ભારત આજે એવા તબક્કામાં છે જ્યાં તે માત્ર એક પ્રાદેશિક શક્તિ નથી, પરંતુ ટેક્નોલોજી, રોકાણ અને વૈશ્વિક નીતિ ચર્ચાનું મહત્વનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે જ્યારે દેશમાં કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાય છે, ભલે તે આર્થિક મંચ હોય, ટેક્નોલોજી સમિટ હોય કે વૈશ્વિક નેતૃત્વનો સમાગમ, તો તે માત્ર એક કાર્યક્રમ નથી રહેતો. તે એ રાષ્ટ્રની પ્રતિષ્ઠા, વિશ્વસનીયતા અને ક્ષમતાનું જાહેર પ્રદર્શન પણ બને છે.
આ જ પૃષ્ઠભૂમિમાં દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય AI શિખર સંમેલનને જોવું જોઈએ. વિશ્વભરમાંથી આવેલા પ્રતિનિધિઓ, ટેક કંપનીઓના મુખ્ય અધિકારીઓ અને નીતિ નિર્માતાઓની સામે ભારત પોતાને ભવિષ્યની ટેક્નોલોજીકલ શક્તિ તરીકે રજૂ કરી રહ્યું હતું. પરંતુ આ જ આયોજન દરમિયાન જે દૃશ્યો સામે આવ્યાં અને તે પછી જે રીતે તેનો રાજકીય ઉપયોગ થયો, તેણે એક અસહજ પ્રશ્ન ઉભો કર્યો છે કે શું ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડનારી ઘટનાઓ પર કોઈ રાષ્ટ્રીય નેતાને ગર્વ થવો જોઈએ?
"AI Summit ka naam suna hai? Kaam kar diya Youth Congress walon ne"
— Ankur Singh (@AnkurSingh) March 9, 2026
Don’t forget this video.
This is Rahul Gandhi literally flaunting how his karyakartas tried to demean India’s image in front of foreign delegates at AI summit.
This is a reminder that every anti-India act by… pic.twitter.com/kJgYg6tONf
સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી એક સભામાં હસી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે — “AI સમિટ કા નામ સુના હૈ… યહાં જો સમિટ હુઆ થા… કર દિયા કામ… યૂથ કોંગ્રેસવાલોને.” આ ટિપ્પણી મજાકની નથી. જે અંદાજમાં તે કહેવાયું- હાસ્ય, ઠહાકા અને ગર્વના ભાવ સાથે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે તેઓ તે ઘટનાને શરમની વાત નહીં, પરંતુ એક સિદ્ધિ તરીકે રજૂ કરી રહ્યા છે.
આ વિરોધ નહીં, અરાજકતાની ઉજવણી
AI સમિટ દરમિયાન યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નગ્ન પ્રદર્શન અને હોબાળો કરવામાં આવ્યો હતો. આ કોઈ સામાન્ય રાજકીય ધરણા સ્થળ નહોતું. આ એ મંચ હતું જ્યાં ભારત વિશ્વ સમક્ષ પોતાની ટેકનોલોજી મહત્વાકાંક્ષા રજૂ કરી રહ્યું હતું. કોઈપણ લોકશાહીમાં વિરોધનો અધિકાર હોય છે. પરંતુ વિરોધનાં પણ સમય, સ્થળ અને મર્યાદા હોય છે. જો વિરોધ એ રીતે કરવામાં આવે કે તે આંતરરાષ્ટ્રીય મંચને જ અવ્યવસ્થામાં ફેરવી દે તો તે લોકશાહીની અભિવ્યક્તિ સ્વતંત્રતા કરતાં વધુ સંગઠિત અરાજકતા છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે કેટલાક કાર્યકર્તાઓએ મર્યાદા ઓળંગી. વાસ્તવિક પ્રશ્ન એ છે કે જ્યારે આ બધું થયું ત્યારે રાહુલ ગાંધીએ તેના પર શું પ્રતિક્રિયા આપી અને હવે તેઓ શું કહી રહ્યા છે.
આ ઘટના પછી જે સૌથી વધુ ઘાતક વાત સામે આવી તે એ નહોતી કે કેટલાક કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. આશ્ચર્યની વાત તો એ છે કે તેમની આ હરકતને તેમના ‘યુવાનેતા’ દ્વારા જાહેરસભા પરથી સિદ્ધિની જેમ રજૂ કરવામાં આવી.
અનુશાસનના સ્થાને અરાજકતાને પ્રોત્સાહન!
કોઈપણ જવાબદાર રાજકીય પક્ષનો નેતા આવી ઘટના બાદ ઓછામાં ઓછું એ તો કહે કે પાર્ટી અનુશાસન સર્વોપરિ છે. અથવા એ સંકેત આપે કે આંતરરાષ્ટ્રીય મંચો પર દેશની પ્રતિષ્ઠા સર્વોચ્ચ છે. કઈ જ ન કરે તો શાંતિથી ટાંગા વાળીને બેસી તો રહે જ. પરંતુ રાહુલ ગાંધીના કિસ્સામાં ઉલટું દૃશ્ય દેખાય છે. જ્યાં એક નેતાએ એ કોંગ્રેસી કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવા જોઈતા હતા, કહેવું જોઈતું હતું કે આવા પ્રદર્શનથી દેશની છબીને નુકસાન થાય છે, તેવામાં એ જ નેતા જાહેર મંચ પરથી દાંત બતાવતા એવું કહી રહ્યા છે કે ‘કામ કરી દીધું’!
આ માત્ર એક વાક્ય નથી. આ એક રાજકીય સંદેશ છે અને તે સંદેશ એ છે કે જો અવ્યવસ્થાથી રાજકારણ ચાલે, જો દેશની પ્રતિષ્ઠાને તોડવાથી કે દેશની વિરુદ્ધ જવાથી પણ રાજકારણ ચાલે તો તે પણ સ્વીકાર્ય છે. આ આખા પ્રકરણનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે તેમાં માત્ર વિરોધ નથી દેખાતો, પરંતુ રણનીતિક શરમના રાજકારણની ઝલક દેખાય છે.
રાહુલ ગાંધી જેવો નેતા પોતાના જ કાર્યકર્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર પેદા કરાયેલી અવ્યવસ્થાને ગર્વ સાથે વર્ણવે છે, ત્યારે તે અજાણતાં એ સંદેશ આપે છે કે રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ રાજકીય હથિયાર બની શકે છે. આ એ જ વિચારધારા છે જેમાં જો તમે વૈશ્વિક મંચ પર સરકારની સિદ્ધિને પડકારી ન શકો તો તે મંચને જ અવ્યવસ્થાનું કેન્દ્ર બનાવી દો જેથી ચર્ચા સિદ્ધિમાંથી વિવાદ તરફ ખસી જાય. આ એ જ વિચારધારા છે જે ‘ઇન્ડિયન સ્ટેટ’ સામે લડવાની વાતો કરે છે.
નેતૃત્વની નિષ્ફળતા
રાજકીય વિરોધ લોકશાહીનો સ્વાભાવિક ભાગ છે. પરંતુ નેતૃત્વની ખરી કસોટી એ છે કે તે પોતાના કાર્યકર્તાઓને મર્યાદા અને જવાબદારીની દિશામાં લઈ જાય. આ કિસ્સામાં રાહુલ ગાંધીએ તે ભૂમિકા ભજવવાના બદલે ઉલટો રસ્તો પસંદ કર્યો. જ્યાં તેમની પાસેથી અપેક્ષા હતી કે તેઓ પાર્ટી કાર્યકર્તાઓને અનુશાસનનો સંદેશ આપે (જોકે આવી અપેક્ષા હતી નહીં!), ત્યાં તેઓ તે જ ઘટનાને ગર્વ સાથે અને કાર્યકર્તાઓનો ‘હોંસલો બુલંદ’ કરતા વર્ણવી રહ્યા છે. સવાલ સીધો અને સ્પષ્ટ છે- શું આવું વર્તન રાષ્ટ્રીય નેતૃત્વના માપદંડોને અનુરૂપ છે. તેનો ઉત્તર છે- ના.
હજારો કિલોમીટર દૂર એક નાનકડો દેશ છે ઇઝરાયેલ. ત્યાં પણ લોકશાહી છે અને ત્યાં પણ વિપક્ષ છે. હમણાં પીએમ મોદી એ દેશની યાત્રા પર હતા. દેશમાં પક્ષ-વિપક્ષને અમુક મુદ્દાઓને લઈને લડાઈ છે અને તે ચાલતી રહેવાની છે પણ વડા પ્રધાનનાં સંસદ સંબોધનમાં વિપક્ષી નેતાઓ હાજર રહ્યા. જોકે, એ પહેલાં નેતન્યાહુનાં ભાષણ સમયે વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કરી દીધું હતું, જેવી ઇઝરાયેલી પીએમની સ્પીચ પૂરી થઈ અને વડા પ્રધાન ભાષણ માટે આગળ આવ્યા કે તરત જ તમામ વિપક્ષી સાંસદો ફરી સંસદમાં આવી ગયા.
ઇઝરાયેલી વિપક્ષના નેતાનું સ્પષ્ટ કહેવું હતું કે તેમની લડાઈ તેમની સરકાર સાથે છે, તેમના દેશ સાથે નહીં. કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે દેશમાં આવે છે ત્યારે તે દેશનો મહેમાન હોય છે, નહીં કે સરકારનો. આ જ તંદુરસ્ત લોકશાહીની પવિત્રતાનો છાંટો માત્ર જો કોંગ્રેસમાં આવી જાય તો દેશ ધન્ય થઈ જાય. પણ આ જમાત અને તેના ‘યુવરાજ’ બંનેની લડાઈ જ ભારત વિરુદ્ધ છે અને તે વારંવાર દેખાઈ પણ આવે છે.
ઇઝરાયેલ જેવો સામાન્ય વિપક્ષ સરકાર સાથે નીતિ પર લડે છે, આર્થિક નિર્ણયો પર ચર્ચા કરે છે, સંસદમાં સવાલો પૂછે છે, જનતા વચ્ચે અભિયાન ચલાવે છે. પરંતુ જો રણનીતિ જ એ બની જાય કે જ્યાં સરકાર વૈશ્વિક મંચ પર દેશની સિદ્ધિ દેખાડવા માંગે છે ત્યાં જ અવ્યવસ્થા પેદા કરી દેવામાં આવે, નગ્નતા રજૂ કરવામાં આવે તો આ આ રાજકારણ ખાડે ગયું કહેવાય.
આ એ જ માનસિકતા છે જેમાં જો તમે નેરેટિવને નિયંત્રિત ન કરી શકો તો તેને અરાજકતાથી બદલી નાખો. જો વિશ્વ ભારતની ટેક્નોલોજીકલ મહત્વાકાંક્ષા પર વાત કરવા જઈ રહ્યું છે તો ચર્ચાઓ બદલી નાખો, જેથી ચર્ચા સંમેલનની સિદ્ધિઓ પર નહીં પરંતુ પેદા થયેલી અવ્યવસ્થા પર થાય.
રાજકારણથી આગળનો છે સવાલ
ભારત જેવા લોકતંત્રમાં રાજકીય સ્પર્ધા તીખી હોવી સ્વાભાવિક છે. પરંતુ ઇતિહાસ એ પણ બતાવે છે કે જ્યારે દેશ વૈશ્વિક મંચ પર ઊભો થાય છે, ત્યારે રાજકીય પક્ષો અવારનવાર ઓછામાં ઓછી એક ન્યૂનતમ રાષ્ટ્રીય સહમતિ જાળવી રાખે છે. સરકારની ટીકા કરવી લોકશાહીનું કર્તવ્ય હોય શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર પેદા થયેલી અવ્યવસ્થાને ગર્વ સાથે રજૂ કરવી કે અમે કર્યું છે, તે મર્યાદાને પડકારે છે. આ એ બિંદુ છે જ્યાં રાજનીતિ અને રાષ્ટ્રનીતિ વચ્ચેની રેખા ધૂંધળી પડવા લાગે છે.
આ વિવાદ માત્ર એક નિવેદનનો નથી. આ તે માનસિકતાનો પ્રશ્ન છે, જ્યાં દેશની સામે તલવાર ખેંચવામાં આવે છે, દેશવિરોધી કૃત્યો માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને રાજકીય સ્પર્ધા એટલી નિમ્ન થઈ જાય છે કે આંતરરાષ્ટ્રીય મંચ પણ ઘરેલુ રાજકારણનાં પ્રદર્શનનું મેદાન બની જાય.
ભારતના રાજકારણમાં તીખી ચર્ચા અને કડક વિરોધ નવો નથી. પરંતુ વિશ્વ સમક્ષ દેશની પ્રતિષ્ઠાને ઘા પહોંચાડનારી ઘટનાઓને જો નેતા પોતે રાજકીય સિદ્ધિ તરીકે રજૂ કરવા લાગે તો આ લોકતાંત્રિક અસહમતી કે સરકારનો વિરોધ નથી. આ નિમ્ન માનસિકતા છે અને રાષ્ટ્રનો વિરોધ છે. અને આ જ તે બિંદુ છે જ્યાં આ પ્રશ્ન ઉઠે છે કે શું આ માત્ર રાજકારણ છે કે પછી એવું રાજકારણ છે જે રાષ્ટ્રહિતથી ઉપર પોતાની રણનીતિને રાખે છે.


