’ના સમગ્ર નેરેટિવને સંપૂર્ણપણે ઉજાગર કરી દીધો છે. આ રિપોર્ટ કર્ણાટક સરકારના આયોજન વિભાગ હેઠળની સ્વતંત્ર સંસ્થા કર્ણાટક મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓથોરિટી (KMEA) દ્વારા કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા કરવામાં આવ્યો હતો. તે KMEA દ્વારા સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, ભારતના ચૂંટણી પંચ દ્વારા નહીં.” આ ઉપરાંત માલવિયએ સરવેના ઘણા આંકડા પણ મુક્યા હતા.

    વૉટ ચોરી Vs જનતાનો વિશ્વાસ: કોંગ્રેસના ઘરમાં જ તમાચો!

    રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી દેશભરમાં એક જ નેરેટિવ ફેલાવતા આવ્યા છે કે લોકશાહી જોખમમાં છે, EVM અવિશ્વસનીય છે, ચૂંટણી પંચ અને ભાજપ મળીને વૉટ ચોરી કરે છે. મહારાષ્ટ્રથી માંડીને બિહાર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી સુધી દરેક જગ્યાએ રાહુલ ગાંધીએ આ જ દાવા કર્યા હતા. આ ઉપરાંત PPTઓનો હાઇડ્રોજન બૉમ્બ પણ લઇ આવ્યા હતા જે કોંગ્રેસના માથે જ ફૂટ્યો હતો.

    આ સિવાય જ્યારે ચૂંટણી પંચે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને બેનામી તથા અયોગ્ય મતદારોને દૂર કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરી ત્યારે તેના પર પણ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત કાલાબુર્ગી વિસ્તારમાંથી વૉટર લિસ્ટ ઉઠાવીને નામ ડીલીટ થયા હોવાના આરોપો લગાવ્યા અને આ આરોપોને તેમણે નેશનલ કેમ્પેઇન બનાવી દીધું હતું. પરંતુ હવે આ સરવેમાં તે જ કાલાબુર્ગીના 83% લોકોને EVM પર વિશ્વાસ છે. આ તો કોંગ્રેસને તેના જ ઘરમાંથી તમાચો પડવા જેવું છે.

    નોંધનીય છે કે વારંવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ નવા-નવા ગતકડાં લઈને આવે છે. ક્યારેક EVM હેક થાય છે, ક્યારેક વૉટર લિસ્ટમાંથી નામ કપાય છે, ક્યારેક ચૂંટણી પંચ ભાજપની સાથે મળીને વૉટ ચોરી કરે છે. પરંતુ વારંવાર જનતા તેમને વાસ્તવિકતા દેખાડી દે છે. આ વખતે તો કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં જ તેનો નેરેટિવ ઉંધા માથે પછડાતો દેખાઈ રહ્યો છે. જનતાનો વિશ્વાસ EVM અને ચૂંટણી પ્રક્રિયા પર છે, જ્યારે કોંગ્રેસ પોતાની હારનું દોષારોપણ ક્યારેક EVM, ક્યારેક ચૂંટણી પંચ, ક્યારેક મતદાર યાદી અને ક્યારેક વૉટ ચોરીના નામે કરતી રહી છે.

    કંઈ હાથમાં ન આવે તો છેવટે દેશની લોકશાહી ખતરામાં હોવાના પ્રોપગેન્ડા રાહુલ ગાંધી માત્ર દેશમાં નહીં પણ વિદેશમાં જઈ જઈને પણ ફેલાવતા હોય છે. હવે કર્ણાટક સરકારના વિભાગે કરેલા સરવેમાં જ રાજ્યની જનતાએ EVMને વિશ્વસનીય ગણાવીને સાબિત કરી દીધું છે દેશમાં લોકશાહી ખતરામાં નથી અને ના પહેલાં હતી. આ માત્ર કોંગ્રેસ અને રાહુલ ગાંધી તથા લેફ્ટ-લિબરલોએ ઉભું કરેલું એક નેરેટિવ હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં